Get The App

PMJAY યોજનામાં ક્લેમ ડિપાર્ટમેન્ટ પોલીસની રડારમાં, ખાનગી હૉસ્પિટલને કરોડોની લ્હાણી, મળતિયા માલામાલ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
PMJAY યોજનામાં ક્લેમ ડિપાર્ટમેન્ટ પોલીસની રડારમાં, ખાનગી હૉસ્પિટલને કરોડોની લ્હાણી, મળતિયા માલામાલ 1 - image


Pradhan Mantri Jan Arogya Yojana: ગરીબ દર્દીઓ માટે અતિ ઉપયોગી PMJAY યોજના ડૉક્ટરો-ખાનગી હૉહૉસ્પિટલના માલિકો-સંચાલકો માટે કમાણીની યોજના બની રહી છે. તેનું કારણ એ છેકે, PMJAY યોજનાના માધ્યમથી ખુદ સરકારે જ ગરીબ દર્દીઓની સારવારના નામે ખાનગી હૉસ્પિટલોને કરોડો રૂપિયાની લ્હાણી કરી છે. PMJAY યોજના હેઠળ સરકારી હૉસ્પિટલની સરખામણીમાં ખાનગી-કૉર્પોરેટ હૉસ્પિટલોને રાજ્ય સરકારે છ ગણા વધુ નાણાં ચૂકવ્યા છે જેથી મળતિયા હૉસ્પિટલ માલિકો-સંચાલકો માલામાલ થયા છે. 

ગરીબ દર્દીઓની સેવાના નામે મેવા કમાવવાની કરતૂત

ગરીબ દર્દીઓને ખાનગી-કૉર્પોરેટ હૉસ્પિટલમાં સારી તબીબી સારવાર મળી રહે તેવા ઉમદા હેતુની PMJAY યોજના આજે શંકાના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે, ડૉક્ટરો-હૉસ્પિટલ માલિકો બેફામ બની ગેરરીતિ આચરી રહ્યા છે. ગરીબ દર્દીઓની સેવાના નામે મેવા કમાવવા અવનવા કરતૂત કરવામાં આવી રહ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં અંદાજે 10000થી વધુ ગેરકાયદે લેબોરેટરી ધમધમે છે, રોગ નિદાનમાં લોલમલોલ

કેન્દ્ર-રાજ્ય સરકાર PMJAY યોજના અંતર્ગત કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ હૉસ્પિટલના સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મિલીભગતને કારણે આ યોજના થકી મોટી કટકી થઈ રહી છે.

છેલ્લાં પાંચેક વર્ષમાં ખાનગી-કૉર્પોરેટ હૉસ્પિટલોને કરોડો રૂપિયા ચૂકવ્યા

ખુદ આરોગ્ય વિભાગ જ ખાનગી હૉસ્પિટલને પ્રોત્સાહન જ નહીં, મોકળું મેદાન પૂરું પાડી રહી છે. વર્ષ 2018થી માંડીને વર્ષ 2022 સુધી રાજ્યની સરકારી હૉસ્પિટલ કરતાં ખાનગી હૉસ્પિટલમાં છ ગણા નાણાં ચૂકવાયા છે. PMJAY યોજના હેઠળ સરકારી હૉસ્પિટલોને માત્ર 506 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જ્યારે ખાનગી-કૉર્પોરેટ હૉસ્પિટલોને 2884 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. આ પરથી એ વાત સ્પષ્ટ થઈ છે કે, રાજ્ય સરકારના ખાનગી હૉસ્પિટલો પર ચાર હાથ છે. 

સવાલ છે કે, લાખો-કરોડો રૂપિયા ચૂકવાય છે પણ દર્દીની કેવી સારવાર કરાઈ છે? ક્યા પ્રકારની સર્જરી-પ્રોસિજર કરાઈ છે? મેડિકલ ક્ષેત્રના નિયમો આધારે દર્દીની સારવાર કરાઈ છે? હૉસ્પિટલ દ્વારા કલેઇમ કરાયો છે તેની સત્યતા કેટલાં અંશે સાચી છે? આ બધું કોઈ જોનાર નથી. આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારી મળતિયા સંચાલકો પાસેથી મસમોટું કમિશન લઈ તેના આધારે ક્લેઈમ પાસ કરી દે છે. આમ ગરીબ દર્દીઓની સારવાર પાછળ કરોડો રૂપિયા ચૂકવ્યા પછીય આરોગ્ય વિભાગને બદનામ થવું પડ્યું છે. કારણ કે, PMJAY યોજના ડૉક્ટરો-હૉસ્પિટલ માલિકો માટે કમાણીની યોજના બની રહી છે. 

5-10 ટકા કમિશન મેળવે તોય આરોગ્ય અધિકારી લાખો મેળવે

દર્દીઓની સારવાર માટે PMJAY યોજનામાં લાખો કરોડો રૂપિયા હૉસ્પિટલને ચૂકવવામાં આવે છે. દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ગુજરાત આરોગ્ય વિભાગને ફાળવે છે. કરોડો રૂપિયા ગ્રાન્ટ મળતી હોય ત્યારે માત્ર 5-10 ટકા કમિશન ગણો તોય ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓને બખ્ખાં થઈ જાય. એટલું જ નહીં, લાખો રૂપિયા મેળવી લે. અત્યારે તો આરોગ્ય વિભાગે બધું ઠીકરું ડૉક્ટર-હૉસ્પિટલના માલિકોના માથે ફોડ્યું છે. હકીકતમાં આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મિલીભગત વિના આ કૌભાંડ શક્ય જ નથી. હવે પગતળે રેલો આવ્યો છે ત્યારે બધા શાહુકાર બની રહ્યા છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં અમેરિકા પ્રથમ, ભારત ચોથા ક્રમે, ગ્લોબલ પાવર ઈન્ડેક્સ જાહેર

ચાલુ વર્ષે આરોગ્ય વિભાગે 3110 કરોડ રૂપિયા ફાળવ્યા 

ચાલુ વર્ષે રાજ્ય સરકારે વર્ષ 2024-25માં PMJAY યોજના માટે 3110 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં હાલ 2513 ખાનગી-સરકારી હૉસ્પિટલો 10 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર આપી રહી છે. 

રાજ્ય આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ હૉસ્પિટલ માલિકો સાથે સાઠગાંઠ કરીને આ યોજના હેઠળ ધૂમ ગેરરીતીઓ આચરી રહ્યા છે. આ જ આરોગ્ય વિભાગના અધિકારીઓ કમિશન ખાતર હૉસ્પિટલના કરતૂતો ઢાંકી રહ્યા છે. વાસ્તવમાં દર્દીઓના જીવ સાથે ચેડાં આચરતાં ડૉક્ટરો -હૉસ્પિટલ માલિકો પર કડક કાર્યવાહી કરે તો આવું કૌભાંડ થાય જ નહીં. પણ આ તો આવ ભાઈ હરખાં, આપણે બેઉ સરખા જેવો ઘાટ સર્જાયો છે.

PMJAY યોજનામાં ક્લેમ ડિપાર્ટમેન્ટ પોલીસની રડારમાં, ખાનગી હૉસ્પિટલને કરોડોની લ્હાણી, મળતિયા માલામાલ 2 - image


Google NewsGoogle News