Get The App

ગોતા બ્રીજ પાસે ટ્રકમાંથી રૂપિયા ૪૯ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

સાયકલના ટાયરની આડમાં દારૂ છુપાવ્યો હતો

ચંડીગઢથી દારૂનો જથ્થો લઇને રાજકોટ-સુરેન્દ્રનગર હાઇવે પર સપ્લાય કરવાનો હતોઃ ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ

Updated: Feb 19th, 2025

GS TEAM


Google News
Google News
ગોતા બ્રીજ પાસે ટ્રકમાંથી રૂપિયા ૪૯ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના એસ જી હાઇવે ગોતા બ્રીજ પાસે પીસીબીના સ્ટાફે બુધવારે એક ટ્રકમાં સાયકલના ટાયરની આડમાં છુપાવેલો રૂપિયા ૪૯ લાખની કિંમતની વિદેશી દારૂની ૨૧ હજારની વધુ બોટલો જપ્ત કરીને ડઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉદેપુરમાં રહેતા બુટલેગરે ચંડીગઢથી દારૂનો જથ્થો મોકલીને રાજકોટ-સુરેન્દ્રનગર હાઇવે પર પહોંચતો કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને સોલા પોલીસે તપાસ શરૂ કરી છે. બુધવારે સવારે વૈષ્ણોદેવી સર્કલથી એસ જી હાઇવે થઇને દારૂ ભરેલી એક ટ્રક ગોતા બ્રીજ તરફ આવતી હોવાની ચોક્કસ માહિતી પીસીબીના  પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને મળી હતી.

જેના આધારે પોલીસે વોચ ગોઠવીને એક ટ્રકના રોકીને  તપાસ કરતા તેમાં સાયકલના ટાયરની આડમાં છુપાવેલી વિદેશી દારૂની ૬૨૭ જેટલી પેટી મળી આવી હતી. જેની કિંમત આશરે ૪૯.૩૬ લાખ જેટલી હતી. આ અંગે ટ્રક ડ્રાઇવર ગોગારામ જાટ  અને ઠાકરરામ જાટ (બાડમેર , રાજસ્થાન)ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  ટ્રકના માલિક અને બુટલેગર મનોજે આ દારૂનો જથ્થો ચંડીગઢથી લોડ કરાવ્યો હતો અને રાજકોટ- સુરેન્દ્રનગર હાઇવે પર પહોંચીને ફોન કરવા માટે સુચના આપી હતી. ત્યારબાદ ત્યાંથી કોઇ વ્યક્તિ આ ટ્રક ખાલી કરવા માટે લઇ જવાનો હતો.  આ કેસમાં પોલીસે કુલ ૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


Tags :