વિપક્ષનું લોહી ચાખી ગયેલા ભાજપને ફરી સળવળાટ, પેટા ચૂંટણી પહેલા ચાર-પાંચ ધારાસભ્યો કરશે પક્ષપલટો!
Gujarat Politics: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સત્તાધારી પાર્ટીને બેઠકો ગુમાવવાનો ડર લાગી રહ્યો છે તેથી પાર્ટીના નેતાઓએ ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકી બચેલા ધારાસભ્યો પર નજર દોડાવી છે. પક્ષાંતર કરાવવાની ભાજપને હવે આદત પડતી જાય છે.
વિધાનસભામાં કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટી પાસે 4 ધારાસભ્યો છે. પાર્ટીના ગેમપ્લાન પ્રમાણે પેટાચૂંટણી આવતાં સુધીમાં વિપક્ષના 4થી 5 ધારાસભ્યોને પક્ષપલટો કરાવવા માગે છે. પોતાના બળ ઉપર જીતવાની શક્તિ રહી નહીં હોવાનું ફલિત થઈ રહ્યું છે તેથી પાર્ટીના સિનિયર નેતાઓ પારકાંને પોતાના બનાવે છે.
વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે
નોંધનીય છે કે, ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં વિસાવદરમાં બેઠક ખાલી પડી હતી. તેમજ કરશન સોલંકીના નિધનના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જોકે, આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પણ ખૂબ જ જલ્દી કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે.