બજેટના અધુરા કામોના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટિ રુમમાં વિપક્ષનું હલ્લાબોલ છતાં ભાજપના સત્તાધીશો કંઈ કરી ન શકયા
સ્ટેન્ડિંગ કમિટિ હોલમાં સ્ટીકરો ચોંટાડાયા, પોલીસ,બાઉન્સર મૂકપ્રેક્ષકબની જોઈ રહયા
અમદાવાદ,ગુરુવાર,18 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં કરાયેલી જાહેરાતો
અને અધુરા કામના મુદ્દે વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટિ રુમમાં સૂત્રોચ્ચાર કરવાની સાથે
હલ્લાબોલ કર્યુ હતુ.સ્ટેન્ડિંગ કમિટિ રુમના સમગ્ર હોલમાં બજેટના બાકી કામને લગતા
સ્ટીકરો ચોંટાડી દેવાયા હતા.હોલ બહાર પોલીસ અને બાઉન્સર સહિતનો સીકયુરીટી સ્ટાફ
મોટી સંખ્યામાં હોવાછતાં તમામ મૂકપ્રેક્ષક બની તમાશો જોઈ રહયા હતા.ભાજપના
હોદ્દેદારો પણ વિપક્ષના હલ્લાબોલ સામે કંઈ કરી
શકયા નહોતા.આ ઘટના મામલે તંત્ર તરફથી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરુ કરાઈ
હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળે એ પહેલા વિપક્ષનેતા
શહેજાદખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો સ્ટેન્ડિંગ
કમિટિની બેઠક જયાં મળે છે એ હોલમાં દાખલ થઈ ગયા હતા.જયાં સમગ્ર હોલમાં સત્તાધારી
પક્ષ તરફથી ત્રણ વર્ષ દરમિયાન મંજુર કરવામાં આવેલા અંદાજપત્રમાં મંજુર કરવામાં
આવેલા વિકાસકામ પૈકી મોટાભાગના કાગળ ઉપર રહયા હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર
કર્યા હતા.આજ સમયે ભાજપના હોદ્દેદારો નજીકમાં આવેલી મેયરની કચેરીમાં સ્ટેન્ડિંગ
કમિટિ અગાઉ મળતી પક્ષની એજન્ડા મિટીંગમાં વ્યસ્ત હતા.કચેરીની બહાર ૪૫ મિનીટ સુધી
વિપક્ષ તરફથી સૂત્રોચ્ચાર કરાયો.સ્ટેન્ડિંગ કમિટિ હોલમાં સત્તાધારી પક્ષ વિરોધમાં
સ્ટીકરો લગાવાયા આમ છતાં એકપણ હોદ્દેદારે પોલીસ કે સીકયુરીટીને વિપક્ષના
કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટિરુમની બહાર કાઢવાની સુચના આપી નહોતી.વિપક્ષના
કોર્પોરેટરો બહાર નીકળ્યા બાદ સ્ટીકર લગાવેલા હોલમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
મળી હતી.