Get The App

વીર નર્મદ યુનિવર્સિટીમાં 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 જ પાસ, નિરાશાજનક રિઝલ્ટ બન્યો વિવાદનો વિષય

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
veer narmad University


Vir Narmad South Gujarat University Controversy: હંમેશા વિવાદોમાં રહેતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સ (M.A. ઈકોનોમિક્સ) એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે M.A.ની ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર 141 વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા, કારણ કે 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.

યુનિવર્સિટીની પરીક્ષામાં 141માંથી 140 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતાં અનેક સવાલો ઉભા થાય છે. શું પ્રશ્નપત્રો બહુ અઘરા હતા? શું મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ છે? શું કોઈ ગેરરીતિ થઈ છે? આ તમામ પ્રશ્નોના જવાબ યુનિવર્સિટીએ આપવા પડશે અને વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપવા પડશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટી તેની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરે તે પણ જરૂરી છે.

99.29 ટકા વિદ્યાર્થીઓ નપાસ

આ પરીક્ષા માટે કુલ 192 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 51 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થીને પાસ જાહેર કરવામાં આવ્યો છે. પરિણામે, પરીક્ષા પાસ થવાની ટકાવારી માત્ર 0.71% રહી છે એટલે કે 99.29 ટકા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. આ પરિણામ વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક હોવા ઉપરાંત વિવાદનો વિષય પણ બન્યો છે. 

ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગ કરી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે પરીક્ષાના પરિણામો અંગે કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે. અન્ય વિદ્યાર્થીઓને ભેગા થઈને ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી આ મામલે તપાસ કરી રહી છે કે આટલા ઓછા વિદ્યાર્થીઓ કેમ પાસ થયા છે.

યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

આ ઘટના યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. 0.71%ની પાસ ટકાવારી ઘણી ઓછી છે અને એવું લાગે છે કે પરીક્ષાના પરિણામોમાં કેટલીક વિસંગતતા હોઈ શકે છે. યુનિવર્સિટીની ફરજ છે કે વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લેવી અને આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવી. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે યુનિવર્સિટી નક્કર પગલાં લે તે પણ જરૂરી છે.

અગાઉ પણ વિવાદમાં આવી હતી યુનિવર્સિટી

ડિસેમ્બર 2023માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના BA-B.Com વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપરને કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પરીક્ષાના પેપરમાં પ્રેમકથા, કામસૂત્ર વાર્તા અને પ્રિન્સિપાલ, પ્રોફેસર અને મેડમના નામ સાથે અપશબ્દો લખ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરનારા છ વિદ્યાર્થીઓને ઓળખી તેઓને નાપાસ કરવામાં આવ્યા હતા, સાથે રૂ. 500નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. છ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ ઉત્તરમાં કામસૂત્રની વાર્તા લખી હતી જ્યારે બીજા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પ્રેમકથા લખી હતી. યુનિવર્સિટીએ 6 વિદ્યાર્થીઓની સુનાવણીનું કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને લેખિતમાં યુનિવર્સિટીની માફી માંગી હતી.


Google NewsGoogle News