મોતકાંડ બાદ ખ્યાતિ ગ્રુપની એક પછી એક સંસ્થાઓ શંકાના દાયરામાં, લૉ કોલેજ બંધ કરી દેવાની ફરજ પડી હતી
Ahmedabad Khyati Hospital Controversy: નિર્દોષ દર્દીઓને જરૂર નહી હોવા છતાં ખોટી રીતે એન્જીઓપ્લાસ્ટી કરી બે ના મોત નીપજાવવાના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલી ખ્યાતિ હોસ્પિટલ તેની અલાયદી ખ્યાતિ યુનિવર્સિટી પણ ધરાવે છે અને અગાઉ તેની લૉ કોલેજ પણ હતી પરંતુ ત્યાં પણ તેના કારનામાઓના કારણે વિદ્યાર્થીઓની જોઇએ એવી સંખ્યા નહી મળી રહેતાં એક તબક્કે વર્ષ 2020-21માં ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ટીગ્રેટેડ લૉ(કોલેજ)ના શટર પાડી દેવા પડયા હતા, એટલે કે ખ્યાતિ લૉ કોલેજને તાળા વાગી ગયા હતા.
વિદ્યાર્થીઓની પ્રોવીઝનલ સનદ પણ અટવાઇ હતી
આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ખ્યાતિ લૉ કોલેજ બંધ થઇ જતાં આ વિદ્યાર્થીઓને નાછૂટકે ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર એક્સલેન્સમાં ટ્રાન્સફર કરવા પડયા હતા અને વિદ્યાર્થીઓને ત્યાંથી ગ્રેજયુએશન પૂરુ કરવાની ફરજ પડી હતી. જેમાં બિચારા વિદ્યાર્થીઓની પ્રોવીઝનલ સનદ પણ અટવાઇ હતી અને તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરવાની ફરજ પડી હતી.
ખ્યાતિ કોલેજ પાસે કોઇ માન્યતા હતી નહી
ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ટીગ્રેટેડ લૉ કોલેજ પાસે વર્ષ 2015-16 સુધી જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનું જોડાણ હતું એ પછી કોલેજ પાસે કોઇ માન્યતા હતી નહી. આખરે ખ્યાતિ લૉ કોલેજને સમ ખાવા પૂરતાય વિદ્યાર્થીઓ મળતા ન હતા, જેને પગલે વર્ષ 2020-21માં ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ટીગ્રેટેડ લૉ કોલેજના શટર પાડી દેવાની ફરજ પડી હતી.
સમગ્ર મામલૉ હાઈકોર્ટમાં ગયો હતો
વિદ્યાર્થીઓના આ કેસમાં જસ્ટિસ અનિરૂઘ્ધા માયીએ પણ તાજેતરમાં જ પોતાના હુકમમાં ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ટીગ્રેટેડ લૉ કોલેજબંધ થઇ ગઇ હોવાની વિદ્યાર્થીઓની રજૂઆતને ટાંકી હતી અને આખરે વિદ્યાર્થીઓના હિતમાં તેઓને પ્રોવીઝનલ સનદ પૂરી પાડવા માટે ગુજરાત બાર કાઉન્સીલને હુકમ કર્યો હતો કે જેથી વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં બેસી શકે.
આમ, ખ્યાતિ લૉ કોલેજ બંધ થઇ જતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને તો અસર પહોંચી જ હતી પરંતુ બાદમાં યુનિવર્સિટીના સેન્ટર ફોર એક્સલેન્સનો આશરો મળી જતાં તેમની કારકિર્દી સચવાઇ ગઇ હતી. ખ્યાતિ ગ્રુપની પોતાની અલાયદી યુનિવર્સિટી અને વિવિધ અભ્યાસક્રમોને લઇ જુદી જુદી કોલેજો અને સંસ્થાઓ પણ છે. પરંતુ ગઇકાલના નિર્દોષ દર્દીઓને ખોટી રીતે એન્જીઓપ્લાસ્ટી કરવાના અને બે દર્દીના મોત બાદ ખ્યાતિ ગ્રુપની એક પછી એક સંસ્થાઓ અને તેની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. ખાસ કરીને ખ્યાતિ ઇન્ટીગ્રેટેડ લૉ કોલેજ બંધ થઇ ગયા બાદ આ શંકા વઘુ બળવત્તર બને છે.