ગુજરાત વિધાનસભામાં સરેરાશ 26 દિવસ જ થાય છે કામ, બિહાર-ઓડિશા કરતાં પણ પાછળ
Gujarat Budget Session: ઓફિસમાં કામના કલાકો કેટલા હોવા જોઈએ તેને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા અને મહિને 78800 રૂપિયાના બેઝિક પગાર સહિત અન્ય ભથ્થાં સહિતની સવલતો મેળવતા ધારાસભ્યોની વાત કરવામાં આવે તો વિધાનસભામાં તેમના કામના કલાક ખૂબ જ ઓછા હોય છે. 15મી વિધાનસભામાં અત્યારસુધી ચાર સત્રમાં સરેરાશ 61 કલાક કામકાજના રહ્યા છે. વિધાનસભામાં એક વર્ષમાં સૌથી વધુ બેઠક યોજાતી હોય તો તેમાં ગુજરાતના ટોચના 10 રાજ્યોમાં પણ નથી.
આગામી સત્ર 19મી ફેબ્રુઆરીથી 28 માર્ચ દરમિયાન યોજાશે
ગુજરાતની વિધાનસભાનું આગામી સત્ર 19મી ફેબ્રુઆરીથી 28 માર્ચ દરમિયાન યોજાશે. જેમાં ગુજરાતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવશે. 15મી વિધાનસભાનું છેલ્લું સત્ર 21મી ઓગસ્ટ 2024થી 23મી ઓગસ્ટ 2024 દરમિયાન યોજાયું હતું. આ સિવાય વર્ષ 2024માં એકમાત્ર સત્ર 1થી 29 ફેબ્રુઆરી દરમિયાન યોજાયું હતું. આમ, વર્ષ 2024 માત્ર બે સત્ર યોજાયા હતા. જેમાં ત્રીજા સત્રમાં 29.1 જ્યારે ચોથા સત્રમાં 96.6 કલાક કામકાજ થયું હતું.
પીઆરએસ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગત અનુસાર, વર્ષ 2017થી વર્ષ 2023 દરમિયાન દેશની જે વિધાનસભામાં વર્ષના સૌથી વધુ દિવસ કામકાજ થયા છે તેમાં કેરળ 44 દિવસ સાથે મોખરે, ઓડિશા 40 દિવસ સાથે બીજા, કર્ણાટક 40 દિવસ સાથે ત્રીજા સ્થાને છે. દેશના પૂર્વ જસ્ટિસ એમ.એન. વેંકટચલૈયાના વડપણ હેઠળના બંધારણ સમીક્ષા આયોગે વર્ષ 2002માં આપેલા રિપોર્ટમાં એવી ભલામણ કરી હતી કે નાના રાજ્યોમાં વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ અને મોટા રાજ્યોમાં 90 દિવસ બેઠક થવી જોઈએ.
આ પણ વાંચો: ...તો તમે ખુશ નહીં રહો શકો: અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી
આ જ રીતે રાજ્યસભામાં વર્ષમાં ઓછામાં ઓછા 100 અને લોકસભામાં ઓછામાં ઓછી 120 બેઠકની ભલામણ કરાઈ હતી. જાણકારોના મતે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવું તે ઓછી બેઠક માટેનું મુખ્ય કારણ છે. સત્તાપક્ષ પાસે બહુમતીથી વધારે બેઠક હોવાથી તેમના ધારાસભ્યોને બિલ માટે ઓછો રસ હોય છે અને તેઓ જનતાના પ્રશ્નને રજૂ કરવામાં ખાસ રસ પણ ધરાવતા હોતા નથી.
ગુજરાતના ધારાસભ્યોની સેલેરી સ્લિપ
•મહિનાનો પગાર 78800 રૂપિયા મળે છે.
•દર મહિને મોંઘવારી ભથ્થું.
•ટેલિફોન બિલના 7000 રૂપિયા, પોસ્ટલ-સ્ટેશનરી ચાર્જના 5000 રૂપિયા, પર્સનલ આસિસ્ટન્ટના 20,000 રૂપિયા.
•સત્ર ચાલુહોય તો દૈનિક ભથ્થુ 1000 રૂપિયા.
•પેટ્રોલ કાર માટે પ્રતિ કિમી 11 રૂપિયા, ડિઝલ કાર માટે પ્રતિ કિમી 10 રૂપિયા, સીએનજી કાર માટે પ્રતિ કિમી 6 રૂપિયા, ટુ વ્હિલર માટે પ્રતિ કિમી 2.50 રૂપિયાનું ભથ્થું મળે છે.
•રેલવે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસમાં પત્ની કે પરિવારના સદસ્ય સાથે વર્ષના 10 હજાર કિમી મફત મુસાફરી.
•એસટીમાં પરિવારના બે સદસ્યો સાથે મફત મુસાફરી.
•વર્ષમાં ત્રણ વખત પરિવારના એક સદસ્ય સાથે મફત આવવા-જવાની હવાઇ મુસાફરી.