ઓલિમ્પિક-2036: નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસનો ખર્ચ વધીને 761 કરોડથી પણ વધી જશે, ટૂંક સમયમાં લોકાર્પણની સંભાવના
Naranpura Sports Complex : અમદાવાદના નારણપુરા વોર્ડમાં આવેલા વરદાન ટાવરની પાછળના ભાગમાં નવી ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમ-29માં ઓલિમ્પિક-2036ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેકસનો ખર્ચ વધીને રુપિયા 761 કરોડથી પણ વધી જશે. આ સ્પોર્ટસ કોમ્પલેકસ માટે કોન્ટ્રાકટર પીએસપી પ્રોજેકટસ લિમિટેડનું રુપિયા 631.77 કરોડના અંદાજની મંજૂરી મેળવવામાં આવી હતી.29 મે-2022ના રોજ ખાત મૂહુર્ત કરાયેલા આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેકસની 95 ટકા કામગીરી પુરી કરી લેવામા આવી છે. ટૂંક સમયમાં લોકાર્પણ થાય એવી સંભાવના છે.
નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસ માટે પ્લાનિંગ અને ડિઝાઈન કરીને બિલ્ટઅપ એરિયા મુજબ રુપિયા 593.99 કરોડનો એસ્ટીમેટ રજૂ કરવામાં આવતા કેન્દ્ર સરકારના મિનીસ્ટર ઓફ યુથ,અફેર્સ અને સ્પોર્ટસ દ્વારા રુપિયા 583.99 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતુ.આ રકમમા વધારો કરવામાં આવી રહયો છે. તમામ રકમનું ચૂકવણું કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવશે.
આ પ્રોજેકટ અંગે બજેટ મંજૂર કરવામાં આવ્યા પછી કુલ પ્લોટ એરિયા 72,500 ચોરસમીટરથી વધીને 82,507 ચોરસ મીટર થતા બિલ્ટઅપ એરિયામા પણ વધારો થયો હતો.પ્લાનિંગ અને ડિઝાઈનમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વખતોવખતના સુચન મુજબ ફેરફાર કરવા સાથે સુવિધામા વધારો કરવામાં આવ્યો છે. નવા ઉપલબ્ધ થયેલા પ્લોટ મુજબ આર્કિટેકટ દ્વારા 1.15 લાખ ચોરસમીટર મુજબ ડિઝાઈન કરવામાં આવ્યુ છે.
આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેકસને છ ભાગમાં વહેંચી નંખાયો
નારણપુરામાં બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેકસને છ ભાગમાં વહેંચી નાંખવામાં આવ્યો છે.આ કોમ્પલેકસમાં અતિઆધુનિક સુવિધા સાથે વિવિધ પ્રકારની રમતનો આયોજન કરી શકાય એ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
(1) એકવાટીક કોમ્પલેકસ-ઈન્ટરનેશનલ સ્વિમિંગ ફેડરેશનના નોમર્સ મુજબ બનાવવામા આવેલા સ્વિમિંગપુલમાં આર્ટીસ્ટીક તથા વોટરપોલો તરીકે વપરાશમાં લઈ શકાશે.બ્લોકમાં 1500 પ્રેક્ષકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
(2) સેન્ટર ફોર સ્પોર્ટસ એકસલન્સ-બે મુખ્ય હોલ કે જેમાં બે બાસ્કેટ બોલ, બે વોલીબોલ કોર્ટ અથવા આઠ બેડમીન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઈ શકશે.આ સેન્ટરના મલ્ટી સ્પોર્ટસ હોલમાં બે ટેકવોન્ડો કોર્ટ અથવા બે કબડ્ડી કોર્ટ, બે રેસલીંગ અથવા 12 ટેબલટેનિસની મેચનું આયોજન થઈ શકશે. આ સેન્ટરમાં ખેલાડીઓ માટે લોન્જ, એક સ્પોર્ટસ અને સાયન્સ ફીટનેસ સેન્ટર,ચેઈન્જ રૂમ, કોચ માટેના આઠ ડબલરૂમ ઉપરાંત ખેલાડીઓ માટે 100 ટ્રીપલ બેડરૂમ સાથે 150 કોર્પોરેટસ માટેના ડાઈનીંગ હોલનો સમાવેશ કરાયો છે.
(3) ઈન્ડોર મલ્ટિ સ્પોર્ટસ અરેના-16 બેડમીન્ટન કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમનેસ્ટીક મેટ,કબડ્ડી,કુસ્તી સહીતની મલ્ટી પરપઝ હોલની સુવિધા કરવામાંં આવી છે.એક સાથે 5200 પ્રેક્ષકો બેસીને મેચ નિહાળી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે.મીડીયારૂમ,કોલરૂમ, સ્પોર્ટસ ફેડરેશન માટેના રૂમ સહીતની અન્ય વ્યવસ્થા કરવામાંં આવી છે.
(4) કોમ્યુનિટી સ્પોર્ટસ સેન્ટર-6 બેડમીન્ટન કોર્ટ, 6 ટેબલટેનિસ કોર્ટ, 6 કેરમ ટેબલ,9 ચેસ,10 સ્નૂકર અને બિલીયર્ડના ટેબલનો સમાવેશ કરી મલ્ટી પરપઝ હોલ બનાવવામાં આવનાર છે. 6 સ્કવોશ કોર્ટ તથા ઈન્ડોર શૂટીંગ માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે.કેફેટેરીયા,જીમ, એરેબીકસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
(5) ફીટ ઈન્ડિયા ઝોન-સિનીયર સીટીઝન માટે સીટીંગ યોગાલોન સાથે,પ્લાઝા કમ સ્કેટીંગ રીંક,કબડ્ડી,ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન,જીમ અને જોગીંગ ટ્રેકનો સમાવેશ કરાયો છે.
(6) આઉટડોર સ્પોર્ટસ-6 ટેનિસ કોર્ટ, એક બાસ્કેટબોલ, એક વોલીબોલ કોર્ટ ઉપરાંત 800 ટુ વ્હીલર અને 850 ફોર વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.