બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યાં બાદ દર્દીનું મોત, મૃતકની પત્નીએ કહ્યું- 'ગેસની તકલીફ હતી.., હવે મારે કોનો આધાર?'
Kakadia Hospital : અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને દુખાવો થતાં બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સારવાર માટે આ વ્યક્તિને હ્રદયમાં સ્ટેન્ટ મૂક્યાં બાદ મોત નીપજ્યું હતું. મૃતક દર્દીના પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કરીને હોબાળો કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં. પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો થતાં શહેરકોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
'એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યાં બાદ મોત નીપજ્યું'
મળતી માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈ નામની વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જેમાં આજે સવારે અરવિંદભાઈને એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેમની તબિયત વધારે બગડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું. ત્યારબાદ પરિવારજનો સહિતના લોકોએ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો.
'મારા પતિને માત્ર ગેસની તકલીફ હતી': મૃતકની પત્ની
મૃતકના પત્ની જ્યોત્સનાબહેને જણાવ્યું હતું, 'ડૉક્ટરોની બેદરકારીથી મારા પતિનું મોત થયું છે, હું સાજા લઈને આવી હતી, તેમને માત્ર ગેસની તકલીફ હતી. કોઈ એટેક પણ આવ્યો ન હતો. હવે મારે કોનો આધાર? મારે કોઈ બાળક પણ નથી, મારો એ જ આધાર હતા. મારે ન્યાય જોઈએ, મારે મારો ઘરવાળો પાછો જોઈએ...'
ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ: પરિવારજનો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં. પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો થતાં શહેરકોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
આ પણ વાંચો: રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડા પવનનું જોર વધ્યું, જાણો આગામી સાત દિવસની આગાહી
મળતી માહિતી મુજબ, હોસ્પિટલ ભાજપના નેતા પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયાની છે. PMJAY કાર્ડમાંથી એપ્રુવલ આવ્યાં પહેલા જ ડૉક્ટર દ્વારા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું.