અમદાવાદમાં પણ વડોદરાવાળી...પાણીની સમસ્યા ન ઉકેલતાં ધારાસભ્ય-કૉર્પોરેટરને ચાલતી પકડાવી
Representative image |
People Anger Against MLA-Corporator In Ahmedabad: વડોદરામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પાણી ઓસરતાં ખબરઅંતર માટે ચૂંટાયેલા નેતાઓ લોકોની વચ્ચે ગયા તો લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા. આ દરમિયાન હવે અમદાવાદમાં પણ વડોદરાવાળી થઈ છે. નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં વરસાદ બંધ થયા પછી પણ વરસાદી પાણીનો નિકાલ મ્યુનિસિપલ તંત્ર કરી શક્યું નથી. બુધવારે (ચોથી સપ્ટેમ્બર) દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરિયા તથા સ્થાનિક કૉર્પોરેટરો આવાસ યોજનાની મુલાકાતે પહોંચ્યા હતા. દિલીપ બગરિયાએ રહીશોને રેનબસેરામાં રહેવા જતાં રહો,ખાવાનું મળી જશે કહેતાં રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
'તમે અહીંયા ફોટા પડાવવા આવ્યા છો'
રહીશોએ કૉર્પોરેશન પાસે આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા મકાનોમાં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અન્ય મકાન ફાળવવા રજૂઆત કરી હતી. જો સત્તાધીશો આવાસ ફાળવી શકતા ના હોય તો બે હાથ જોડીએ છીએ, જય માતાજી, રેનબસેરામાં અમારે રહેવું નથી. તમે અહીંયા ફોટા પડાવવા આવ્યા છો કહી તમામને ચાલતી પકડાવી હતી.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત, નહીંતર પગાર નહી મળે
આવાસ યોજનાના રહીશોએ તેમની વ્યથા રજૂ કરી હતી. રહીશોએ ભાજપના પદાધિકારીઓને જણાવ્યું હતું કે, 'પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમે કેટલી તકલીફ ભોગવીએ છીએ તેની તમને ખબર નથી. હજુ વરસાદ પડશે તો આ જ પરિસ્થિતિ સર્જાશે. અમને અન્યત્ર મકાન ફાળવી આપો.' પાણી સમિતિના ચેરમેને રહીશોને રેનબસેરામાં રહેવા જવાનું કહેતા રહીશાએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.