ઓરેવા કંપની કોઇ દાન નથી કરી રહી, 8 છોકરીના લગ્નનો ખર્ચ પણ ઉઠાવે: ગુજરાત હાઇકોર્ટ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
Morbi Bridge Collapse


Morbi Bridge Collapse: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે પીડિત પક્ષ તરફથી સીબીઆઇ તપાસની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. બીજી બાજુ, આ કેસમાં હાઈકોર્ટ દ્વારા કોર્ટની સહાય માટે નીમાયેલા બે તટસ્થ અને નિષ્પક્ષ વકીલ એવા કોર્ટ કમિશનર તરફથી પીડિતોને વ્યકિતગત રીતે મળીને તેમની જે વ્યથા કે સમસ્યા હતી તે સહિતની વિગતો સાથેનો બે ભાગમાં વિગતવાર અહેવાલ સીલબંધ કવરમાં હાઈકોર્ટના રેકર્ડ પર રજૂ કરાયો હતો.

દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ઓરેવા કંપનીને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં અસર પામનાર 21 બાળકો છે અને આઠ છોકરીઓ છે, તેથી આઠ છોકરીઓના લગ્નનો ખર્ચ પણ કંપનીએ જ ઉઠાવવો પડે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતો તરફથી CBI તપાસની માંગ

ઓરેવા કંપનીને આ માર્મિક ટકોર સાથે હાઇકોર્ટે પીડિત પરિવારોની સહાય માટે જે ટ્રસ્ટની રચના કરાઈ છે અને પીડિતોને જે સહાય કે લાભ અપાઈ રહ્યા છે, તેમાં આ બાબતનો ઉમેરો કરવા પણ તાકીદ કરી હતી. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના વકીલ તરફથી આજે સમગ્ર દુર્ઘટના પ્રકરણની તપાસ પોલીસ કે સીટ પાસેથી લઈ સીબીઆઈને તપાસ સોંપવા માંગણી કરવામાં આવી હતી. 

પીડિતો તરફથી અદાલતને જણાવાયું હતું કે, ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલની તપાસમાં બહુ ગંભીર અને કેટલાક છીંડા રાખવામાં આવ્યા છે. ખાસ કરીને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિતના કસૂરવાર લોકો સામે કોઈ પગલાં લેવાયા નથી કે કાયદેસર કાર્યવાહી થઈ નથી. એટલે સુધી કે, તેઓને આ કેસમાં આરોપી પણ બનાવાયા નથી. ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સાચી હકીકતો બહાર લાવવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી છે. આ સંજોગોમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપાય તે ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌથી વધુ માણસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

કોર્ટ કમિશનર દ્વારા પીડિતોનો અહેવાલ રજૂ થયો

જો કે, હાઈકોર્ટે પીડિતપક્ષના વકીલને જણાવ્યું હતું કે, જે આ માંગણી બાબતે વિચાર કરાશે કે, તેને ગ્રાહ્ય રખાય તો, કેસનો ટ્રાયલ જે શરૂ થઈ ગયો છે, તેની પ્રક્રિયા વિલંબિત થશે અને અંતે પીડિતોને જ તેની અસર ભોગવવી પડશે. તેના કરતાં કેસના ટ્રાયલ દરમ્યાન જો કોઈ નબળી કડી જણાય તો પીડિતો તરફથી તે બાબત કોર્ટમાં રજૂ કરી શકાય છે. વળી, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) દ્વારા રિપોર્ટ રજૂ કરી દેવાયો છે અને તેમાં આ દુર્ઘટનાને લઈ કોની કોની જવાબદારી છે તે સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કરૂણાંતિકામાં અસરગ્રસ્ત

દરમ્યાન આ કેસમાં હાઇકોર્ટ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ કોર્ટ સહાયક તરીકે નીમાયેલા એડવોકેટ એવા કોર્ટ કમિશનર દ્વારા વિગતવાર અહેવાલ બે ભાગમાં તૈયાર કરી આજે સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો. આ અહેવાલ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા જણાવાયું હતું કે, અલગ-અલગ કેટેગરીમાં પીડિતોને રૂ.12હજાર જેટલી સહાય અપાઇ રહી છે. કેટલીક વિધવા બહેનોએ એકમાત્ર કમાનાર વ્યકિત ગુમાવ્યા છે. તો, ઘણા સગીર આધાર વિનાના થયા છે. કેટલાક પીડિતો એવા પણ છે કે, જેઓને ઇજાના કારણે તેમની સારી એવી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. એક કિસ્સામાં એક ભાઇને નોકરીમાંથી પાણીચું અપાયુ હોવાની વિગત પણ સામે આવી છે. અન્ય એક વ્યકિતને કરોડરજ્જુમાં બહુ ગંભીર ઇજા પહોંચી છે. તેઓને પણ યોગ્ય આધાર મળ્યો નથી. 

કંપની પીડિતોને કોઇ દાન નથી કરી રહી : હાઇકોર્ટે

કેસની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ઓરેવા કંપનીની ભારે ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કંપનીને ઝાટકતાં જણાવ્યું કે, કંપનીએ ટ્રસ્ટને ફાળવેલા પંદર લાખ રૂપિયા ઓછા છે, આછોમાં ઓછા 50 લાખ રૂપિયા ફાળવવા જોઇએ. કાલ ઉઠીને કંપની કહે કે, પીડિતોને વળતરની જરૂર નથી અને તમે વળતર આપવાનું બંધ કરી દો તો..? તેવું પણ બની શકે. કોઇને કંપની પર વિશ્વાસ નથી. કોર્ટને પણ નહી. 

133 મૃતકોના પરિવારો વચ્ચે પંદર લાખ રૂપિયા કંઇ ના કહેવાય. ઓરેવા કંપની એ પીડિતોને કોઇ દાન નથી કરી રહી. સીટના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયુ છે કે, ઓરેવા કંપની આ દુર્ઘટના માટે દોષિત છે. નગરપાલિકા પાસેથી બ્રિજનો કોન્ટ્રાકટ લઇને જેને કશું આવડતુ નહોતુ તેઓને કોન્ટ્રાકટ આપી દીધો. વળતર સિવાય બીજા કોઇ મુદ્દે કોર્ટ કંપની સાથે વાત કરવા તૈયાર નથી. 

આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન પામેલા 54માંથી 48 રસ્તાઓ રીપેરીંગ બાદ પુનઃ શરૂ

સહાયને લઇ પીડિતોમાં અવિશ્વાસનું વાતાવરણ, તેથી લેખિત દસ્તાવેજ કરવો જરૂરી

હાઇકોર્ટે એ વાતની પણ નોધ લીધી હતી કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અપાયેલી સહાય બાબતે પણ અમુક પીડિતોને માહિતી નથી. તો કેટલાક વાલીઓને એ પણ ખબર નથી કે, કોર્ટ દ્વારા બાળકોના કોલેજ અને શિક્ષણ બાબતે ખર્ચની જોગવાઇ કરાવવામાં આવી છે. વાસ્તવમાં તેઓને યોગ્ય અને પૂરતા સહકારની જરૂર છે. હાઇકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલું રૂ.15 લાખનું ભંડોળ એ સામાન્ય રકમ છે. 

પીડિતો અને પરિવારમાં કંપની કે ટ્રસ્ટ દ્વારા મળનારી સહાયને લઇ અવિશ્વાસનું વાતાવરણ છે. તેથી આ વાતને લઇ લેખિત દસ્તાવેજ તૈયાર કરવો જરૂરી છે કે જેથી ભવિષ્યમાં લેખિત બાબત હોય તો કોઇ પ્રશ્ન ઉભો ના થાય. આ દુર્ઘટનામાં અસર પામનાર 21 બાળકો અને આઠ છોકરીઓે છે, તેઓને શિક્ષણ અપાય છે પરંતુ આઠ છોકરીઓના લગ્નનો ખર્ચ ઓરેવા કંપનીએ ઉઠાવવો જોઇએ અને તેથી ટ્રસ્ટની પીડિતોને જે સહાય કરવાની યાદી છે, તેમાં આ બાબતનો સમાવેશ કરવા હાઇકોર્ટે તાકીદ કરી હતી.

ઓરેવા કંપની કોઇ દાન નથી કરી રહી, 8 છોકરીના લગ્નનો ખર્ચ પણ ઉઠાવે: ગુજરાત હાઇકોર્ટ 2 - image


Google NewsGoogle News