અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના, કારચાલકે એક જ પરિવારના 4 સભ્યોને ઉલાળ્યા
Ahmedabad Road Accident: અમદાવાદમાં નબીરાને જાણે કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. હજુ શહેરના લોકો તથ્ય પટેલ દ્વારા સર્જેલા અકસ્માતને ભુલ્યા નથી. ત્યા હવે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક જ પરિવારના ચાર સભ્યોને પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ઉલાળ્યા હતા.
એક જ પરિવારના ચાર સભ્યોને ઉલાળ્યા
બે દિવસ પહેલા શુક્રવારે થલતેજ વિસ્તારમાં એક સગીર યુવકે 16 વર્ષની યુવતીને અડફેટે લીધી હતી. જેનું આજે સારવાર અર્થે મોત નિપજ્યું છે. તે જ દિવસે રાતે 10 વાગ્યાની આસપાસ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનાની વધુ વિગતો મુજબ ગુરુકુલ સર્કલ નજીક બ્લુબેરી કોમ્પેલેક્ષ પાસે અંકિત વિરાણી તેમની પત્ની, અને સાળા સાથે દીકરીને સાઈકલ પર બેસાડી રહ્યા હતા. આ દરમિયાન એક પૂરપાટ ઝડપે કારે પરિવારના ચારેય સભ્યોને ટક્કર મારી હતી.
કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારની સ્પીડ ખૂબ જ હતી. અને ટક્કર એટલી જોરદાર હતી કે અંકિત વિરાણી ઉછળીને દૂર સુધી ફેંકાયા હતા. જ્યારે તેમના પત્ની, સાળા અને દીકરી જમીન પર પટાકાયા હતા. ઘટના બનતા જ લોકો ભેગા થઈ ગયા હતા. જો કે લોકોએ કારચાલકને પકડવા માટે દોડ્યા હતા પણ તે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક 108ને જાણ કરીને ચારેય સભ્યને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ગનુો નોંધી તપાસ હાથ ધરી
કારે ટક્કર મારતા અંકિતભાઈને માથાના ભાગે જ્યારે તેમની દીકરીને મોઢાના ભાગે અને તેમના પત્ની અને સાળાને પણ ઈજા પહોંચી છે. હાલ આ સમગ્ર મામલે કારચાલ સામે ગુનો નોંધીને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગાડીના નંબર સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.