અમદાવાદમાં AMTS બસ બની 'જીવલેણ' : મણિનગરમાં ટુ-વ્હીલર ચાલકને કચડ્યા, ઘટનાસ્થળે જ થયું મોત
Ahmedabad Accident : અમદાવાદની 'લાઈફલાઈન' ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો હવે સતત લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ શહેરમાં AMTS બસ જીવલેણ બનીને બેફામ દોડી રહી છે. ન તો તેના ડ્રાઈવરો પર લગામ લગાવવામાં આવી રહી છે અને ન તો તેના સંચાલન દ્વારા કડક નિયમો બનાવવામાં આવી રહ્યા. 19 એપ્રિલના રોજ અમદાવાદ શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા નજીક AMTS બસની અડફેટે ટુ-વ્હીલર ચાલકનું મોત નિપજ્યું હતું.
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા નજીક 52 વર્ષીય નવીન પટેલ પોતાના ટુ-વ્હીલર પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે ડાબી બાજુથી બેફામ આવતી AMTS બસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યા હતા. બસના આગળ અને પાછળના ટાયર ટુ-વ્હીલર ચાલક પર ફરી વળતા સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ઘરે ફાઈલ લેવા જઈ રહેલા નવીન પટેલનું અકસ્માતે મોત
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, 19 એપ્રિલ 2024ના રોજ સર્જાયેલા અકસ્માત બાદ AMTS બસનો ડ્રાઈવર ત્યાંથી બસ લઈને નાસી જાય છે. જોકે બાદમાં બસના ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો હતો. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. મૃતક નવીન પટેલ બહેરામપુરામાં લાકડાનો વ્યવસાય કરે છે અને ઘટનાના દિવસે તેઓ મિલ પર ગયા હતા અને બાદમાં એક ફાઈલ લેવા માટે પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા.
ગત મહિને AMTSએ કર્યા 27 અકસ્માત
AMTS દ્વારા ગત મહિને નાના-મોટા કુલ 27 અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં બે લોકોના મોત થયા છે. દૈનિક એક અકસ્માત ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી બસના ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાનગી ઓપરેટરોને ભરોસે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવવામાં આવી રહી છે.