Get The App

રૂપાલની પલ્લીમાં હજારો કિલો ચોખ્ખા ઘીની નદીઓ વહી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
રૂપાલની પલ્લીમાં હજારો કિલો ચોખ્ખા ઘીની નદીઓ વહી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું 1 - image


Gandhinagar Rupal Palli: ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામમાં વર્ષોથી પરંપરાગત પલ્લીનો મેળો યોજાય છે. આ વખતે પણ નોમના દિવસે એટલે કે 11મી ઑક્ટોબરે રાતના 12 વાગ્યે વરદાયીની માતાજીની પલ્લી નીકળી અને તેમના પર હજારો કિલો ચોખ્ખથા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. 

રૂપાલમાં ઘીની નદીઓ વહી

પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલું ઐતિહાસિક તીર્થ સ્થળ એવા રુપાલમાં દર વર્ષે પલ્લી નિકળે છે અને ગામના 27 જેટલા ચકલા પાસે ઊભી રહે છે. દર વખતની જેમ આ વખતે પણ જ્યાં-જ્યાં પલ્લી ઉભી રહી ત્યાં લોકોએ ઘીનો ચઢાવો કર્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ રૂપાલમાં ઘીની નદીઓ વહી હતી. સમગ્ર પલ્લીના મેળા દરમિયાન આરોગ્ય, સુરક્ષા વ્યવસ્થા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો પલ્લીના દર્શને રૂપાલ ગામે ઉમટી માતાજીના દર્શનનો લાભ લીધો. જોકે, આ વખતે માતાજીના ગોખમાં કબૂતર જોવા મળતા ભક્તોમાં અનેરો આનંદ પણ જોવા મળ્યો. 

આ પણ વાંચોઃ રખડતા ઢોરની સમસ્યા હલ કરવા વડોદરા કોર્પોરેશન 22.50 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસાવશે

પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં, પરંતુ અર્પણ થયેલા ધીના ડાઘ કપડાં પર પડતા નથી તેવી લોકવાયકા છે. આ ઘી માત્ર ચોક્કસ સમાજના લોકો એકત્ર કરીને ઉપયોગમાં લેતા હોય છે. પલ્લીની પ્રથા મુજબ લોકોએ માનતા પૂરી કરી ઘીનો અભિષેક કર્યો હતો. શ્રદ્ધાળુઓ નવજાત શિશુને લઈને દર્શન કરવા પહોંચ્યા હતાં. 

એકતાનું ઉદાહરણ

મહત્ત્વનું છે કે પલ્લીમાં અલગ અલગ જાતિના લોકો તેમની ભૂમિકા નિભાવી સામૂહિક એકતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપ્યો હતો. સુથારે પલ્લી બનાવી હતી. વાળંદ વરખડાના સોટા બાંધ્યા. કુંભાર કૂંડા છાદ્યા હતાં. માળીએ ફૂલોથી શણગાર કર્યો. મુસ્લિમ કૂંડામાં કપાસ પૂર્યો. પંચોળી ખીચડી બનાવી. ચાવડા પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને નીકળ્યાં. ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરીઅને પાટીદાર પલ્લીની પૂજા આરતી કરી પલ્લીના કુંડમાં અગ્નિ પ્રગટાવી હતી.

અહીંથી ભગવાન રામને મળ્યું હતું રાવણને મારવાનું દિવ્ય અસ્ત્ર

વરદાયીની માતા ટ્રસ્ટ જણાવ્યા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ તેમના પિતાની આજ્ઞા મુજબ 14 વર્ષના વનવાસે નીકળ્યા હતા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી ભાઈ લક્ષ્મણ તથા સીતામાતા સાથે શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારે શ્રી વરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન રામને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. ભગવાન શ્રીરામે એ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.

આ પણ વાંચોઃ નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનતા સુરતીઓએ શોધ્યો જુગાડ : રહેણાંક સોસાયટીના પાર્કિંગ બન્યા ગરબા ગ્રાઉન્ડ, લોકો ગરબના તાલે ઘૂમ્યા

મહાભારત સાથે પણ જોડાયેલો છે રુપાલની પલ્લીનો ઇતિહાસ

કહેવાય છે કે, ગુપ્તવાસ દરમિયાન જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે જંગલની વચ્ચે ઘેરાયેલા રુપાલ પંથકમાં ખીજડાની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી અહીં રુપાલમાં મૂકેલા શસ્ત્રો લેવા આવ્યા હતા, અને ત્યારે તેમણે શસ્ત્રોની પૂજા કરીને પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજીને અર્પણ કરી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે.

અહીં રાજા સિદ્ધરાજ જયસિંહે પૂરી કરી હતી પ્રતિજ્ઞા

સોલંકી યુગની દંત કથા પણ રુપાલની પલ્લી સાથે જોડાયેલી છે. ગુજરાતના સુવર્ણકાળ કહેવાતા સોલંકી યુગના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરી હતી. જેના કારણે તેમની વચ્ચે વેર બંધાયું હતું. તેથી તેઓએ યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લીધી હતી. સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા જતાં સમયે તેમણે રુપાલમાં માતાજીના મંદિર પાસે પડાવ નાખ્યો હતો. માતાજીએ સ્વપ્નમાં આવી અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત રાજા સિદ્ધરાજને દર્શન આપ્યા અને યુદ્ધ જીતવા માટેનો રસ્તો બતાવ્યો હતો. માતાજીના હુકમનું પાલન કરી આખરે રાજા સિદ્ધરાજે યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો હતો. ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રુપાલ આવી માતાજીની પૂજા કરી નવું મંદિર બનાવી, માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી.

હજારો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આસુ સુદ નોમના દિવસે પલ્લી નીકળે છે. પાંડવોના વનવાસ કાળની વાર્તા સાથે જોડાયેલી આ પરંપરા હજુ પણ યથાવત છે. સમગ્ર ગામના 27 ચકલાઓ પર પલ્લી ફરી મંદિરે પહોંચે છે. ગામના તમામ ચકલાઓ પર પલ્લી ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે છે. હજારો ભક્તો પલ્લી પર ભી નો અભિષેક કરી પોતાની માનતા પૂર્ણ કરે છે. આ દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સમગ્ર પલ્લીના મેળા દરમિયાન આરોગ્ય, સુરક્ષા વ્યવસ્થા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો પલ્લીના દર્શને રૂપાલ ગામે ઉમટી માતાજીના દર્શનનો લાભ લીધો. જોકે, આ વખતે માતાજીના ગોખમાં કબૂતર જોવા મળતા ભક્તોમાં અનેરો આનંદ પણ જોવા મળ્યો. 


Google NewsGoogle News