રાજ્યમાં વરસાદને કારણે બંધ એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ આજે રાત્રે પૂર્વવત કરાશે

ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,444 વ્યક્તિઓનું સ્થળાંતર

નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી 617 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયુ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
રાજ્યમાં વરસાદને કારણે બંધ એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ આજે રાત્રે પૂર્વવત કરાશે 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. નર્મદા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદને કારણે રાજ્યમાં બંધ કરવામાં આવેલા રસ્તાઓ ફરીવાર શરૂ કરી દેવાશે તેવું રાહત કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

617 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. 

રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે

રાહત કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.

13 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય

સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદના કારણે ડેમમાં અંદાજે 18 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી જે હવે ઘટીને 5 લાખ ક્યુસેક થઈ છે, જેના પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વાયુદળના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, વડોદરા, અરવલ્લી, દાહોદ અને જૂનાગઢમાં NDRF- SDRFની કુલ 10 ટીમો તહેનાત છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFની પાંચ તેમજ SDRFની 13 ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.



Google NewsGoogle News