સસરાએ જમાઇને ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટ માટે મોકલી જમીન પચાવી પાડી
પાલડી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
છેતરપિંડીમાં પત્ની, સસરા અને અન્ય બે વ્યક્તિઓની સંડોવણીનો આરોપ
અમદાવાદ,બુધવાર
શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની , સસરા સહિત ચાર લોકો વિરૂદ્ધ ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી લીધી હોવાની ફરિયાદ પાલડી પોલીસ મથકે નોધાવી છે. જેમાં સસરાએ તેના જમાઇને ઓસ્ટ્રેલિયાનો પ્રોજેક્ટ સંભાળવાનું કહીને ત્યાં મોકલી દીધા બાદ બનાવટી સહી કરીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો છે. પાલડી ધરણીધર જૈન દેરાસર પાસે આવેલા યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના લગ્ન વર્ષ ૨૦૧૦માં કાંતિભાઇ પટેલ (રહે. સંગઠન સોસાયટી,વસ્ત્રાપુર)ની દીકરી ગોપી સાથે થયા હતા. તે સમયે વિરેન્દ્રભાઇ માર્ગ અને મકાન વિભાગમાં એક્ઝીક્યુટીવ એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા. પરંતુ, તેમના સસરાએ ધંધામાં વધુ સારૂ હોવાનું કહીને દબાણ કરતા તેમણે નોકરી છોડી હતી. ત્યારબાદ તેમણે તેના સસરા, પત્ની ગોપી, તેમના સાળા મિતુલ પટેલ અને સાઢુ રાકેશ સાવલિયા (રહે.પ્રકૃતિ બંગ્લોઝ, સ્ટર્લીગ સીટી, બોપલ) સાથે મળીને એક કંપની સ્થાપી હતી. જેમાં રોકાણ કરીને ત્રણ કરોડની જમીન ખરીદીને વિરેન્દ્રભાઇ અને તેની પત્નીની કુલ ૭૦ ટકા ભાગીદારી નક્કી કરી હતી. જેમાં કેટલાંક પ્રોજેક્ટ શરૂ કરાયા હતા. બીજી તરફ કાંતિભાઇના એક મિત્ર ઓસ્ટ્ેલિયામાં બિઝનેસ શરૂ કરતા હોવાથી તેમણે વિરેન્દ્રભાઇને ઓસ્ટ્ેલિયાનો બિઝનેસ સંભાળવાનું કહીને તેમને પરિવાર સાથે વર્ષ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા. આ દરમિયાન અમદાવાદનો બીજા ભાગીદારો જોતા હતા અને વિરેન્દ્રભાઇને નફો પહોંચતો કરવાની ખાતરી આપતા હતા. વર્ષ ૨૦૧૯માં તે ભારત પરત આવ્યા ત્યારે ગોપીએ વિરેન્દ્રભાઇ સાથે વ્યવહાર બદલી નાખ્યો હતો. આ દરમિયાન અમદાવાદના બિઝનેસના હિસાબ માંગતા તેમને કાંતિભાઇએ કાગળો મોકલ્યા હતા. જેમાં વિરેન્દ્રભાઇ વર્ષ ૨૦૧૬-૧૭માં ભાગીદારી છુટી કરી હોવાના કાગળો હતા. આ કાગળ પર વિરેન્દ્રભાઇની બનાવટી સહી હતી. જો કે દરમિયાન ધમકી પણ મળતા વિરેન્દ્રભાઇએ છેવટે પોલીસ ફરિયાદ કરી હતી.