પાંજરાપોળ ફ્લાયઓવરની વર્ષ 2044 સુધી કોઈ જરૂરિયાત નથી! AMCના રિપોર્ટને લઈ કોર્ટમાં ઉઠ્યા ગંભીર સવાલ
Panjrapole Flyover: પાંજરાપોળથી IIM સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતાં જતાં અકસ્માતોને લઈ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી ચાલી રહી છે. દરમિયાન શુક્રવારે (13 ડિસેમ્બર) અરજદારપક્ષ તરફથી ખુદ AMCના સત્તાધીશો દ્વારા જ નિષ્ણાત સંસ્થા પાસેથી મેળવાયેલા રિપોર્ટ અને તેના તથ્યોને લઈ બહુ ગંભીર અને વેધક સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, આ રોડ પર ટ્રાફિકના ક્રમશઃ સતત ઘટાડાને જોતાં આગામી વર્ષ 2044 સુધી ફલાયઓવરની કોઈ જ જરૂરિયાત જણાતી નથી. ખુદ AMCના રિપોર્ટ અને સરવે પરથી આ હકીકત સામે આવી છે.
કૉર્પોરેશનના રિપોર્ટમાં થયો ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કોન્ટ્રાકટર રણજિત બિલ્ડકોનને આ ફલાયઓવરનો કોન્ટ્રાકટ આપ્યો છે, તેની વિરુઘ્ધમાં લોકાયુકતે હુકમ કર્યો હતો અને તેને અગાઉ બ્લેકલિસ્ટેડ પણ કરાયો હતો. તેમ છતાં તેના જ ગ્રૂપની કંપનીને કૉર્પોરેશનના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પરંતુ, આ ગ્રૂપ દ્વારા 9 વર્ક કોન્ટ્રાક્ટ ફેલ ગયા છે અને માનવ મૃત્યુ સહિતના ગંભીર બનાવો પણ આ કોન્ટ્રાકટરની બેદરકારીને લઈને સામે આવ્યા છે, તેથી જાહેરહિતમાં તેને આ કામ ન અપાવું જોઈએ.
વાહનોના ઘસારામાં 40 ટકા સુધીનો ઘટાડો
અરજદારપક્ષ તરફથી સિનિયર કાઉન્સેલ મિહિરભાઈ ઠાકોરે અદાલતનું ઘ્યાન દોર્યું હતું કે, જે પ્રકારે આ રિપોર્ટ તૈયાર કરાયા છે અને તેમાં જે તથ્યો રજૂ થયા છે તે ભારે શંકા જન્માવે છે. વળી, ખુદ રિપોર્ટની વાતોને પણ જો ઘ્યાનમાં લઈએ તો, વર્ષ 2012 અને 2020ની સરખામણીએ વર્ષ 2024માં IIM ચાર રસ્તા પાસે પીક અવર્સમાં વાહનોના ઘસારામાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અરજદારપક્ષ તરફથી અદાલતનું એ મુદ્દે વારંવાર ઘ્યાન દોરાયું કે, AMCએ આ વિવાદિત રોડ પર ફલાયઓવરને લઈ વર્ષ 2012, વર્ષ 2020માં અને વર્ષ 2024માં એમ કુલ ત્રણ રિપોર્ટ અત્યાર સુધીમાં મેળવ્યા છે. વર્ષ 2012માં આ માર્ગ પરથી દસ હજારની આસપાસ વાહનો પસાર થતા હતા, જે વર્ષ 2020માં 8582 અને વર્ષ 2024માં ઘટીને છ હજાર જેટલા થઈ ગયા છે. સત્તાધીશોએ ભવિષ્યમાં આ રોડ પર ટ્રાફિક વધવાની સંભાવનાને આધાર બનાવી ફલાયઓવરનો સૂચિત પ્રોજેકટ મૂકયો છે પરંતુ હકીકત એ છે કે, આ રોડ પર વાહનો વધવાને બદલે નોંધનીય રીતે ઘટયા છે.
આ પણ વાંચોઃ ડોગ્સના રજિસ્ટ્રેશન બાદ માલિક સોસાયટીઓમાં પ્રતિબંધ સામે હકથી પોતાના ‘પેટ’ને રાખી શકશે
જો રોજ એક લાખથી વઘુ વાહનો પસાર થતા હોય ત્યારે બ્રિજની જરૂરિયાત ઊભી થાય અને બ્રિજ બનવાથી ફાયરબ્રિગેડના મોટા વાહનો પણ પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ બનશે. ટૂંકમાં, અમે બંને તરફ ઓવરબ્રિજ બનાવવાના વિરોધમાં છીએ. અમદાવાદ શહેર હવે નવા પશ્ચિમ તરફ વઘુ વિસ્તરી રહ્યું છે. હાઇકોર્ટે અરજદારને સાંભળી કેસની વઘુ સુનાવણી આવતા સપ્તાહે રાખી છે.
લોકોના જીવન અને સુરક્ષા સાથે સંકળાયેલો મુદ્દો
અરજદારપક્ષ તરફથી આ સૂચિત ફલાયઓવરનું કામ જે રણજિત ગ્રૂપને અપાયું છે, તેને લઈને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ વિશે કોર્ટને જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા 9 જુદા-જુદા પ્રોજેકટ ફેલ ગયા છે. આ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાયો હતો, પરંતુ એક કમિટી બનાવી તેને બેલ્કલિસ્ટમાંથી બહાર કાઢી દેવાયો. જે 9 ગંભીર બનાવો આ કોન્ટ્રાકટની નિષ્કાળજી અને બેદરકારીના કારણે બન્યા હતા, જેમાં મજૂરો સહિતના લોકોના મોત પણ થયા હતા. તે તમામ વિગતો હાઇકોર્ટના ઘ્યાન પર મૂકાઈ હતી. AMC તરફથી બચાવ કરાયો હતો કે, આ કામ રણજિત બિલ્ડકોન નહી પરંતુ રણજિત કન્સ્ટ્રકશનને અપાયું છે, તેથી અરજદારે કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો કે, એક જ ગ્રૂપ છે અને ઑફિસ પણ કોમન છે. વળી, પાર્ટનર અને ડિરેકટર પણ આ ત્રણેય કંપનીઓમાં સામેલ છે. તેથી આવા લોકોના જીવન સાથે રમત રમનારા કોન્ટ્રાકટરને કોઈપણ સંજોગોમાં કોન્ટ્રાકટ ન આપી શકાય. આ લોકોના જીવન અને સુરક્ષા સાથે સંકળાયેલો સંવેદનશીલ મુદ્દો છે.
સરવેને લઈને પણ થયા સવાલ
આ સિવાય પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની આવશ્યકતા નહીં હોવા છતાં મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ દ્વારા એનકેન પ્રકારે આ ફલાયઓવરબ્રિજ બનાવવા વિવિધ પ્રકારના પ્રયાસ શરુ કરી દેવાયા હતા. AMC તંત્રે પાંજરાપોળ જંકશન ઉપર સૂચિત ફલાયઓવરબ્રિજ બનાવવા સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટૅક્નોલૉજીને સૂચિત ફલાયઓવરબ્રિજ માટે ટ્રાફિક સરવે કરાવવા 14 ઑગસ્ટે નિમણૂંક આપી હતી. આ અગાઉ 6 ઑગસ્ટે ફલાયઓવર બ્રિજ મામલે ટ્રાફિક અંગેનો સરવે કરાયો હતો.
આ પણ વાંચોઃ હોસ્પિટલોની દાદાગીરી બંધ: ઈનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજિયાત નહીં
માત્ર 19 લોકોનો લેવાયો અભિપ્રાય
સરવે અંગે એજન્સી તરફથી આપવામાં આવેલા વચગાળાના રિપોર્ટને રીપ્રોડયુસ કરી ફાઇનલ રિપોર્ટ તરીકે રજૂ કરવા પાછળ કોન્ટ્રાકટરને લાભ ખટાવવાનો કારસો રચાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂચિત ફલાયઓવરબ્રિજ બનવાથી લાખો લોકોને અસર પહોંચવાની છે. આમ છતાં માત્ર 19 લોકોના અભિપ્રાય સરવેમાં લેવામાં આવ્યા હોવાનુ પણ બહાર આવ્યું છે.
હાઇકોર્ટની ટિપ્પણી
હાઇકોર્ટે કેસની સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ એ શહેરની જરૂરિયાત છે. કારણ કે, ભાવિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રકચર થતું હોય છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને તે આપણે સ્વીકારવો પડશે. ઓલ્ડ સીટીને એમ ને એમ ના મૂકી શકીએ અને ઓલ્ડ સીટીનો પણ વિકાસ થવો જોઈએ. વળી, બ્રિજ ક્યાં બનાવવો એ તજજ્ઞ નિષ્ણાતોનો વિષય છે, તે કોર્ટ નક્કી ના કરી શકે કે બ્રિજ ક્યાં બનવો જોઈએ.