અમદાવાદમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાજના વિવાદ બાદ સંગીત શિક્ષકને માર મારનાર 3 લોકો સામે પોલીસ ફરિયાદ

શિક્ષકને માર મારવાની ઘટના બાદ મુસ્લિમ આગેવાનો સહિતના લોકોએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાજના વિવાદ બાદ સંગીત શિક્ષકને માર મારનાર 3 લોકો સામે પોલીસ ફરિયાદ 1 - image



અમદાવાદઃ શહેરના ઘાટલોડીયાની(Ahmedabad) કેલોરેકસ સ્કૂલ દ્વારા ઇદના તહેવાર નિમિતે સ્કૂલમાં બાળકોને નમાઝ કરાવવામાં આવી હતી. જે મામલે હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં ઉગ્ર વિરોધ કર્યો હતો.(kalorex School)આ અંગે ગાંધીનગર સુધી નોંધ લેવાઈ હતી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ પાસે ખુલાસો માંગીને તપાસ કરવામાં આવી હતી. (Namaz Controversy)જેમાં પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સ્કૂલને જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતાં તથા સ્કૂલ સામે વધુ તપાસ માટે વર્ગ-2ના ત્રણ કર્મચારીઓની ટીમ બનાવી તપાસ સોંપવામાં આવી હતી. (ghatlodia police)આ સ્કૂલમાં કેટલાક લોકોએ સંગીત શિક્ષકને જબરદસ્ત માર માર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ શિક્ષકને માર મારનાર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં શિક્ષકને માર મારવા અંગે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

સ્કૂલના ફેસબુક પેજ પર વીડિયો અપલોડ કરાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મણીભાઇ ઘેમરભાઇએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ઘાટલોડિયામાં કેલોરેક્ષ ફ્યુચર સ્કૂલમાં વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ સ્કૂલમાં આરટીઈ હેઠળ મોહંમદ ઇબ્રાહિમ શેખ નામના મુસ્લિમ બાળકનું એડમીશન થયેલું છે અને હાલ તે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ગત 28 સપ્ટેમ્બરે ઈદનો તહેવાર હોવાથી આ બાળક દ્વારા ક્લાસના અન્ય બાળકોને દોઢેક મિનિટનો નમાજ પઢવાનો ડેમો આપવામાં આવ્યો હતો. આ બાળકની પાછળ અન્ય ચાર બાળકો ઉભા હતાં. આ વીડિયો સ્કૂલના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

આ વિડીયોમાં તે સમયે સ્કૂલના મ્યુઝીક શિક્ષક તરીકે મૌલિક પાઠક પણ દેખાતા હતા. સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ત્રીજી ઓક્ટોબરે સ્કૂલમાં કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન સ્કૂલમા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ પહોંચી ગયા હતાં. આ દરમ્યાન ત્યાં બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે સ્કુલના મ્યુઝીક શિક્ષક મૌલિક પાઠક સ્કૂલના ઉપરના માળેથી નીચે ઉતરી રહ્યા હતા તે વખતે સ્કુલની બહાર ઉભેલ માણસો પૈકી ત્રણ માણસોએ મૌલિક પાઠકને ઓળખી જતાં જોર જોરથી નારા લગાવી બુમો પાડવા લાગેલ અને એકદમ તેઓના તરફ દોટ મુકી અચાનક તેમની નજીક પહોંચી જઇ જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલવા લાગ્યા હતાં. 

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

આ ઇસમો પૈકી એક મૌલીક પાઠકને ફેંટો તથા લાફાથી ગાલ ઉપર તથા માથામાં માર મારવા લાગેલ અને બીજો  ફેંટોથી તથા લાફાઓથી ગાલ ઉપર માર મારવા લાગેલ અને ત્રીજો ઇસમ મૌલિકભાઇના શર્ટનો કોલર પકડી માર મારવા તેમને ખેંચીને દુર લઇ જવા લાગ્યો હતો. આ ત્રણેય ઇસમો મૌલિકભાઈને માર મારતા હતા તે દરમ્યાન પોલીસ તથા સ્કુલ સ્ટાફના માણસોએ મૌલિકભાઇને છોડાવી સલામત જગ્યાએ લઇ ગયા હતાં.  મ્યુઝિક શિક્ષક મૌલિક પાઠકને માર મારનાર આ ત્રણેય ઈસમો બાબતે તપાસ કરતાં ઉમંગ મોજીદ્રા, મહર્ષ સેવક અને દિપભાઇ દેસાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ ત્રણેય જણાએ સ્કૂલના વાયરલ થયેલા વીડિયોની અદાવત રાખીને સ્કૂલના કંમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને સ્કૂલના શિક્ષક મૌલિક પાઠકને ગંદી ગાળો બોલીને ઢોર માર મારવા બદલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

અમદાવાદમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાજના વિવાદ બાદ સંગીત શિક્ષકને માર મારનાર 3 લોકો સામે પોલીસ ફરિયાદ 2 - image


Google NewsGoogle News