અકલ્પનિય મિશન કમિશનનો પર્દાફાશ: હૉસ્પિટલોથી માંડીને હેલ્થકેર કંપનીઓનું ચાલતું હતું આયોજનબદ્ધ રેકેટ
Khyati Hospital: ખ્યાતિ હૉસ્પિટલ કાંડથી મેડિકલ માફિયાઓ દ્વારા માત્રને માત્ર પૈસાને પ્રાધાન્ય આપી દર્દીઓ સાથે રમાતી રમતનો પર્દાફાશ થયો છે. પરંતુ આ કૌભાંડમાં જો ઊંડી તપાસ થાય તો શહેરોથી માંડી ગામડાં સુધી ચાલતા 'મિશન કમિશન'ની એક એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે.
હૉસ્પિટલના અનેક રાઝ ખુલી રહ્યા છે
ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોનું માનીએ તો, ગામડાંઓમાંથી દર્દીઓને લાવવા માટે સ્થાનિક લોકો સાથેની મજબૂત સાંઠગાંઠ હૉસ્પિટલના સંચાલકો ગોઠવી ચૂક્યા હતા. હાલમાં ફરી વખત રિમાન્ડ ઉપર સોંપાયેલા ડૉક્ટર વઝીરાણી પાસેથી તો હૉસ્પિટલના અનેક રાઝ ખુલ્યા છે. પરંતુ સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પકડાયા પછી અકલ્પનીય એવા નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના રહેલી છે.
સરકારી નાણાનો લાભ લેવાની ગણતરીએ થતા હતા ઑપરેશન
ઑપરેશન કરવા પાછળ સરકારી નાણાનો લાભ લેવાની ગણતરીઓ મંડાતી હોય છે. ઑપરેશન પછી દવા બનાવતી કંપનીઓ સાથે ડૉક્ટરો અને હૉસ્પિટલ સંચાલકોના ગોઠવાયેલા નેટવર્કથી ખરી બેઠી આવકની લાલચ કારણભૂત હોય છે. સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ સાચું બોલે તો આ અંગે અનેક રાઝ ખુલશે તેમ મનાઈ રહ્યું છે.
અકલ્પનીય મિશન કમિશનનો પર્દાફાશ
દસ દિવસ પહેલા ખ્યાતિ હૉસ્પિટલમાં 19 દર્દીઓની એન્જોગ્રાફી કરી તેમાંથી સાત દર્દીઓની એનજીઓ પ્લાસ્ટી કરવામાં આવી તેમાંથી બે દર્દીઓના મૃત્યુ થયા. ચોંકાવનારી ઘટના પછી દસ જ દિવસમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીઓની સારવાર અને સેવાના નામે ચાલતા આયોજનબદ્ધ રેકેટનો ઘણો ખરો પર્દાફાશ થઈ ચૂક્યો છે.
ત્રણ દિવસથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે ત્યારે હવે આયોજનબદ્ધ રીતે ચાલતા 'મિશન કમિશન'ના રેકેટના એક એક તાર ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ માટે હવે ક્રાઇમ બ્રાન્ચની નજર ખ્યાતી હૉસ્પિટલના સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પર સ્થિર થઈ છે. ખ્યાતિ હૉસ્પિટલ માટે દર્દીઓને લાવવાથી માંડી કેમ્પ યોજવા અને સ્ટેન્ટ મૂકવા, તેની ખરીદી અને તે પછી દવાઓ સહિતના અનેક મેળાપીણાની ચોંકાવનારી વિગતો ખુલી શકે તેમ છે.
19 ગામડાઓમાં કેમ્પ યોજીને અનેક દર્દીઓને સ્ટેન્ટ બેસાડ્યા
ક્રાઇમ બ્રાન્ચે ત્રણ દિવસ દરમિયાન જ આ સમગ્ર નેટવર્ક ભેદવાનો પ્રયાસ કર્યો છે. ખ્યાતિ હૉસ્પિટલે અત્યાર સુધીમાં 19 ગામડાઓમાં કેમ્પ યોજીને અનેક દર્દીઓને સ્ટેન્ટ બેસાડી સરકારી યોજનાના નાણા પોતાના ખાતે માંડી દીધા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 13 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું
બૅન્ક ખાતાઓની તપાસ પણ શરુ
ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હૉસ્પિટલના તમામ બૅન્ક ખાતાઓનો અભ્યાસ પણ શરુ કર્યો છે. જન આરોગ્ય યોજના અંતર્ગત ખરેખર કેટલી રકમ ખ્યાતિ હૉસ્પિટલને મળી અને તેમાંથી કોને કેટલી રકમ ચૂકવાઈ તેનો પણ ઊંડાણભર્યો અભ્યાસ કરવા માટે નાણાકીય વ્યવહારોના જાણકારોની મદદ લેવામાં આવી રહી છે.
ખ્યાતિ હૉસ્પિટલમાંથી દર્દીઓની ફાઇલો ઉપરાંત હિસાબો અંગેના રજિસ્ટરો અને પેન ડ્રાઇવ, સીપીયુ વગેરે કબજે કરી અતઃથી ઇતિ જાણવા કામે લગાવી દેવામાં આવ્યું હોવાનું સૂત્રો કહે છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ખ્યાતિ હૉસ્પિટલના અને તેના સંચાલકોના 15 બૅન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે.
ખ્યાતિ હૉસ્પિટલ અને તેના મળતીયાઓના ખાતાઓમાં ક્યાંથી કેટલા પૈસા આવ્યા, કેટલા પૈસા ગયા તે સહિતની તમામ વિગતો પણ ક્રાઇમ બ્રાન્ચ એકત્ર કરી રહી છે. સૂત્રોના કહેવા મુજબ, સરકારી યોજનાનો ગેરલાભ લેવા દર્દીઓની સેવાના આ કાર્યને વ્યવસાયનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું.
માર્કેટિંગ મેનેજર પૂરતો અભ્યાસ કરી જાણકારી એકત્ર કરતા
ખ્યાતિ હૉસ્પિટલમાં માર્કેટિંગ મેનેજર જેવી ખાસ પોસ્ટ સક્રિય છે એ બાબત જ ઘણું સૂચવી જાય છે. માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ, સીઈઓ રાહુલ જૈન ઉપરાંત ચિરાગ રાજપૂત ગામડાઓમાં ક્યાં કેમ્પ યોજી શકાય છે તેનો પૂરતો અભ્યાસ કરી જાણકારી એકત્ર કરતા હતા. સ્થાનિક ડૉક્ટરો, સરકારી હૉસ્પિટલો, સરકારી દવાખાનાઓમાંથી દર્દીઓના ડેટા મેળવવા ઉપરાંત સ્થાનિક પંચાયતો પાસેથી ગામની વસ્તીમાં ઉંમરની જાણકારી મેળવાતી હતી.
50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોવાળા ગામને ટાર્ગેટ કરવામાં આવતા
જે ગામમાં 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા વિશેષ હોય તેવા ગામને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ગામની વસ્તી વિશેની આ જાણકારી સાથે દર્દીઓનો ડેટા મેળવવામાં આવતો હતો. આ ડેટાના આધારે મેડિકલ કેમ્પના આયોજન કરી એન્જિયોગ્રાફી પ્લાસ્ટી કે અન્ય પ્રકારના ઑપરેશનોના કેમ્પ યોજવા માટે આયોજન કરી નાખવામાં આવતા હતા.
જે ગામમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવતા એ ગામના સ્થાનિક સરપંચ કે આગેવાનને પહેલેથી સાથે રાખી 10થી 20 ટકા કમિશનની લાલચ પણ આપવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.
જનઆરોગ્ય યોજનાના કાર્ડ ન હોય તેમને પણ ગણતરીના કલાકોમાં જ કાર્ડ કાઢી અપાતા
હદ તો એ વાતની છે કે, અમુક દર્દીઓ એવા પણ હતા કે જેમની પાસે જનઆરોગ્ય યોજનાના કાર્ડ ન હોય. આવા દર્દીના કાર્ડ પણ ગણતરીના કલાકોમાં જ બનાવી આપવામાં આવતા હતા. ગામડાઓમાંથી દર્દીઓનો ડેટા એટલે કે મેડિકલ હિસ્ટ્રી મેળવીને જે ખર્ચ કરવામાં આવતો એ ખર્ચને કેમ્પ યોજ્યા પછી જે ડેટા મળે તે ડેટા હેલ્થ કેર અને મેડિકલ કંપનીઓને વેચી દઈને નફાના સ્વરૂપમાં બદલવામાં આવતા હોવાનું કારસ્તાન પણ ખુલી રહ્યું છે.
પોલીસ અધિકારી સૂત્રોને એવી પણ શંકા છે કે જે 3000 જેટલા દર્દીઓના ઑપરેશનો કરવામાં આવ્યા છે તે દર્દીઓને સરકારી યોજનામાં પાંચ લાખ સુધીની જે રકમ મળે તેમાંથી એનજીઓગ્રાફી કે પ્લાસ્ટી પાછળ વસુલાત સિવાયનો બીજો અધ્યાય પણ ચાલતો હોવો જોઈએ. સરકારી યોજનાના લાભાર્થી દર્દીઓને તેમની સારવાર પાછળ કોઈ ખર્ચ કરવાનું નથી તેવું સમજાવીને કોઈને કોઈ દર્દ અથવા તો દવાઓ પાછળ સતત અને નિયમિત પૈસા મળતા રહે તેવું ષડયંત્ર કઈ રીતે કામ કરતું હતું તેની તપાસ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો: પેરામેડિકલમાં વિદ્યાર્થીઓની નિરસતા બાદ આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદની છૂટ અપાઈ
પ્રોફેશનલ કંપનીની માફક ખ્યાતિ હૉસ્પિટલનું સંચાલન કરાતું
સૂત્રોનું કહેવું છે કે, ખ્યાતિ હૉસ્પિટલના સંચાલક તેના ખાસ વિશ્વાસુ ચિરાગ રાજપુત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ થકી આખું નેટવર્ક ચલાવતો હતો. કોઈ પ્રોફેશનલ કંપનીની માફક ખ્યાતિ હૉસ્પિટલનું સંચાલન કરાતું હતું.
દર મહિને કેટલા દર્દીઓને લાવવામાં આવ્યા, કેટલા કેમ્પ યોજવામાં આવ્યા તે ઉપરાંત દવા બનાવતી કંપનીઓ સાથેના ટર્નઓવરમાં ખ્યાતિ હૉસ્પિટલનો હિસ્સો કેટલો તે સહિતના મુદ્દાઓ કેન્દ્રિત ચર્ચા અને ઉઘરાણી થતી હોવાની વિગતો મળી રહી છે.
કોને કેટલો લાભ મળતો તેની પણ તપાસ
રાહુલ જૈન, મિલિંદ પટેલ અને ચિરાગ રાજપુત પોલીસના સકંજામાં આવ્યા પછી અનેક રહસ્યો ખુલી શકે છે. દર્દીઓની સેવાના નામે 'મિશન કમિશન'ના બેરોકટોક ચલાવતા ધંધામાં કોને કેટલો લાભ હતો તેના પર પણ ક્રાઈમ બ્રાન્ચની તપાસ કેન્દ્રીત છે.
આવનારા દિવસોમાં ઈન્કમટેક્સ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી સંભાવના છે. ખ્યાતિ હૉસ્પિતલમાં કાર્ડ ન હોય તેનું ત્વરિત કાર્ડ બની જાય, સરકારની મફત સહાય હેઠળ ગણતરીની મિનિટમાં મંજૂરી મળી જાય એ મામલે પણ તપાસ થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ તપાસનો અહેવાલ સીધો જ કેન્દ્ર સરકારને સોંપવામાં આવે એવા આદેશ મળ્યા છે.