જૂના વાડજમાં રાંધણ ગેસના બોટલ અડધા કરવાનું રેકેટ : એકની ધરપકડ
અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
જૂના વાડજમાં રાંધણ ગેસના બોટલ અડધા કરવાનું રેકેટ ઝડપી વાડજ પોલીસે મંગળવારે સાંજે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બે ખાલી, સાત ભરેલા અને બે સીલ તુટેલા ગેસના બોટલ મળી કુલ ૧૧ રાધણ ગેસના બોટલ, ગેસ રિફીલીંગ પાઈપ, વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે ગેસના ૧૧ બોટલ, ગેસ રિફીલીંગ પાઈપ, વજન કાંટો જપ્ત કર્યો
જૂના વાડજમાં નરસિંહનગરની ચાલી સામે આવેલા હરેશભાઈના પીઠા પાસેની ખુલ્લી જગ્યામાં રાંધણ ગેસના બોટલ અડધા કરવાની ગેરકાયદેસર કામગીરી ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ગેસના બોટલ અડધા કરતા શખ્સ ભરત બાબુભાઈ પરમાર (ઉં,૨૯) રહે, ગાધીવાસ નં-૨ જનપથ હોટલની બાજુમાં, સાબરમતીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ ભરત ભરેલા ગેસના બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ ભરવાનું કામ રિફીલીંગ પાઈપથી કરતો હતો. આ પાઈપ, રાંધણ ગેસના ૧૧ બોટલ, વજન કાંટો અને ઓટો રીક્ષા મળીને પોલીસે કુલ રૂ.૭૦,૯૪૦ની મત્તાનો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.