લોકોએ દારુ પીધેલા ડ્રાઈવરનો વિડિયો ઉતાર્યો, AMTS ડ્રાઈવરે નશાની હાલતમાં બસ હંકારી,૩૫ મુસાફરોનો બચાવ
વાડજ ટ્રાફિક સિગ્નલે બસ અથડાવનારા ડ્રાઈવરને નોકરીમાંથી બરતરફ કરાયો
અમદાવાદ,શુક્રવાર,5 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ ડ્રાઈવરે દારુ
પીધેલી હાલતમાં બસ હંકારી વાડજ ટ્રાફિક સિગ્નલે બસ અથડાવી બસમાં સવાર ૩૫ મુસાફરોના
જીવ જોખમમાં મુકતા ઘટના બાદ ડ્રાઈવરને નોકરીમાંથી બરતરફ કરવાની સાથે એજન્સીને
પેનલ્ટી કરવામાં આવી છે.
એ.એમ.ટી.એસ.ની રુટ નંબર-૧૩૦-૪ મનમોહન પાર્કથી નવા વાડજ તરફ
જઈ રહી હતી એ સમયે દારુ પીધેલી હાલતમાં બસ હંકારી રહેલા બસ ડ્રાઈવરે બપોરે ૧.૨૫
કલાકના સુમારે વાડજ સર્કલ ઉપર ટ્રાફિક
સિગ્નલ સાથે બસ અથડાવી અકસ્માત સર્જતા બસમાં મુસાફરી કરી રહેલા ૩૫ જેટલા મુસાફરોના
જીવ તાળિયે બંધાઈ ગયા હતા.બસમાં મુસાફરી કરી રહેલા લોકોને બસ ડ્રાઈવર નશાની
હાલતમાં બસ હંકારતો હોવાની ખબર પડતા બસમાંથી નીચે ઉતરી ગયા હતા.લોકોએ નશાની
હાલતમાં રહેલા ડ્રાઈવરનો વિડિયો ઉતારી સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યો હતો.ઘટના બાદ
એ.એમ.ટી.એસ.ના આર એલ પાંડે ડ્રાઈવરના બચાવમાં આવ્યા હોય એમ તેમણે કહયુ,ડ્રાઈવરે બસ એક
ટ્રાફિક સિગ્નલ સાથે અથડાવી હતી.તપાસ કરતા બસ ડ્રાઈવર નારણભાઈ,બેઝ નંબર-૮૭૫એ
કેફી પીણું પીધુ હોવાનુ જણાયુ હતુ.ઘટના બાદ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને બસ
બંધ કરી અન્ય બસમાં શિફટ કરવામાં આવ્યા હતા.પબ્લિક ભેગી થઈ જતા ડ્રાઈવર ભાગી જતા
સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બસ જમા લઈ બાદમાં પરત કરી હતી.એ.એમ.ટી.એસ.ના આ અધિકારીના
દાવા સામે ઘટનાના નજરે જોનારાઓએ કહયુ,ડ્રાઈવર
પોતે એના પગ ઉપર સ્થિર ઉભો રહી શકતો નહોતો તો ભાગી કેવી રીતે જાય?