ગુજરાતમાં સાતમાંથી એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું હોવાનો સરકારનો દાવો, હવે ગાંધીનગરમાં થશે ટેસ્ટિંગ
Chandipura Virus Update : રાજ્યમાં વ્યાપેલા ચાંદીપુરાના કેસો મુદ્દે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપી હતી કે, ‘પૂણે મોકલાયેલા સાત સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા વાઈરસનું હોવાનું માલુમ પડ્યું છે. આ ઉપરાંત હવે ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થશે, જેથી સેમ્પલ આવવામાં પણ મોડું નહીં થાય.’
આજે વધુ છ બાળકના મોત
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં ત્રણ, અમદાવાદમાં બે અને પંચમહાલ જિલ્લામાં એક બાળકનું મોત થયું છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે.
રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલાં ચાંદીપુરાના કેસો
બીજી તરફ, ચાંદીપુરા રોગ અને રાજ્યમાં હાલની રોગચાળાની સ્થિતિ અને વરસાદને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલમાં જ રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા છે, જેમાંથી 15 બાળકો-દર્દીઓના મોત થયા છે. તો સાતમાંથી એક જ કેસ ચાંદીપુરાનો હોવાની પૂણે લેબોરેટરીએ માહિતી આપી છે. જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપીને કાચા મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ
આ સ્થિતિને કાબુમાં લેવા ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી, જે સાત સેમ્પલ મોકલવામાં હતા, તેમાંથી એક જ ચાંદીપુરાનો કેસ નીકળ્યો છે. ચાંદીપુરા વાઇરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાઈરસથી આ રીતે બચી શકાય એમ છે.