Get The App

ગુજરાતના મંત્રીઓની કામગીરી પર PM નરેન્દ્ર મોદીની સીધી નજર

Updated: Aug 22nd, 2022


Google NewsGoogle News
ગુજરાતના મંત્રીઓની કામગીરી પર PM નરેન્દ્ર મોદીની સીધી નજર 1 - image


- મંત્રી, નેતાઓને પાર્ટીલાઇનમાં રહેવાનો સ્પષ્ટ ઇશારો

અમદાવાદ, સોમવાર

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પૂરજોશમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી છે. વડાપ્રધાનથી માંડીને કેબિનેટ મંત્રીઓની પણ ગુજરાતમાં આવનજાવન વધી છે. દરમિયાન, નબળા પરર્ફમન્સને કારણે બે સિનિયર મંત્રીઓના ખાતા છિનવી લેવાયા છે. સૂત્રના મતે, મંત્રીઓની કામગીરી પર ખુદ પીએમઓ સીધી નજર રાખી રહ્યુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ મોરચો સંભાળી લીધો છે. 

MLAની કામગીરીના રિપોર્ટ તૈયાર કરાયાં, AAPની સક્રિયતા વચ્ચે મંત્રી-MLAની  નિષ્ક્રિયતા પોષાય તેમ નથી

સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત પૂર્ણેશ મોદીના ખાતા રાતોરાત છિનવી લેવાયા છે. હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશો આપી દીધો છેકે, પાર્ટીલાઇનમાં નહી રહે તેને સત્તાસ્થાનેથી ઉતારી દેવાશે. મંત્રી હોય કે પછી સંગઠનમાં હોદ્દેદાર, પોતાની મનમાની ચલાવી નહી શકે. એટલુ જ નહીં, ભ્રષ્ટાચાર કે ગેરરીતિની ફરિયાદ આવશે તો પણ નહી ચલાવી લેવાય. પ્રજાલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર આચરતા મંત્રી અને પદાધિકારીને ઘરનો રસ્તો દેખાડી દેવા નક્કી કરાયુ છે. 

ભાજપ સરકારના બધાય મંત્રીઓની કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. નવરાત્રીમાં ચૂંટણીનું એલાન થઇ શકે તેવી શક્યતા જોવાઇ રહી છે ત્યારે મંત્રીઓથી માંડીને ધારાસભ્યોની નિષ્ક્રિયતા ભાજપને પોષાય તેમ નથી. આ જોતાં ભાજપના ધારાસભ્યોની કામગીરીના રિપોર્ટ પણ તૈયાર કરી દેવાયા છે. કયા ધારાસભ્ય સક્રિય છે અને કયા ધારાસભ્ય નિષ્ક્રિય છે તેની યાદી તૈયાર કરાઇ છે. અત્યારથી જ કઇ બેઠક પર વર્તમાન ધારાસભ્યનુ પત્તુ કપાય તો કયા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા તે દાવેદારો અંગે અંદરખાને મંથન પણ થઇ રહ્યુ છે. ટૂંકમાં વ્યક્તિગત મૂલ્યાંકન આધારે જ ઉમેદવારને ટિકીટ આપવાની ભાજપની ગણતરી છે. ભાજપ આ વખતે યુવા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને તક આપવા માંગે છે. વર્તમાન ધારાસભ્યો પૈકી મોટાભાગનાની ટિકીટ કપાઇ શકે છે. એક બાજુ, ગુજરાતમાં આપ સક્રિય થયુ છે જેના પગલે ભાજપને મંત્રી ઉપરાંત ધારાસભ્યોની નિષ્ક્રિયતા પોષાય તેમ નથી. આ જોતાં ખુદ મોદીએ મોરચો સંભાળી લીધો છે.



Google NewsGoogle News