ભારતે રચ્યો ઈતિહાસ, PM મોદીએ ત્રણ મુખ્ય સેમિકન્ડક્ટર યોજનાઓનો કર્યો શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતની બે અને આસામની એક સેમિકન્ડક્ટર એકમનો શિલાન્યાસ કર્યો
શિલાન્યાસ કાર્યક્રમમાં 60 હજારથી વધુ કૉલેજ, યુનિવર્સિટી અને એજ્યુકેશન ઈન્ટીટ્યૂટ પણ જોડાયા
Semiconductor Plant : આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હજારો-કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે, ત્યારે તેમણે આજે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની ભેટ આપી છે. તેમણે આજે (13 માર્ચે) વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટરનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ટેકેડ: ચિપ્સ ફૉર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું.
આજનો દિવસ ઐતિહાસિક : મોદી
વડાપ્રધાન મોદીએ યુવાઓને સંબોધનમાં કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. આજે આપણે ઈતિહાસ પણ સર્જી રહ્યા છીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત પગલું ભરી રહ્યા છીએ. આજના યુવાઓ જોઈ રહ્યા છે કે, ભારત પ્રગતિ, આત્મનિર્ભર અને ગ્લોબલ સપ્લાઈ ચેનમાં ચારેતરફ કામ કરી રહ્યું છે. આ પ્રયાસોથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે અને આત્મવિશ્વાસ ભરેલો વ્યક્તિ ક્યાંય પણ હશે, તે પોતાના દેશનું ભાગ્ય બદલી નાખે છે.’
રૂ.1.25 લાખ કરોડની ત્રણ યોજનાઓનું ઉદઘાટન
તેમણે કહ્યું કે, ‘આ અભૂતપૂર્વ પ્રસંગે આપણી સાથે દેશના 60 હજારથી વધુ કૉલેજ, યુનિવર્સિટી અને એજ્યુકેશન ઈન્ટીટ્યૂટ પણ જોડાયા છે, જે એક રેકોર્ડ છે. આજે આપણે સોનેરા ભવિષ્ય તરફ આગળ વધી ઈતિહાસ રચી રહ્યા છીએ. આજે આપણે સેમીકંડક્ટર બનાવવા લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાની ત્રણ યોજનાઓનું ઉદઘાટન કર્યું છે. દેશમાં સેમીકંડક્ટર નિર્માણથી ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકશે.’ તેમણે એમ પણ કહ્યું કે, 2024માં અત્યાર સુધીમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો છે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાને રોજગારી મળશે
પીએમ મોદીએ આજે જે ત્રણ સેમિકન્ડક્ટર એકમ શિલાન્યાસ કર્યો તેમાં, ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાને રોજગારી આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે.
ધોલેરા ખાતે રૂ.91,000 કરોડનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ
ઉલ્લેખનીય છે કે, સેમીકન્ડક્ટર ચીપ બનાવવાનો ભારતનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતના ધોરેલા ખાતે ટાટા જૂથ દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ રૂ.91 હજાર કરોડના કુલ મૂડીરોકાણથી બની રહ્યો છે. આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ સાથેની ભાગીદારીમાં બનાવાઈ રહ્યો છે. આ ઉપરાંત બે સેમિકન્ડક્ટર એટીએમપી (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) એકમો આસામના મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે બની રહ્યા છે. ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રે માટે આ એક મોટી છલાંગ છે, કારણ કે સરકાર દ્વારા વૈશ્વિક કંપનીઓને અહીં ફેક્ટરીઓ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો છતાં દેશ દાયકાઓ સુધી તકથી વંચિત રહ્યો હતો.