યુવકના બેંક એકાઉન્ટની વિગતો મેળવી ૨૦ લાખની પ્રિઅપ્રુવ્ડ લોન લઇ લીધી
ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગનું વધુ એક કારસ્તાન
પાસપોર્ટ અને ડ્રગ્સનો કેસ થયો હોવાનું કહીને યુવકને ડીજીટલ અરેસ્ટ કરવાનું કહીને છેતરપિડી આચરી
અમદાવાદ,શુક્રવાર
ફેડેક્સ કુરીયરમાં બોગસ પાસપોર્ટ અને ડ્રગ્સ હોવાનું કહીને અમદાવાદમાં રહેતા યુવકને કેસમાં ફસાવવાની ધમકી આપીને ઓનલાઇન છેતરપિંડી કરતા ગઠિયાઓએ તેના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ૨૦ લાખ રૂપિયાની પ્રિ અપ્રુવ્ડ લઇ લીધી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. શહેરના મોટેરા કોટેશ્વર ભાટ રોડ પર આવેલા દેવ પ્રિસ્ટીન એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિન જોષી નામના યુવકને થોડા મહિના પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફેડેક્સ કુરીયરના સ્ટાફના નામથી કોલ આવ્યો હતો કે તેના નામે આવેલા પાર્સલમાં ત્રણ પાસપોર્ટ અને દોઢ કિલો એમ ડી ડ્રગ્સ છે.
જે અંગે મુંબઇમાં ગુનો નોંધાયો છે અને તેનું સ્ટેટમેન્ટ આપવા મુંબઇ આવવું પડશે. ત્યારબાદ ઓનલાઇન સ્ટેટમેન્ટ નોંધવાના નામે ભાવિનને સ્કાય પે એપ્લીકેશનથી વિડીયો કોલથી જોડીને મુંબઇ એનસીબીના નામે એક વ્યક્તિએ વાત કરીને તેને ડીજીટલ અરેસ્ટ કર્યાનું કહીને તેના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહાર થયાની વિગતો તપાસવાની હોવાથી બેંક એકાઉન્ટની વિગતો મેળવીને તેના દ્વારા ઓનલાઇન ૨૦ લાખની પ્રિઅપ્રુવ્ડ લોન લઇને લઇને છેતરપિંડી કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.