પે એન્ડ પાર્કીંગ શરુ કરવામાં આવતા બાપુનગરના ભીડભંજન વિસ્તારના વેપારીઓએ દુકાન બંધ રાખી ઉગ્ર વિરોધ કર્યો
ભાજપના સ્થાનિક કોર્પોરેટરોની મનાઈ છતાં પાર્કીંગ શરુ કરાતા ૨૦૦ દુકાનના વેપારીઓ દ્વારા કોન્ટ્રાકટ રદ કરવા વિરોધ પ્રદર્શન
અમદાવાદ,શનિવાર,26
ઓગસ્ટ,2023
શહેરના બાપુનગરના ભીડભંજન વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરોની
મનાઈ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ વિસ્તારમાં પે એન્ડ પાર્ક પધ્ધતિથી
વાહન પાર્ક કરવા માટેનો કોન્ટ્રાકટ આપી દેતા આ વિસ્તારમાં આવેલી ૨૦૦ જેટલી દુકાનના
વેપારીઓ દ્વારા શનિવારે તેમની દુકાન બંધ રાખી મ્યુનિ.તંત્ર સામે વિરોધ પ્રદર્શન
કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત તંત્રના અધિકારીઓ આ પે એન્ડ પાર્કીંગ માટે આપવામા આવેલા
કોન્ટ્રાકટને રદ કરે એવી માંગ કરવામાં આવી હતી.
બાપુનગરમાં આવેલ ભીડભંજન વિસ્તાર સૌથી વ્યસ્ત રોડ ગણવામાં
આવે છે.આ રોડ ઉપર સવારથી લઈ મોડી રાત સુધી ભારે ટ્રાફિક પણ જોવા મળે છે.આમ છતાં
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં વાહન પાર્ક કરવા માટે પે
એન્ડ પાર્ક પધ્ધતિથી કોન્ટ્રાકટ આપવામા આવતા વેપારીઓ દ્વારા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ
કરવામા આવ્યો હતો.વેપારીઓએ કરેલા આક્ષેપ મુજબ, સૌથી વધુ ટ્રાફિક ધરાવતા આ રોડ ઉપર પે એન્ડ પાર્ક પધ્ધતિથી
વાહન પાર્ક કરાવવામા આવશે તો ટ્રાફિક વધુ જામ થશે.જે કારણથી વેપારીઓની સાથે ખરીદી
કરવા આવતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.વોર્ડના ભાજપના કોર્પોરેટર
અશ્વિન પેથાણીની મળેલી પ્રતિક્રીયા મુજબ,ભીડભંજન
હનુમાન રોડ ઉપર અગાઉ પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા ટેન્ડર આવ્યુ હતુ.એ
જ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મેં જાણ કરી હતી.આ રોડ ઉપર ટ્રાફિક વધુ
રહે છે અને જો પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવાનો કોન્ટ્રાકટ આપવામા આવશે
તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરશેે.સમસ્યા વકરશે તો લોકો વિરોધ કરશે.આમ છતાં પણ
મ્યુનિ.તંત્રના અધિકારીઓએ ટેન્ડર કરી પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ આપી પાર્કીંગ શરુ
કરાવતા આ સમસ્યા ઉભી થઈ છે.આ રોડ ઉપર વાહન પાર્ક કરવા માટેની કોઈ વ્યવસ્થા નહી
હોવાથી વેપારીઓ પણ તેમના વાહન રોડ ઉપર પાર્ક કરે છે.પરંતુ હવે મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા વાહન પાર્કીંગનો કોન્ટ્રાકટ આપી પાર્કીંગના પૈસા વસુલવાનુ શરુ
કરતા વેપારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવુ પડયુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
વાહન પાર્કીંગનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે એમના દ્વારા પાર્કીંગ માટે આપવામા
આવતી પહોંચમાં કોન્ટ્રાકટરનુ નામ કે કોન્ટેકટ નંબર પણ લખવામા ના આવ્યો હોવાનો
સ્થાનિકોમાંથી આક્ષેપ કરવામા આવી રહયો છે.પહોંચમાંકોઈપણ સમય પણ લખવામા આવતો હોવાનુ
પણ ચર્ચાઈ રહયુ છે. વોર્ડના કોર્પોરેટર અને હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ
ગુર્જરની મળેલી પ્રતિક્રીયા મુજબ,
આ રોડ ઉપર વર્ષો જુનુ માર્કેટ આવેલુ છે.આ વિસ્તારમાં પે એન્ડ પાર્ક પધ્ધતિથી
પાર્કીંગ કરાવવુ શકય જ નથી.કોન્ટ્રાકટ રદ કરાવવામાં આવશે.