પાલડી અન્ડરપાસના નામે ભ્રષ્ટાચાર, 43 કરોડના બજેટ સામે પ્રજાના 83 કરોડનો ધુમાડો
ત્રણ વર્ષ મોડા પૂરા થયેલા પાલડી અન્ડરપાસમાં અનેક ખામી
Ahmedabad News: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સૌથી મોટા ટેન્ડરો બહાર પાડતાં અને નાણાંનો વપરાશ કરતાં 'રોડઝ એન્ડ બિલ્ડીંગ' ખાતાના વહિવટને છેલ્લા કેટલાય વર્ષોથી લુણો લાગ્યો છે. એક તરફ ભ્રષ્ટાચારનો ભરડો છે તો બીજી તરફ વિકાસ કામોની ગુણવત્તા ચકાસવાને નામે મોટું મીંડું છે. છેલ્લે કાર્યકારી અને નિવૃત્તી બાદ એક્ષ્ટેન્શન અપાયેલાં હિતેશ કોન્ટ્રાકટરને સિટી-એન્જિનિયર પદે રખાયા હતા પણ હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ તેમને છૂટા કરી દેવાયા. હવે વાત કરીએ ખાડે ગયેલાં વહિવટની તો થોડા સમય પહેલા ખુલ્લા મુકાયેલાં પાલડી અન્ડરપાસમાં નાણાંનો બેફામ ધુમાડો કરાયો છે. મૂળ રૂપિયા 43 કરોડનું બજેટ કામ પુરું થતાં સુધીમાં રૂપિયા 83 કરોડના જંગી આંકડાને આંબી ગયું છે અને 2021માં જે કામ પુરુ કરવાનું હતું તે કામ કોન્ટ્રાકટરે 2024માં ત્રણ વર્ષ મોડું કર્યું છે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે આવા પ્રશ્નો અંગે મ્યુનિ.માં જાણે કે કોઈને પૂછનાર કોઈ જ નથી.
અન્ડરપાસ સાથે પ્રારંભિક તબક્કાથી વિવાદો
મેટ્રો, અમદાવાદ મ્યુનિ. અને રેલ્વેના સહિયારા ખર્ચે નિર્માણ પામેલા આ અન્ડરપાસ સાથે પ્રારંભિક તબક્કાથી વિવાદો જોડાયેલાં છે. થયું હતું એવું કે પરિમલ અન્ડરપાસને તે સમયની સ્ટેન્ડિંગ કમિટીએ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ધીરૂભાઈ શાહનું નામ આપ્યું હતું. પરંતુ નામકરણની દરખાસ્ત કરતી વખતે દ્રષ્ટિહિન અધિકારીઓ અને સત્તાવાળાઓ એ બાબત સંપૂર્ણપણે ભૂલી ગયા કે આ અન્ડરપાસનું નામ અગાઉ 'ભગીની નિવેદિતા અન્ડરપાસ' અપાઈ ગયેલું હતું. છબરડો બહાર આવતા નામોશીથી બચવા બાજુમાં નવા બંધાનારા અન્ડરપાસને ધીરૂભાઈ શાહ નામ આપવાનું આગોતરૂં નક્કી થઈ ગયું. ઈ-ગવર્નન્સની ગુલબાંગો પોકારતા કોર્પોરેશનના બોદા વહિવટનો આ છે વરવો નમૂનો!
વરસાદના સમયે ઉભા થનારા અનેક પ્રશ્નો
અન્ડરપાસમાં મહ્દઅંશે એક જ સ્લોપ હોય છે, આ અન્ડરપાસમાં ઢાળમાં ઢાળ એટલે કે બે સ્લોપ છે. જેના કારણે ચોમાસામાં પાણી વધુ ભરાશે અને જો સમયસર પંપથી ઉલેચાશે નહીં તો મોટું વાહન પણ ડૂબી જશે. ચોમાસામાં કોચરબ, મીઠાખળી, ઈન્કમ ટેક્સ, ઉસ્માનપુરા, પરિમલ અન્ડરપાસમાં પાણી ભરાઈ જતા હોવાથી વાહન ચાલકો પૂર્વ-પશ્ચિમ આવ-જા કરવા માટે બે રસ્તાનો ઉપયોગ કરતા હતા. (1) નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસેનું ક્રોસીંગ અને (2) પાલડી જલારામ ક્રોસીંગ. હવે પાલડી અન્ડરપાસમાં વરસાદ વખતે પાણી ભરાશે ત્યારે વાહનચાલકોને શ્રેયસ બ્રિજ તરફ જવું પડશે જ્યાં માણેકબાગ પાસે તળાવ ભરાય છે. છેલ્લા કેટલાંય વર્ષોની આ ગંભીર સમસ્યાનો ઉકેલ મ્યુનિ.ના વિદ્વાન એન્જિનિયરો શોધી શક્યા નથી.
અન્ડરપાસની સમસ્યાઓ
અન્ડરપાસના પ્લાનીંગની વાત કરીએ તો ઠેર ઠેર ખામીઓ છે. (1) પરિમલ અન્ડરપાસમાં બન્ને તરફ પગે ચાલનારાઓ માટે પહોળી ફુટપાથો છોડાઈ છે. જ્યારે આ અન્ડરપાસમાં માત્ર એક જ તરફ ફુટપાથ છે અને તે પણ અત્યંત સાંકડી. સામસામે બે વજનદાર લોકો આવી જાય તો કેમ સાઈડ આપવી તે પ્રશ્ન થશે. બીજી તરફ રોડ-ડિવાઈડર પહોળી કરાઈ છે. આ અન્ડરપાસની ઉપર મેટ્રોની દિવાલ અને બાંધકામ આવી જતા હોવાથી ત્યાંથી પણ ક્રોસ કરવાનું સ્હેલું નથી. (2) સર્વિસ રોડના લાઈટના થાંભલા પેરાફીટની દિવાલમાં ઉભા કરવા જોઈએ તેના બદલે બહાર કાઢ્યા છે, જેથી સર્વીસ રોડ સાંકડા થઈ ગયા છે અને થાંભલા પાસે પાર્કિંગ થવા માંડયું છે. (3) 83 કરોડની રકમ ઘણી વધુ હોવાનું આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે. આટલી રકમમાં ફ્લાય ઓવરબ્રિજ બની જાય, જેમાં પીલ્લરનો ખર્ચ બહું મોટો હોય છે. પ્રજાના ટેક્સના નાણાંના વેડફાટનું કડક ઓડિટ થવું જોઈએ અને ભ્રષ્ટાચાર બાબતે વિજીલન્સ ઈન્કવાયરી થવી જોઈએ, તેવી માંગ પણ મ્યુનિ.ના વર્તુળોમાં પણ ઉઠવા પામી છે.