Get The App

ઓનલાઇન ક્રાઇમની મોસમ હેપી ન્યુ યર મેસેજથી ચેતજો, ક્લિક કરતાં જ મોબાઇલ થઈ જશે હેક

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ક્રાઇમની મોસમ હેપી ન્યુ યર મેસેજથી ચેતજો, ક્લિક કરતાં જ મોબાઇલ થઈ જશે હેક 1 - image


Cyber Crime: વર્ષ 2024નો આજે (31મી ડિસેમ્બર) અંતિમ દિવસ છે અને બુધવારે (પહેલી જાન્યુઆરી) 2025નું નવું વર્ષ શરુ થશે. 31મી ડિસેમ્બરથી જ બધાના વોટ્‌સએપ પર હેપી ન્યુ યરના મેસેજનો મારો શરુ થઈ ગયો હશે. આ હેપી ન્યુ યરના મેસેજથી ખાસ બચવા જેવું છે. શક્ય છે કે તમને કેટલાય એવા મેસેજ મળશે, જેમાં વર્ષ 2025નું નવું કેલેન્ડર અથવા ડાયરી મફત આપવાની ઑફર કરવામાં આવી હોય. એમાં લખેલું હોય કે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો નવા વર્ષની ફ્રી ગિફ્ટ મેળવો.

મહત્ત્વપૂર્ણ ડેટાની ચોરી થઈ શકે છે

સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા નિષ્ણાતો ચેતવે છે કે ભૂલથી ય આ લિંક પર ક્લિક કરતા નહીં. હેપી ન્યુ યરના આ મેસેજ સાથે માલવેર લિંક હોઈ શકે છે. કેલેન્ડર અથવા ડાયરીની લાલચમાં તમે આ લિંક પર ક્લિક કરશો તો શક્ય છે કે તમારો મોબાઇલ હેક થઈ જાય, તેમાં વાયરસ પ્રવેશી જાય. આ વાયરસ દ્વારા તમારો ડેટા, તમારા બૅન્ક અકાઉન્ટ જેવી સંવેદનશીલ વિગતો ચોરાઈ શકે છે. તમારો મોબાઇલ ફોન ખરાબ થઈ શકે છે. 

આ પણ વાંચો: UPI યુઝર્સ માટે મહત્વના સમાચાર, પહેલી જાન્યુઆરીથી નિયમોમાં થશે ફેરબદલ


સાયબર ફ્રોડ કરનારાઓનો આતંક

લગ્નની સિઝનમાં કેટલાય લોકોને વોટ્‌સએપ કે ફેસબુક પર ઈ-કંકોત્રી મોકલીને ફસાવવામાં આવ્યા હતા. લગ્નના સ્થળનું લોકેશન આપવા માટે લિંક આપવામાં આવેલી હોય, ને લોકો આ લિંક પર ક્લિક કરતાં કે એમનો મોબાઇલ હેક થઈ જાય છે, આ એક સાયયબર ફ્રોડ છે. વર્ષ 2024ના વર્ષ દરમિયાન સાયબર ફ્રોડ કરનારાઓએ આતંક મચાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં સિંધુભવન-CG રોડ સાંજથી જ બંધ, 31stની ઉજવણી માટે યુવાનો આતુર


સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં ભારતીયોએ જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડમાં 11,333 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વર્ષ 2024માં સાયબર ફ્રોડની કુલ 12 લાખ જેટલી ફરિયાદો આવી હતી. તે પૈકીની 45 ટકા ફરિયાદોમાં તો ગુનેગારો કોલમ્બિયા, મ્યાનમાર અને લાઓસ જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાં બેઠા હતા. 

સિટીઝન ફાયનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટીંગ ઍન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ(CFCFRMS)ના ડેટા અનુસાર, વર્ષ 2021માં આ એજન્સીની શરુઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 30 લાખ જેટલી ફરિયાદો થઈ છે. આ કિસ્સાઓમાં લોકોને કુલ 27,914 કરોડનો ફટકો પડ્યો છે. વર્ષ 2023માં 11,31,221 ફરિયાદો, વર્ષ 2022માં 5,14,741 અને 2021માં 1,35,242 ફરિયાદો નોંધાઈ હતી. સો વાતની એક વાત, નિર્દોષ દેખાતા હેપી ન્યુ યર મેસેજથી ચેતજો. સીધુંસાદું લખાણ કે ઇમેજ ઠીક છે, પણ જો મેસેજ સાથે કોઈ પણ લિંક આપી હોય તો તેના પર બિલકુલ ક્લિક ન કરતા.

ઓનલાઇન ક્રાઇમની મોસમ હેપી ન્યુ યર મેસેજથી ચેતજો, ક્લિક કરતાં જ મોબાઇલ થઈ જશે હેક 2 - image


Google NewsGoogle News