Get The App

સિદ્ધપુરમાં સાત દિવસીય કાત્યોકનો મેળો શરુ, સરસ્વતીના કાંઠે ખાડાના પાણીમાં તર્પણ કરવા લોકો મજબૂર

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
સિદ્ધપુરમાં સાત દિવસીય કાત્યોકનો મેળો શરુ, સરસ્વતીના કાંઠે ખાડાના પાણીમાં તર્પણ કરવા લોકો મજબૂર 1 - image


Siddhpur Kartik Purnima Melo: સિદ્ધપુરમાં કારતક પૂર્ણિમાના મેળાનો આજે શુક્રવારથી પ્રારંભ થયો છે. જે કાત્યોકના મેળા તરીકે પણ ઓળખાય છે. સિદ્ધપુર કારતક પૂર્ણિમાનો મેળામાં ધાર્મિક રીતે તર્પણ વિધિનો મહિમા રહેલો છે. દિવાળી બાદ ભાઈબીજથી તર્પણ વિધિ માટે લોકો અહીં આવતા હોય છે. જેમાં રાજ્ય અને રાજ્ય બહારથી પણ શ્રદ્ધાળુઓ પોતાના મૃતક સ્વજનોની તર્પણ વિધિ કરવા માટે સરસ્વતી નદીના તટે પધારે છે. 

લોકો દૂષિત પાણીમાં તર્પણ કરવા મજબૂર

આ વર્ષે રિવરફ્રન્ટની કામગીરી ચાલુ હોવાથી નદીમાં નીર છોડવામાં આવ્યા નથી. જેના કારણે તર્પણ વિધિ કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ સિવાય દર વખત કરતાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાત દિવસીય મેળાની પાલિકા અને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. પરંતુ, સરસ્વતી નદીમાં પાણી નહીં હોવાથી શ્રદ્ધાળુઓ મની નદીની જમીનમાં ખાડો ખોદી દૂષિત પાણીમાં તર્પણ કરવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચોઃ આજથી 869 વર્ષ પહેલાં દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા રણછોડરાય, સવા લાખનો મુગટ ધરાવાશે

વિવાદિત એજન્સીને જ ફરીથી ટેન્ડર અપાયું

સિદ્ધપુર નગરપાલિકાની નવીન બોડીના વહીવટમાં આ બીજો મેળો યોજાઈ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગત વર્ષે કાર્તિકી મેળામાં હોનારત માટે જવાબદાર ગણાતા ઠેકેદાર શ્રીનાથ ટેન્ડર ઍન્ડ લાઇટને ફરીથી ટેન્ડર આપવામાં આવ્યું છે. નગરપાલિકાને મોટા પ્લોટની હરાજીમાં 6,51,611 રૂપિયા તેમજ નાના પ્લોટની હરાજીમાં 3.81 લાખ રૂપિયાની આવક થઈ છે.

સીસીટીવી કેમેરા-ડ્રોનથી મેળા પર નજર

સિદ્ધપુર પ્રાંત અધિકારીએ 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી મેળાને મંજૂરી આપી છે. આ સાત દિવસ લોકો રાતના 12 વાગ્યા સુધી મેળાની મજા માણી શકશે. સમગ્ર મેળા દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરે છે. સમગ્ર મેળા પર 70 સીસીટીવી કેમેરા અને બે ડ્રોનથી બાજ નજર રાખવાની વ્યવસ્થા કરાઈ છે અને તેના માટે 22 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ કાર્તિકી મેળાનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી

આરોગ્યની ટીમ તૈનાત

સિદ્ધપુર તાલુકા હેલ્થ વિભાગે આરોગ્યની તકેદારીના ભાગરૂપે બે ટીમ રાઉન્ડ ધ ક્લોક ગોઠવી છે. જેમાં પાંચ લોકોનો સ્ટાફ હાજર રહેશે. બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મેળામાં આવનાર લોકોને તાત્કાલિક ધોરણે સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગને સજ્જ રાખવામાં આવ્યું છે. 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સિદ્ધપુર બિંદુ સરોવર, અશોક સિનેમા અને કહોડા ગામ તેમજ લાલપુર ગામમાં વાહન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે મેળામાં છ પોલીસ ટેન્ટ તેમજ 4 ટાવર સહિત સમગ્ર મેળા માટે એક ડી.વાય.એસ.પી, પાંચ પી.આઇ, અઢાર પી.એસ.આઇ, 250 પોલીસ જવાન, 120 હોમગાર્ડ તેમજ 150 જીઆરડી ખડેપગે રખાયા છે.

વીજકંપનીઓ દ્વારા પાંચ ડીપી ઊભા કરાયા

સિદ્ધપુર યુજીવીસીએલ દ્વારા કાર્તિકી મેળા માટે 12 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી વીજ પુરવઠો અકબંધ રાખવા મેળાની જમીનમાં પાંચ ડીપી ઊભા કરવામાં આવ્યા છે. નગરપાલિકા પાસે 250 વોલ્ટ વીજળી માટે 11.50 લાખ ડિપોઝિટ પેટે ભરાવવામાં આવ્યા બાદ વ્યવસ્થા કરવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે 28 કર્મચારી હાજર રહેશે.


Google NewsGoogle News