કચ્છ: ઇતિહાસમાં પહેલીવાર મહારાણીએ કરી મા આશાપુરાની પતરીવિધિ, માતાના મઢ ખાતે હનુવંતસિંહજીએ કરી વિધિ
Bhuj Patri Vidhi: ભુજના આશાપુરા મંદિરમાં આજે રાજાશાહી પરંપરા મુજબ પતરી વિધિ કરવામાં આવી હતી. દર વર્ષે આઠમના દિવસે પતરી વિધિ કરવામાં આવી હતી. આ વર્ષે 300 વર્ષમાં પહેલીવાર મહિલા દ્વારા ભુજના આશાપુરા મંદિરમાં પતરી વિધિ કરવામાં આવી હતી. ભુજ ખાતે આવેલા માતા આશાપુરાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પતરી વિધિ યોજાઈ હતી. કચ્છના સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની પ્રીતિદેવીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલી માના આશીર્વાદ લીધા હતા. તો બીજી તરફ કચ્છના કુળદેવી અને લખતપત કાતે બિરાજમાન માતાના મઢ ખાતેના મા આશાપુરાના મંદિરમાં હનુવંતસિંહજીએ પતરી વિધિ કરી હતી.
પ્રીતિદેવીએ ખોળો પાથરી લીધા આશીર્વાદ
પતરી વિધિ પહેલાં ભુજના દરબારગઢના ટીલામેડી ખાતેથી ચામર યાત્રા નીકળી હતી. દર વર્ષે શારદીય નવરાત્રિના આઠમા નોરતે આ પતરી વિધિ યોજવામાં આવે છે. દર વર્ષે સાતમના હવન બાદ આ વિધિ કરવામાં આવે છે. રાજવી પરિવારના પ્રીતિદેવી દરબારગઢથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા ભૂજના આશાપુરા મંદિરે પહોંચી માતાજીના ધૂપ-દીવા બાદ કચ્છના વિકાસ, ઉન્નતિ માટે અને કચ્છીઓની સુખાકારી માટે માતાજી પાસે ખોળો પાથરી વિનંતી કરવામાં આવે છે કે, માતાજી આશીર્વાદ આપો. માતાજીના મસ્તક પરથી પતરી (સુગંધી વનસ્પતિ પાન) ચઢાવેલી હોય છે, જે આશીર્વાદ રૂપે ખોળામાં આવે, ત્યારે આ વિધિ પૂર્ણ થાય છે.
આ પણ વાંચોઃ આજે હવનાષ્ટમી : શનિવારે નોમ-વિજયા દશમી એકસાથે, 16 ઑક્ટોબરે શરદ પૂર્ણિમા ઉજવાશે
ઇતિહાસમાં પહેલીવાર મહિલાએ કરી પતરી વિધિ
રાજવી પરિવારના પ્રીતિદેવીની છેલ્લાં કેટલાંય વર્ષોથી ભૂજના આશાપુરા મંદિરમાં પતરી વિધિ કરવાની ઇચ્છા હતી. ત્યારે આજે ભુજ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર તેઓએ પતરી વિધિ કરી ઇતિહાસ રચ્યો છે. માતાજીએ માત્ર 1 મિનિટની અંદર જ પ્રીતિદેવીને પતરીનો પ્રસાદ આપી સમગ્ર કચ્છને આશીર્વાદ આપ્યા હતા.
માતાના મઢ ખાતે હનુવંતસિંહ જાડેજાએ કરી પતરી વિધિ
બીજી બાજુ કચ્છની કુળદેવી માઁ આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે હાઇકોર્ટના ચુકાદા મુજબ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ પરંપરા મુજબ માતાજી પાસે પત્રી વિધિ કરી હતી. તેમણે ખેસ ફેલાવીને માતાજીના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે માતાજીએ પણ હનુવંતસિંહની કસોટી કરી અને અંદાજિત 20 મિનિટ બાદ પતરીના આશીર્વાદ આપ્યા હતા.
હાઈકોર્ટે હનુવંતસિંહને આપી પતરી વિધિની મંજૂરી
ભુજની કોર્ટના ચુકાદાને હનુવંતસિંહજીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે મહારાવ પ્રાગમલજી ત્રીજાના નિધન બાદ તેમના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાને રાજકુળના વંશજ, લોહીના સબંધી અને સીધી લીટીના વારસદાર ગણાવી પતરીવિધિ કરવાની મંજૂરી આપતો વચગાળાનો હુકમ કર્યો છે.
શું હતો પતરીવિધિનો વિવાદ?
કચ્છના રાજવી પરિવારના સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પતરી વિધિને લઈને લખપત-દયાપરની કોર્ટમાં વર્ષ 2010માં અપીલ કરીને માગ કરી હતી કે, 'માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી મા આસાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પતરીવિધિ કરવા દેવામાં આવે.' આ મામલામાં દયાપરની કોર્ટે ચૂકાદો આપ્યો કે, વિધિ માટે પ્રાગમલજી કોઈને અધિકાર કે નિયુક્ત કરી શકશે નહીં, જો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે. આ પછી ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં પ્રાગમલજી દ્વારા માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત દેવેન્દ્રસિંહજી જાડેજા અને હનુવંતસિંહ જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.જો કે, તેવામાં પ્રાગમલજી ત્રીજાનું નિધન થતા તેમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં કેસ સંબંધિત અપીલ કરી. સ્વ. પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતીમાં ઈન્દ્રજીતસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજાની કુંવર તરીકેની જાહેરાત કરી હતી. તે પણ આ મામલે પક્ષકાર તરીકે જોડાયા હતા. પરંતુ કોર્ટ દ્વારા ત્રણેયની અપીલ ફગાવી દીધી હતી. અને આજીવન ચામર પતરીવિધિ માટે પ્રીતિદેવીને હક હોવાનો ચૂકાદો આપ્યો હતો. જેને હનવંતસિંહજીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.