પીસીબીએ ફિલ્મીઢબે કારનો પીછો કરીને ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યો
સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના
બુટલેગરે પોલીસની ખાનગી ગાડીઓને અકસ્માત કરતા નાસભાગ મચી ગઇઃ દારૂનો જથ્થો રાજસ્થાનથી નરોડા સપ્લાય કરવાનો હતો
અમદાવાદ,રવિવાર
શહેરના સાણંદ શાંતિપુરા સર્કલ પાસે શુક્રવારે પીસીબીને સ્ટાફે વિરમગામથી દારૂનો જથ્થો લઇને આવી રહેલા બુટલેગરની કારને પકડવા માટેનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસની કારને અકસ્માત કર્યો હતો. જેથી પોલીસે પીછો કરીને તેને ઝડપીને ૧૨૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ અકસ્માતમાં દારૂ લઇને જતા બુટલેગરને ઇજા થતા તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવીને નરોડામાં બુટલેગરને સપ્લાય કરવાનો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પીસીબીના પીઆઇ એમ સી ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે શુક્રવારે રાતના સમયે રાજસ્થાનથી એક કારમાં દારૂનો જથ્થો લઇને વિરમગામ થઇને એક વ્યક્તિ સરખેજ શાંતિપુરા સર્કલ થઇને પસાર થવાની છે.
જેના આધારે પીએસઆઇ વી ડી ખાંટ અને તેમના સ્ટાફે શાંતિપુરા સર્કલ પાસે કારને રોકવા માટે અન્ય બે ગાડીઓની કારની આડશ રસ્તા પર મુૂકી હતી. પરંતુ, બુટલેગરે કારને ઉભી રાખવાને બદલે એક કારને અથડાવીને સનાથલ સર્કલ તરફ નાસી ગયો હતો. જેથી પોલીસ અન્ય કાર દ્વારા પીછો કર્યો હતો. આ સમયે બુટલેગરે અન્ય કારને અથડાવીને બ્રેક મારતા પોલીસ કારમાં પણ નુકશાન થયું હતું. ત્યારબાદ ુપોલીસે કારને આંતરીને બુટલેગરને આંતરીને તપાસ કરતા તેમાંથી ૧૨૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમા ંતેનું નામ રમેશ બિશ્નોઇ (રહે. ઝાલોર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. દારૂનો જથ્થો સાંચોરથી લાલભાઇ નામના બુટલેગરે ભરાવ્યો હતો અને નરોડામાં સુરેન્દ્રસિંહ ભાટી નામના સ્થાનિક બુટલેગરને આપવાનો હતો. અકસ્માતમાં રમેશ બિશ્નોઇને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાયો હતો. આ સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.