હિટ એન્ડ રન: અમદાવાદમાં પોલીસની કારે વૃદ્ધને ઉડાવ્યા, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
Hit And Run Case in Ahmedabad : છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હિટ એન્ડ રનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત કેટલાક મહિનામાં અમદાવાદમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે. ગત 9 ઓક્ટબરે અમદાવાદના નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં નોકરી પર જવા માટે બસની રાહ જોઇ રહેલા વૃદ્ધને રોંગ સાઇડમાંથી આવી રહેલા કારે ફંગોળતા તેમનું મોત નિપજ્યું હતું. આ કાર પોલીસની હોવાનું જાણવા મળ્યું છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત બુધવારે 9 ઓક્ટબરના રોજ અમદાવાદના નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નોકરીએ જવા નિકળેલા વૃદ્ધને પોલીસને કારે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ અંદાજે 10 ફૂટ જેટલા ઉછળ્યા હતા અને આગળ ઉભેલી રીક્ષાની અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં નટવરલાલ પ્રજાપતિ (ઉ.વ. 71 વર્ષ) ને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે હંકારીને અકસ્માત સર્જાનાર આ કાર પોલીસ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની કાર દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે જેને જોતાં કંપારી વછૂટી જાય. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગ્રે ટ્રાફિક ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે આ અકસ્માતની ઘટનામાં કાર ડ્રાઇવર કોણ હતો, તેની તપાસ માટે સીસીટીવી ફંફોળવામાં આવી રહ્યા છે. કાર ડ્રાઇવરને ઓળખ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જે પણ વ્યક્તિ જવાબદાર હશે તેને છોડવામાં નહી આવે, કડક કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવશે.