યુવક વિરૂદ્ધ ડ્રગ્સનો કેસ હોવાનું કહીને ૫૬ લાખની રોકડ પડાવી લેવામાં આવી
સાયબર ફ્રોડનો ભોગ બનનાર હોટલમાં મોકલી ડીજીટલ એરેસ્ટ કરાયો
સોફ્ટવેર ડેવેલોપમેન્ટનું કામ કરતા વ્યક્તિને ડ્રગ્સ ડાફીલીંગ અને મનોલોન્ડરીંગનો કેસ કરવાની ધમકી અપાઇ ઃ આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,શનિવાર
પાર્સલમાં બનાવટી પાસપોર્ટ અને ડ્રગ્સ હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરતી ગેંગ દ્વારા સોફ્ટવેર ડેવેલોપમેન્ટનું કામ કરતા યુવક વિરૂદ્ધ કેસ થયો હોવાનું કહીને રૂપિયા ૫૬ લાખની રકમ પડાવી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને ડીજીટલ એરેસ્ટ કર્યો હોવાથી તેને પરિવારથી દુર રહેવાનું હોવાનું કહેતા તે ડરીને ત્રણ દિવસ હોટલમાં જતો રહ્યો હતો. જો કે પરિવારજનોએ તેને ટ્રેક કરીને સમજાવ્યો ત્યારે તને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે. સેટેલાઇટ પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર આવેલા રત્નાકર કેલીડોનીયા એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઇ દુધારા સોફ્ટવેર ડેવેલોપમેન્ટનો વ્યવસાય કરે છે. થોડા મહિના પહેલા તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો કે તેમના આધારકાર્ડના નામથી તાઇવાનમાં એક પાર્સલ મોકલેલું છે. જેમાં પાંચ પાસપોર્ટ , ડ્રગ્સ મળી આવ્યું છે. જે અંગે મુંબઇ સાયબર ક્રાઇમમાં કેસ થયો છે. ત્યારબાદ ક્રાઇમબ્રાંચના અધિકારી તરીકે અન્ય કોઇ વ્યક્તિએ વાત કરીને સ્કાઇપે પરથી વિડીયો કોલ કરીને કમલેશભાઇને ડીજીટલ એરેસ્ટ કર્યા હોવાનું કહીને તેમને સુચના આપી હતી કે તેમને એક રૂમમાં એકલા રહેવાનું છે અને પરિવારના કોઇ સભ્યને જાણ કરવાની નથી. જેથી કમલેશભાઇ ડરીને બે થી ત્રણ દિવસ ઓફિસનું કામ હોવાથી બે-ત્રણ દિવસ બહાર જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા અને સિંધુ ભવન ખાતે આવેલી એક હોટલમાં રહેવા માટે ગયા હતા.
જ્યાં તેમને સતત વિડીયો કોલમાં જોડી રાખીને નાણાંકીય વ્યવહાર તપાસવાનું રહીને તેમના બેંક એકાઉન્ટમાં કુલ ૫૬ લાખ જેટલા નાણાં કોલ કરનારે આપેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જે ૨૪ કલાકમાં પરત અપાવવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ કમલેશભાઇના પરિવારજનોને શંકા જતા તપાસ કરીને હોટલ પર પહોંચીને સંપર્ક કર્યો હતો. ત્યારે કમલેશભાઇને તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.