રજા મંજૂર કરાવ્યા વિના ગેરહાજર રહેતા કર્મચારીનો રોજ રિપોર્ટ આપવા AMC કમિશનરનો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર રહેનારા કર્મચારીઓનો રોજ રીપોર્ટ આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આદેશ કર્યો છે. બપોરે 12:30 કલાક સુધીમાં તમામ ખાતાના અધિકારીઓએ રજા મંજૂર કરાવ્યા વગર ગેરહાજર રહેનારા કર્મચારીઓની વિગત મોકલી આપવી પડશે.
મ્યુનિસિપલ કમિશનરે વહીવટી સુધારણાના ભાગરૂપે સફાઈ કામદાર સિવાયના તમામ કર્મચારી અને અધિકારીઓની રોજેરોજની હાજરીની વિગત ગુગલ લિંકથી ખાતાના અધિકારીઓને રોજેરોજ મોકલી આપવા નિર્દેશ આપ્યા છે.
સંબંધિત ખાતાના અધિકારીઓએ તેમના ખાતાના કેટલા કર્મચારી રજા ઉપર ગયા છે,કેટલા કર્મચારી રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર છે અને કેટલા કર્મચારીઓ સસ્પેન્ડ છે તે અંગેની વિગત રોજ બપોરે 12:30 સુધીમાં ભરવાની રહેશે.