PMJAYમાં પોલંપોલ : ગુજરાતની હોસ્પિટલોએ 31 કરોડના ખોટાં બિલ મૂક્યાં, જાણો યાદીમાં કયુ રાજ્ય ટોચે
Maharashtra, Bihar better condition than Gujarat : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા અત્યાર સુધી રૂપિયા 31 કરોડથી વધુના ખોટા બિલ મૂક્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પીએમજેએવાય હેઠળ ખાનગી હોસ્પિટલો દ્વારા બિલની સૌથી વધુ ગેરરીતિ થઇ હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ રૂપિયા 139 કરોડ સાથે મોખરે છે.
ગેરરીતિ આચરવાને મામલે ગુજરાત કરતાં મહારાષ્ટ્ર, બિહારની સારી સ્થિતિ
સામાન્ય દર્દીને સારવાર કરાવવામાં ખર્ચના બોજનો સામનો કરવો પડે નહીં તેવા આશય સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી. સામાન્ય વ્યક્તિ માટે આશીર્વાદ સમાન આ યોજનાને કેટલીક ખાનગી હોસ્પિટલો-ડૉક્ટરોએ કમાણીનું માઘ્યમ બનાવી દીધી છે. જેમાં દર્દીને સારવારમાં બિલનો વધારે પડતો મોટો આંક લખવો, ગંભીર બીમારી નહીં હોવા છતાં ઓપરેશન કરવું જેવા ગોરખધંધા દ્વારા ક્લેઇમ પાસ કરવાનો ખેલ ખેલવામાં આવતો હોય છે.
અમદાવાદમાં ગત વર્ષે ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કાંડ બાદ આ કૌભાંડો વધુ પ્રકાશમાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષની 14 જાન્યુઆરી સુધીમાં જ ખાનગી હોસ્પિટલોએ રૂપિયા 31.58 કરોડના ખોટા બિલ મૂકીને ક્લેઇમ પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર દેશમાંથી કુલ 6.66 કરોડ ક્લેઇમમાંથી ખાનગી હોસ્પિટલના 2.70 લાખ ક્લેઇમમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું હતું.