ફરવાના શોખીન ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, થાઈલેન્ડ જવું થશે સસ્તું

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Thailand Flight

Image: Envato



Ahmedabad To Thailand Low Cost Airline: અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ટૂંકસમયમાં જ લો-કોસ્ટ એરલાઈન શરૂ થવા જઈ રહી છે. જુલાઈના અંત સુધી વધુ એક એરલાઈન અમદાવાદથી સીધી થાઈલેન્ડની ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે, આ ફ્લાઈટ અન્ય કરતાં સૌથી સસ્તી હશે.

થાઈલેન્ડની લો-કોસ્ટ એરલાઈન થાઈ લાયન એર ભારતમાં વિસ્તરણની શરૂઆત કરતાં અમદાવાદથી થાઈલેન્ડ ડાયરેક્ટ કનેક્ટિવિટી સસ્તા દરે ઓફર કરવા જઈ રહી છે. જે જુલાઈના અંતમાં સંચાલન શરૂ કરશે. જેનો સીધો ફાયદો ફરવાના શોખીનો ગુજ્જુઓને મળશે એમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું છે.

થાઈલેન્ડની આ લો-કોસ્ટ ફ્લાઈટ ભારતીય ફ્લાઈટને આકરી ટક્કર આપશે. હાલ, ઈન્ડિગો અને સ્પાઈસજેટ અમદાવાદથી થાઈલેન્ડની ડાયરેક્ટ ફ્લાઈટ સેવા આપે છે. થાઈ લાયન એર 30 જુલાઈથી અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડના ડોન મુઆંગ એરપોર્ટ વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે. સપ્તાહમાં મંગળવાર, ગુરૂવાર, શનિવાર અને રવિવાર એમ ચાર દિવસ ફ્લાઈટ ઉપલબ્ધ રહેશે.

ફ્લાઈટ ટાઈમિંગ

અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ રાત્રે 11.40 વાગ્યે ઉડ્ડયન કરશે, જે સવારના 5.25 વાગ્યે થાઈલેન્ડ પહોંચશે. ડોન મુઆંગ એરપોર્ટથી સવારે 8 વાગ્યે ઉડ્ડયન કરશે, તો રાત્રે 11.40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરશે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ગુજરાત ચેપ્ટર)ના ચેરમેન અને વર્લ્ડ ટ્રાવેલ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર રોનક શાહે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ માટે ખાસ કરીને અમદાવાદીઓ માટે વિદેશ પ્રવાસ માટે થાઈલેન્ડ હોટ ફેવરિટ સ્થળ છે. વેકેશનમાં ગુજરાતી પરિવારો અને નવ દંપત્તિઓ ફુકેટ, ક્રાબી સહિતના સ્થળોની અવારનવાર મુલાકાત લેતા હોય છે. થાઈ લાયન એરની સસ્તી ફ્લાઈટથી આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.


Google NewsGoogle News