સ્વૈચ્છિક અંગદાન સંમતિમાં ગુજરાતમાંથી માત્ર 1900 વ્યક્તિ જ આગળ આવ્યા
ગુજરાત આ મામલે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ કરતાં ઘણું પાછળ
અમદાવાદ, 19મી ફેબ્રુઆરી 2024, સોમવાર
ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિમાં ધીરે-ધીરે વધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, અંગદાન અંગે સ્વૈચ્છિક સંમતિ આપવામાં ગુજરાત હજુ અન્ય રાજ્યથી ઘણું પાછળ છે. ગુજરાતમાંથી માત્ર 1936 લોકો દ્વારા અંગદાન માટે સંમતિ આપવામાં આવેલી છે. અંગદાન માટે સૌથી વધુ સંમતિ આપવામાં આવી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોપ 10માં પણ નથી.
રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર જેવ રાજ્યો કરતા અંગદાન થકી અન્યોને જીવતદાન આપવામાં ગુજરાત પાછળ એક અંગદાતા 8 લોકોનું જીવન બચાવે છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (નોટ્ટો)ના અહેવાલ અનુસાર સ્વૈચ્છિક અંગદાન માટે પ્રતિજ્ઞાા લેવામાં રાજસ્થાન 35305 સાથે મોખરે, મહારાષ્ટ્ર 25248 સાથે બીજા જ્યારે મધ્ય પ્રદેશ 20420 સાથે ત્રીજા સ્થાને છે. જેની સરખામણીએ ગુજરાતમાંથી માત્ર 1936 દ્વારા સ્વૈચ્છિક અંગદાન માટે પ્રતિજ્ઞાા કરવામાં આવી છે. આમ, ગુજરાત આ મામલે તેના પડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ કરતાં ઘણું જ પાછળ છે.
ગુજરાતના જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો સુરતમાંથી સૌથી વધુ 652, અમદાવાદમાંથી 205, વડોદરામાંથી 143, નર્મદામાંથી 135 અને ભાવનગરમાંથી 107 દ્વારા મૃત્યુ બાદ સ્વૈચ્છિક અંગદાન માટે સંમતિ આપી છે. ગુજરાતમાં મૃત્યુ બાદ અંગદાન અંગે જાગૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ડિસેમ્બર 2020 બાદ બ્રેઇનડેડ દર્દીના અંગદાનનો પ્રારંભ થયો હતો. જેમાં અત્યારસુધી 143 લોકોના અંગદાનથી 439ને નવજીવન મળ્યું છે. આ અંગદાનમાં 123 લિવર, 252 કિડની, 9 સ્વાદુપિંડુ, 40 હૃદય, 6 હાથ, 24 ફેફસાં, 106 આંખોનું દાન મળેલું છે.
ગુજરાતમાં સ્વૈચ્છિક અંગદાતામાંથી 1186 પુરૂષ અને 75૦ મહિલાનો સમાવેશ થાય છે. આમ, સ્વૈચ્છિક અંગદાતામાંથી 6૦ ટકા પુરૂષ અને 4૦ ટકા મહિલા છે. સ્વૈચ્છિક અંગદાન અંગે સંમતિ આપનારામાં 18થી 3૦ની વયજૂથના 648, 3૦થી 45ની વયજૂથના 768, 45થી 6૦ની વયજૂથમાં 376 અને 6૦થી વધુની વયજૂથના 142 છે.
સ્વૈચ્છિક અંગદાન કોણ કરી શકે છે
- જીવંત અંગદાનમાં વ્યક્તિની ઉંમર 18થી વધુ હોવી જોઇએ અને તેના તમામ અંગો સ્વસ્થ હોવા જોઇએ.
- જીવંત અંગદાન માટે કોઇ પણ વ્યક્તિ નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ફોર્મ-7 ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- આ પછી જે ડોનર કાર્ડ મળે તેને તે વ્યક્તિએ બહાર નીકળતી વખતે પોતાની સાથે રાખવું જરૂરી છે.
- જીવંત અંગદાનમાં એક વ્યક્તિ તેના જીવનકાળમાં એક કિડની, સ્વાદુપિંડુ-લિવરનો અમુક ભાગ ડોનેટ કરી શકે છે. મૃત્યુ બાદનું અંગદાન બ્રેઇનડેડ દ્વારા થઇ શકે છે.
- ભારતમાં હાલ 2.50 લાખ કિડની, 80 હજાર લિવર, 50 હજાર હૃદય અને એક લાખથી વધુ લાકો આંખના દાતાની રાહ જોઇ રહ્યા છે. અંગદાનથી તેમને નવજીવન મળશે.
કયા રાજ્યમાંથી અંગદાન માટે સૌથી વધુ સંમતિ
રાજ્ય |
સંમતિ |
રાજસ્થાન |
35,305 |
મહારાષ્ટ્ર |
25,248 |
મધ્ય પ્રદેશ |
20,420 |
કર્ણાટક |
19,834 |
તેલંગાણા |
11,911 |
આંધ્ર પ્રદેશ |
4,176 |
ઉત્તરાખંડ |
3,398 |
ઓડિશા |
2,764 |
ઉત્તર પ્રદેશ |
2,782 |
તામિલનાડુ |
2,223 |
ગુજરાત |
1,936 |
ગુજરાતના કયા જિલ્લામાંથી અંગદાન માટે સૌથી વધુ સંમતિ
જિલ્લો |
સંમતિ |
સુરત |
652 |
અમદાવાદ |
205 |
વડોદરા |
143 |
નર્મદા |
135 |
ભાવનગર |
107 |
બનાસકાંઠા |
90 |
વલસાડ |
64 |
રાજકોટ |
55 |
કચ્છ |
52 |
નવસારી |
51 |
ગાંધીનગર |
36 |