અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી
Ahmedabad 28 PIs transferred : અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવાની ઘટના બાદ પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. મંગળવારે (18 માર્ચ, 2025) સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા 215 પોલીસ કર્મચારીઓની આતંરિક બદલીઓ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારના એકસાથે 28 PIની બદલી કરી દેવામાં આવી છે. વસ્ત્રાલમાં વધતા જતા ગુંડા તત્ત્વોનો આતંક અને વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ સીપીએ મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી. વી.ડી. મોરીને રામોલમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.
વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
'DySPથી ઉપરના અધિકારીઓએ રિપોર્ટ કાર્ડ આપવું પડશે'
આ પહેલાં રાજ્યના ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો આપવાની સાથે ટકોર કરવામાં આવી હતી. જેમાં DySPથી લઈને ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવા સહિત તેમના વિસ્તારના ક્રાઈમ રેટની વિગતે માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની તૈયાર કરવામાં આવેલી યાદી પર યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જ્યારે IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ કરવામાં આવશે.
શું હતો મામલો?
અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. અત્યાર સુધી આ મામલે પોલીસે 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 3-4 આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે. તેમાંથી ઘણાંના પરિજનોને મકાનોના લીગલ પુરાવા રજૂ કરવા ચેતવણી આપી દેવામાં આવી છે. જો તેઓ તેેેેમાં નિષ્ફળ રહેશે તો બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.