પહલગામ હુમલાના કારણે ચારધામ યાત્રા પર અસર, ગુજરાતથી 50 ટકા બુકિંગ રદ
Chardham Yatra 2025: પહલગામ નજીક બાયરસનમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનુ બુકિંગ કેન્સલ થયુ છે. ટુરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં પણ 50 ટકા બુકિંગ કેન્સલ થયા છે. કેટલાંય ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યુ છે. આ કારણોસર ગુજરાતી ટુર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે.
કાશ્મીરની બદલે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ લોકોની બની પસંદ
કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગુજરાતી ટુરિસ્ટોની નજર કેરાલા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પર પડી છે. ઉનાળુ વેકેશનમાં રજા ગાળવા કાશ્મીર ગુજરાતીઓ કાશ્મીર જવાનું નક્કી કર્યુ હતું પરંતુ, હાલની પરિસ્થિતિ જોતાં મોટાભાગના કાશ્મીર ટુર પ્રવાસો રદ થયા છે. આ તરફ, મે-જૂનમાં ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે પહલગામ આતંકી હુમલાની ઇફેક્ટ ટુરિઝમ વ્યવસાય પર પડે તેમ છે.
આતંકી હુમલા બાદ 50 ટકા બુકિંગ કેન્સલ
દર વર્ષે ગુજરાતમાંથી 25 હજાર યાત્રાળુઓ ચારધામ યાત્રાએ જાય છે. દિલ્હીથી ચારધામ યાત્રાના 12 દિવસના ટુર પેકેજનો ભાવ 45 હજાર રૂપિયાથી માંડીને 50 હજાર સુધીનો હોય છે. ટુર ઓપરેટરોનું કહેવુ છે કે, કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ચારધામ યાત્રામાં 50 ટકા બુકિંગ કેન્સલ થયા છે. લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. તેમાં હવે યુદ્ધ થશે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. લોકોનું કહેવુ છે કે, ક્યાંક અધવચ્ચેથી પરત ફરવુ પડે તો... આ સંજોગોમાં સ્થિતિને જોઈને ચારધામ યાત્રાએ જવાનુ ગુજરાતીઓ ટાળી રહ્યાં છે. ચારધામ યાત્રા માટે નવુ બુકિંગ લગભગ બંધ થઈ ગયુ છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં ડોલોમાઈટની 32 ખાણો બંધ, 20 હજાર લોકો બેરોજગાર બન્યા
ટુર ઓપરેટરોને નુકસાન
ગત વર્ષની સરખામણીમાં આ વખતે ચારધામ યાત્રાએ જનારાં યાત્રાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય તો નવાઈ નહીં. આ વર્ષે માંડ ચાર-પાંચ હજાર યાત્રાળુઓએ ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ જાય તેવી શક્યતા છે. આ જોતાં ગુજરાતના ટુર ઓપરેટરોને આર્થિક નુકસાન ભોગવવુ પડે તેમ છે.