ગુજરાત હાઇકોર્ટે GPSCની કાઢી ઝાટકણી, DySO અને નાયબ મામલતદારની પરીક્ષાની તારીખો જાહેર કરવા આદેશ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Gujarat-highcourt


GPSC Exam New dates  Announce Order : સરકારી પરીક્ષાઓમાં ક્યારેક પ્રશ્નોમાં ગરબડ તો ક્યારેક પેપર ફૂટવાના લીધે પરીક્ષાઓ મોકૂફ રખાતી હોય છે, એમાં પણ   GPSC દ્વારા લેવાતી પરીક્ષામાં વારંવાર ભૂલો જોવા મળે છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી DySO અને નાયબ મામલતદારની પરીક્ષામાં 19 પ્રશ્નો સામે વાંધો ઉઠાવાતા તેમાં સુધારો કરી નવેસર પરિણામ જાહેર કરતાં નવા 1927 ઉમેદવારો ઉમેરાયા હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછો સમય મળતાં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ અંગે હાઇકોર્ટે વારંવાર ભૂલો કરતી જીપીએસસીને ફરી એકવાર ફટકાર લગાવતાં DySO અને નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા મુલતવી રાખીને નવી તારીખો એક જ અઠવાડિયામાં જાહેર કરવાનો આદેશ કર્યો છે.

વર્ષ 2023માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત ક્રમાંક 42 આપી તેમાં ડેપ્યુટી સેકશન ઓફિસર- DySO અને નાયબ મામલતદાર વર્ગ-3 ની 127 જગ્યાની જાહેરાત માટેની અરજીઓ મંગાવી હતી. આ માટે તારીખ 15/10/2023 ના રોજ પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરાયું હતું અને 18 માર્ચ 2024 ના રોજ પરિણામ જાહેર કરાયું હતું, જેમાં 3342 ઉમેદવારો પાસ થયા હતા. જો કે જીપીએસસી દ્વારા જાહેર કરાયેલી આન્સર કીમાં અમુક પ્રશ્નો શંકાસ્પદ હતા, જેથી કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો અને જીપીએસસીની આન્સર કીના 19 પ્રશ્નોને પડકાર્યા હતા. જેમાં હાઇકોર્ટના હુકમ બાદ જીપીએસસીએ જવાબમાં સુધારો કરીને 8 જુલાઇ 2024ના રોજ ફરી પરિણામ જાહેર કર્યું. ત્યાર પછી 1927 નવા વિદ્યાર્થી ઉમેરાયા. આ કારણસર જીપીએસસીએ પહેલાં પાસ થયેલા 3342 ઉમેદવાર અને 1927 ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં બેસી શકે છે, એ રીતે મુખ્ય પરીક્ષા 23 જુલાઈથી લેવાનું નક્કી કર્યું હતું. 

ગુજરાતમાં સાતમાંથી એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું હોવાનો સરકારનો દાવો, હવે ગાંધીનગરમાં થશે ટેસ્ટિંગ

જો કે નવા ઉમેદવારોની માંગ હતી કે જીપીએસસી નવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની તૈયારી માટે ચારેક મહિનાનો સમય આપે. નવા ઉમેરાયેલા 1927 ઉમેદવારને માત્ર 14 દિવસ જ મળ્યા હતા. એટલે માર્ચમાં યોજાયેલી પરીક્ષામાં પાસ થયેલા 3342 ઉમેદવારોએ 5 મહિના પહેલાં જ મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. આમ પાછળથી ઉમેરાયેલા ઉમેદવારો સાથે અન્યાય કરતાં તે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. નવા ઉમેરાયેલા 1927 ઉમેદવારે માંગ કરી હતી કે, અમને પણ ઓછામાં ઓછો 2 મહિનાનો સમય તૈયારી માટે આપો, જેથી સમાનતાનો સિદ્ધાંત જળવાઈ રહે. 

આ અંગે ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં નોંધીને જીપીએસસીને નિર્દેશ આપ્યો છે કે જીપીએસસી દ્વારા કામચલાઉ પરિણામ 08/07/204  ના રોજ પ્રકાશિત કરાયું હતું. નવા ઉમેરાયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માત્ર 2 અઠવાડિયાનો સમય અપાયો છે કારણ કે તેઓ અયોગ્ય જાહેર કરાયા હતા. જ્યારે અન્ય પાત્ર ઉમેદવારોને તૈયારી માટે 16 અઠવાડિયાનો સમય મળ્યો છે. જો કે આ કારણસર મુખ્ય પરીક્ષામાં વધુ વિલંબ થઈ શકે નહીં.

આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે જીપીએસસીને 23/07/2024થી 26/07/2024 દરમિયાન યોજાનારી મુખ્ય પરીક્ષાને રદ કરવી અને આજથી છ અઠવાડિયાના સમયગાળા પછી મુખ્ય પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જેથી નવા ઉમેરાયેલા લાયક ઉમેદવારોને તૈયારી માટે યોગ્ય સમય મળે. કોર્ટે એમ પણ નોંધ્યું છે કે, મુખ્ય પરીક્ષા આયોજિત કરવાની નવી તારીખો આજથી એક સપ્તાહની અંદર જાહેર કરાશે. 

નોંધનીય છે કે, અગાઉ જીપીએસસી 20 જેટલી પરીક્ષામાં વિકલ્પ બદલવાના તેમજ પ્રશ્નો રદ કરવાના કુલ 280 સુધારા કરી ચૂકી છે. તે પૈકી 107 સવાલો રદ કરાયા હતા અને 173 વિકલ્પો ફાઇનલ આન્સર કીમાં બદલવામાં આવ્યા હતા. આ પૈકી સૌથી વધુ ભૂલો કરાઈ હોય એવી પરીક્ષામાં જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા જાહેરાત ક્રમાંક 47/2023-24ની ફાઇનલ આન્સર કીમાં સુધારો કરાયો હતો.


Google NewsGoogle News