ઓનલાઇન સામે ભારે ઉહાપોહ થતા સૂચિત જંત્રી સામે વાંધા, સૂચનો હવે લોકો ઓફલાઇન પણ કરી શકશે
જંત્રીના દરો સામે વાંધા સૂચનો માટેની મુદતમાં વધારા બાદ હવે ઓફલાઇન સુવિદ્યા અપાઇ ઃ જંત્રીના દરો ઘટે તેવી માંગણી
વડોદરા, તા.10 રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી જાહેર કરાતા જ રાજ્યભરમાં તેનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. મહત્વની બાબત એ છે કે સૂચિત જંત્રી સામે વાંધા સૂચનો માત્ર ઓનલાઇન જ સ્વીકારાશે તેવો નિર્ણય લેવામાં આવતા ભારે ઉહાપોહ થયો હતો. આખરે સરકારે ઓફલાઇન પણ વાંધા સૂચનો સ્વીકારવાનું નક્કી કરી એક ફોર્મેટ તૈયાર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૫માં અમલમાં આવે તે રીતે નવી સૂચિત જંત્રી તૈયાર કરી તેને જાહેર કરવામાં આવી છે. ૨૦૦થી ૨૦૦૦ ટકા જેટલા વધારે જંત્રીના દરો જાણીને જ રાજ્યના નાગરિકો તેમજ ડેવલોપર્સની આંખો પહોળી થઇ ગઇ છે. આ જંત્રીના દરોના કારણે રાજ્યનો વિકાસ રુંધાશે તેવો મત ક્રેડાઇ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વાંધા સૂચનો માટે સરકાર દ્વારા માત્ર એક મહિનો જ સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ સમયમર્યાદા વધારવાની માંગણી કરવામાં આવતા આખરે સરકાર દ્વારા વધુ એક મહિનો વાંધા સૂચનો સ્વીકારવાની મુદત વધારાઇ હતી.
મહત્વની બાબત એ છે કે સૂચિત જંત્રી સામે વાંધા સૂચનો માત્ર ઓનલાઇન જ સ્વીકારવા તેમ નક્કી થયું હતું. આ જંત્રીના વધારા અંગે અનેક ખેડૂતોને જાણ નથી તો તેઓ વાંધા કેવી રીતે કરી શકશે અથવા જેઓ જાણે છે પરંતુ ઓનલાઇન જાણતા નથી તેઓ કેવી રીતે પોતાનો મત કરી શકશે તે અંગે પણ રાજ્યભરમાં વિરોધ થયો હતો. જંત્રી મુદ્દે સરકારે વધુ એક વખત નમવું પડયું છે અને હવે ઓનલાઇનની સાથે સાથે ઓફલાઇન પણ વાંધાઓ સ્વીકારાશે તેમ નક્કી કરી દરેક કચેરીઓને આ વાંધાઓ સ્વીકારવા માટેની સૂચનાઓ પણ આપી દીધી છે.
સરકાર દ્વારા ઓફલાઇન વાંધાઓ રજૂ કરવા માટેનો એક ફોર્મેટ જાહેર કર્યો છે જે મુજબ વાંધા લેખિતમાં કરી શકાશે. આ ફોર્મેટની નકલો જાહેર કરીને હવે વાંધાઓ અથવા સૂચનો સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેક્ટરની ઓફિસ અથવા સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ રજૂ કરી શકાશે. વાંધા, સૂચનો માટેના ફોર્મેટમાં એવું જણાવાયું છે કે સર્વે અથવા બ્લોકનો સમાવેશ જંત્રીમાં થયો નથી, જંત્રીનો ભાવ આજુબાજુના વિસ્તારની સાપેક્ષમાં વધારે અથવા ઓછો છે તેમજ જંત્રીમાં સર્વે નંબરનો સમાવેશ લગત ખોટા વેલ્યૂ ઝોનમાં થયો છે તે વિગતો પર ટીક કરવાનું રહેશે. બાદમાં વાંધા સૂચનોની વિગતો પણ દર્શાવવાની રહેશે.