કેન્સરના વધતા કેસ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર! રાજ્યમાં દર કલાકે સરેરાશ 31 ટન પ્લાસ્ટિક કચરો ફેલાય છે
Plastic Waste Responsible For Cancer: ગુજરાતમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ-ગંદકી મામલે રાજ્યભરમાં શું સ્થિતિ છે અને તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે અંગે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો હતો. સત્તાવાર આંકડા જ જોવામાં આવે તો ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં દર બે મિનિટમાં 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે.
એક વર્ષમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ફેલાવતા રાજ્યોમાં તમિલનાડુ મોખરે
વર્ષ 2022-23ના રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર, ગુજરાતમાં એક વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હતો. આમ, પ્રતિ કલાકે સરેરાશ 31 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હોવાનું સામે આવે છે. એક વર્ષના આ સમયગાળામાં પ્લાસ્ટિકનો કચરો સૌથી વઘુ ફેલાવ્યો હોય તેવા રાજ્યોમાં તમિલનાડુ 7.82 લાખ ટન સાથે મોખરે, તેલંગાણા 5.28 લાખ ટન સાથે બીજા, દિલ્હી 4.03 લાખ સાથે ત્રીજા જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
જાણકારોના મતે, પ્લાસ્ટિકના કચરાનો સૌથી મોટો હિસ્સો પાંચ વસ્તુઓનો છે. જેમાં સૌપ્રથમ સ્થાન પોલિથિન બેગનું છે. આ પછી પ્લાસ્ટિકની બોટલો અને ત્યારબાદ એફએમસીજી પ્રોડક્ટનું પેકિંગ આવે છે. આ સાથે કરિયાણાની થેલીઓ અને ફૂડ રેપિંગ પણ ઘણો કચરો પેદા કરે છે. પ્લાસ્ટિકના કચરાના વધતા જતા અનેક આડઅસર દેખાઈ રહી છે. જેની સૌથી વધુ અસર આબોહવા પર પડી છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે હવામાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. પ્લાસ્ટિકનો કચરો ધરતીમાં જવાને કારણે જમીન ફળદ્રુપતા ગુમાવી રહી છે. નદીઓ અને સમુદ્રો પણ પ્રદૂષિત છે. લોકો પ્રદૂષિત અનાજ ખાઈને રોગોનો શિકાર બની રહ્યા છે. એવું કહેવાય છે કે પ્લાસ્ટિકનો કચરો પણ કેન્સરનું મુખ્ય પરિબળ છે.