અમદાવાદની એક કંપનીના ગ્રાહક પોર્ટલ પર અજાણ્યા શખ્સે બિભત્સ ગાળો લખીને ડેટા બેઝ સાથે છેડછાડ કરી
કંપનીના મેનેજરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કંપનીના ડેટા સાથે છેડછાડ કરવા અંગે ફરિયાદ નોંધાવી
અમદાવાદઃ શહેરમાં સાયબર ક્રાઈમને લગતાં અનેક પ્રકારના ગુનાઓ સામે આવી રહ્યાં છે. શહેરમાં એક કંપનીના ગ્રાહક પોર્ટલ પર અજાણ્યા શખ્સે બિભત્સ શબ્દોનો પ્રયોગ કરીને ડેટા સાથે છેડછાડ કરી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. કંપનીના મેનેજરે આ અંગેની જાણ થતાં જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કંપનીના ડેટા સાથે છેડછાડ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોર્ટલ પર ગેરકાયદેસર કામગીરી થઈ હોવાનું ધ્યાને આવ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના શાહિબાગ વિસ્તારમાં રહેતા વિહાર દાણી રાયસન બેલ. પ્રા.લિ નામની કંપનીમાં એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપની વિશ્વમાં સોફ્ટવેર સોલ્યુશન અને અન્ય સર્વિસ પુરી પાડે છે. જો કોઈ સમસ્યા આવે તો તેનો નિકાલ કરવાનું પણ કામ કરે છે. ગત 25મી મેના રોજ કંપનીમાં કામ કરતાં અમિત ભટ્ટ નામના કર્મચારી ગ્રાહક પોર્ટલ પર કામ કરી રહ્યાં હગતાં. આ દરમિયાન પોર્ટલ પર ગેરકાયદેસર કામગીરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે મેનેજમેન્ટને જાણ કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અમિત ભટ્ટની જાણકારીને લઈને મેનેજમેન્ટ ટીમે તપાસ કરતાં કંપનીની વેબસાઈટના ડેટાબેઝમાં બિભત્સ શબ્દો લખાયા હતાં તેમજ ડેટાબેઝ સાથે છેડછાડ કરીને તેને બદલી નાંખવામાં આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે કંપનીના વેબસાઈટના ડેટામાં ગેરકાયદેસર રીતે છેડછાડ કરી હોવાથી કંપનીના એચઆર મેનેજર વિહાણ દાણીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.