ગુજરાતમાં અહીં દિવસે નહીં પણ રાત્રે ઉત્તરાયણ ઉજવાય છે, કારણ જાણી ચોંકી જશો!
Uttarayan Celebration: ઉત્તરાયણના પર્વ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. લોકોએ કાપ્યો છે...કાપ્યો છે....લપેટ....લપેટ....ની બૂમો પાડી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પરંતુ અબોલ પક્ષીઓ માટે આ તહેવાર મોતની સજા બની જાય છે. તેને ધ્યાનમાં રાખતાં આણંદ જિલ્લાના પાંચ ગામના આગેવાનોએ અનોખો નિર્ણય લીધો હતો. જેને અનુસરતા આ પાંચ ગામ વર્ષોથી દિવસે નહીં પણ રાત્રે પતંગોત્સવ મનાવે છે.
આણંદના બાકરોલ ગામમાં પક્ષી બચાવો અભિયાન સાથે છેલ્લા ઘણા વર્ષોથી રાત્રે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. રહેવાસીઓ રાત્રે ધાબા પર હેલોજન લાઈટ લગાવી પતંગ ચગાવવાની મજા માણે છે. વિદેશમાં વસતા લોકો પણ પરત વતન આવી રાત્રી ઉત્તરાયણની ઉજવણી કરે છે.
ઉત્તરાયણ માટે અનોખું આયોજન
આ પાંચ ગામમાં દરેક વિસ્તારમાં દર આઠથી દસ મકાનો વચ્ચે એક હેલોજન લગાવી આકાશમાં પ્રકાશ પાથરવામાં આવે છે. તેઓ ખાસ કલરના ખંભાતી અને નડિયાદી પતંગો ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરે છે. પેટલાદના પાળજ ગામમાં પણ દરવર્ષે આ રાત્રી ઉત્તરાયણ મનાવવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ આવે છે. લગભગ છેલ્લા એક દાયકાથી તેઓ રાત્રિ ઉત્તરાયણ મનાવી રહ્યા છે. આણંદ શહેર ઉપરાંત કરમસદ, જોળ, સામરખા, કાસોર અને બાકરોલ ગામમાં આ રીતથી ઉજવણી થાય છે. એનઆરઆઈ પરિવારો પોતાના રહેણાંક વિસ્તારમાં ઉંધિયા પાર્ટીનું પણ આયોજન કરે છે. આ સિવાય ચા-નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે.
સૌ કોઇ રાતે 8 વાગ્યા બાદ આકાશમાં આતશબાજી કર્યા બાદ પતંગો ચગાવવાનું શરૂ કરે છે. આણંદ જિલ્લાના મોટા ગામો જેવા કે સામરખા, કરમસદ, જોળ , કાસોર સહિત આસપાસના ગામોમાં રાત્રિ ઉતરાયણ ઉજવણી કરવામાં આવે છે. મુખ્ય હેતુ પક્ષીઓને બચાવવાનો છે.