ચાંદલોડિયા અને સરદારનગરમાં પીસીબીના જુગારીઓ પર દરોડા
ચાંદલોડિયા સ્થિત વારાહી એસ્ટેટમાં અનેક વેપારીઓ નિયમિત રીતે મોટાપાયે જુગાર રમવા આવતા હતા
કમિશન લઇને જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હતો
અમદાવાદ, રવિવાર
પીસીબીના સ્ટાફે શનિવારે રાતના સમયે ચાંદલોડિયા અને કુબેરનગરમાં જુગારના દરોડા પાડીને ૧૪ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચાદલોડિયામાં આવેલી વારાહી એસ્ટેટની એક ઓફિસમાં નિયમિત રીતે વેપારીઓ સહિત અનેક લોકો જુગાર રમવા માટે આવતા હતા. આ અંગે સરદારનગર અને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીના પીઆઇ એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે ચાંદલોડિયા રેલવે બ્રીજ ગોતા પાસે આવેલા વારાહી એસ્ટેટની મારૂતી કોવિંગમાં મોટાપાયે જુગાર રમાડવામાં આવે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં યોગેશ પંચાલ (રહે.આશના એપાર્ટમેન્ટ,આનંદનગર) સહિત સાત લોકો મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યોગેશ પંચાલ બહારથી લોકોને બોલાવીને કમિશન લઇને જુગાર રમાડતો હતો. જ્યાં આસપાસના વેપારીઓ નિયમિત રીતે આવતા હતા. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય બનાવમાં પીસીબીના સ્ટાફે કુબેરનગર સંતોષીનગરની ચાલીમાં દરોડો પાડીને જુગાર રમી રહેવા સાત લોકોને ઝડપી લીધા હતા. પોલીસે ૯૬ હજારની રોકડ સહિત ૧.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બજરંગ તંમચે નામનો વ્યક્તિ નિયમિત રીતે જુગારનો રમાડતો હતો.