આરોપીઓ પાસે ઓસ્ટ્રેલિયાના પીઆર હોવાથી નાસી જવાની શક્યતા
બનાવટી દસ્તાવેજ તૈયાર કરીને છેતરપિંડી કરવાનો મામલો
પોલીસે ગુનો નોંધ્યાના અનેક દિવસો બાદ પણ હજુ સુધી કોઇ આરોપીઓની ધરપકડ ન કરતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
અમદાવાદ,રવિવાર
શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકની જાણ બહાર તેની પત્ની અને અન્ય સાસરિયાઓ દ્વારા બનાવટી દસ્તાવેજ
તૈયાર કરીને છેતરપિંડી કરવાના મામલે પાલડી પોલીસે કોર્ટના હુકમ બાદ ગુનો નોંધ્યો
હતો. પરંતુ, હજુ સુધી આ કેસમાં એક પણ
આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ મુખ્ય આરોપી કાંતિભાઇ પટેલ
સિવાયના અન્ય આરોપીઓ પાસે ઓસ્ટ્રેલિયાના પીઆર હોવાથી તે ધરપકડથી બચવા માટે ભારત છોડીને
નાસી જાય તેવી પુરેપુરી શક્યતા છે. જેથી આરોપીઓ સામે તાકીદથી કાર્યવાહી કરવામાં
આવે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે પાલડી ધરણીધર વિસ્તારમાં આવેલા યોગેશ્વરનગર
સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પટેલે તેની પત્ની ગોપી, સસરા કાંતિભાઇ પટેલ,
સાળા
મિતુલ અને રાકેશ સાવલિયા વિરૂદ્ધ ફરિયાદ
નોંધાવી હતી કે તેમણે ભાગીદારીમાંથી રીટાયર્ડમેન્ટનો બનાવટી દસ્તાવેજ તૈયાર કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી
કરી હતી. પરંતુ, ગુનો નોધાયાના અનેક દિવસ બાદ પણ હજુ સુધી આ કેસમાં પાલડી પોલીસે કોઇ આરોપીની ધરપકડ કરી નથી. જેથી આ અંગે
ફરિયાદી વિરેન્દ્ર પટેલે પોલીસ
કમિશનરને રજૂઆત કરી છે કે આ કેસના મુખ્ય આરોપી સરદારધામના ટ્રસ્ટી હોવાની સાથે રાજકીય
ધરોબો ધરાવતા હોવાથી સ્થાનિક પોલીસ દબાણ
હેઠળ આવીને ધરપકડ ટાળી રહી છે. બીજી તરફ ગોપી અને મિતુલ પટેલ ઓસ્ટ્રેલિયાના
પીઆર ધરાવતા હોવાથી ધરપકડ ટાળવા માટે ભારત
છોડીને નાસી જઇ શકે છે. જેથી તેમની
ધરપકડની કાર્યવાહી ઝડપથી નહી કરવામાં આવે તો કેસને અસર થઇ શકે છે. બીજી તરફ પોલીસ
સુત્રોના જણાવ્યા મુજબ કાંતિભાઇ પટેલ અને અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી માટે
ઉચ્ચ અધિકારીઓ દ્વારા હજુસુધી લીલી ઝંડી આપવામાં આવી નથી.