Get The App

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલના વિવિધ સારવારના દરમાં ઘટાડો કરવા નિર્ણય

દસ જેટલા વિવિધ ટેસ્ટના દરમાં ૬૪ ટકા સુધીનો ઘટાડો કરાયો,એન્જીયોગ્રાફી માત્ર આઠ હજાર રુપિયામાં કરાશે

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલના વિવિધ સારવારના દરમાં ઘટાડો કરવા નિર્ણય 1 - image


અમદાવાદ,શનિવાર,24 સપ્ટેમ્બર,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલના વિવિધ સારવારના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.હાલમાં લેવામા આવતા દરમા ૬૪ ટકા સુધીનો ઘટાડો કરવામા આવ્યો છે.એન્જીયોગ્રાફીના દરમા ૫૯ ટકા સુધીનો ઘટાડો કરવામા આવ્યો છે.એન્જીયોગ્રાફી હવે માત્ર આઠ હજાર રુપિયામાં હોસ્પિટલમા થઈ શકશે.

મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષના હોદ્દેદારો દ્વારા વિવિધ સારવારના વસુલવામા આવતા દરમા ઘટાડો કરવા ચર્ચા-વિચારણા શરુ કરવામા આવી છે.જે પૈકી એસ.વી.પી.હોસ્પિટલમા દસ જેટલા વિવિધ ટેસ્ટના દરમા ૬૪ ટકા સુધીનો ઘટાડો કરવામા આવ્યો છે.કોરોના કાળમાં કોરોનાના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે જાણીતી બનેલી એસ.વી.પી.હોસ્પિટલમા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની સુવિધા શરુ કરવામા આવ્યા બાદ પણ માંડ ૨૦૦ જેટલા દર્દી આવતા હોવાનો મુદ્દો શુક્રવારે મળેલી મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય બેઠકમા પણ વિપક્ષ તરફથી ઉપસ્થિત કરવામા આવ્યો હતો.એસ.વી.પી.હોસ્પિટલમા દર્દીઓને આપવામા આવતી સારવારને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ઉપર માસિક ૧૭ કરોડનું આર્થિક ભારણ આવે છે.

આ પરિસ્થિતિમા એસ.વી.પી.હોસ્પિટલ ફરી ધમધમતી થાય તથા દર્દીઓ વધુ સંખ્યામા સારવારનો લાભ મેળવે એ હેતુથી એન્જીયોગ્રાફીના દરમા ૫૯ ટકા જેટલો ઘટાડો કરવામા આવ્યો છે.એસ.વી.પી.હોસ્પિટલના જનરલ વોર્ડમા એન્જીયોગ્રાફી માટે હાલ રુપિયા ૧૯ હજાર, ડબલ શેરીંગ રુમ માટે ૩૮,૯૦૦ તથા સિંગલ શેરીંગ રુમ(સ્પેશિયલ) માટે રુપિયા ૫૫,૩૫૦નો દર વસુલવામા આવે છે.મેટના હોદ્દેદારો દ્વારા જાહેર કરવામા આવેલા નવા દર મુજબ, જનરલ વોર્ડના પેશન્ટને એન્જીયોગ્રાફી કરવા માટે આઠ હજાર રુપિયા ચુકવવાના રહેશે.ટવીન શેરીંગ માટે ૧૬ હજાર અને સ્પેશિયલ રુમ(સીંગલ) માટે ૨૪ હજાર ચૂકવવાના રહેશે.લોહી પરીક્ષણમા આરબીસી રીપોર્ટ માટે હાલ રુપિયા ૬૩૦ લેવામા આવે છે.જેની સામે નવા દર મુજબ રુપિયા ૨૨૫ લેવાશે.તેવી જ રીતે એન્ટીબોડી ટેસ્ટ માટે રુપિયા ૧૧૬૦ના બદલે રુપિયા ૧૦૫૦,ઈબીસી ટેસ્ટ માટે રુપિયા ૯૦૦ના સ્થાને રુપિયા ૮૦૦ તથા એચ.આઈ.વી.ટેસ્ટ માટે રુપિયા ૨૭૨૦ના બદલે રુપિયા ૨૨૦૦ કરવામા આવ્યા છે.


Google NewsGoogle News