ગુજરાતીઓની કમાણી હવે ગુજરાતમાં સમાણી, ગિફ્ટ સિટીમાં ઓફિસ-મકાનના ભાવ હવે આસમાને જશે
ગુજરાતીઓને શનિ-રવિમાં હવે આબુ, દિવ, ગોવા સુધી લાંબા નહીં થવું પડે
અમદાવાદ, શનિવાર
ગાંધીનગર ખાતેના 'ગિફ્ટ સિટી'ના કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ, તેમજ અધિકૃત રીતે આવતા મુલાકાતીઓને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણય સાથે જ ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસો અને તેની આસપાસની જમીનના ભાવ ઉંચકાશે.
ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવા માટે લોકોનો તડાકો બોલાય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી
ગિફ્ટ સિટી સરકારનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. હવે ત્યાં પરમિટધારકોને દારૂ પીવાની છૂટ આપવામાં આવતાં ગિફ્ટ સિટીમાં ઓફિસ તેની આસપાસ જમીન ખરીદવા માટે લોકોનો તડાકો બોલાય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. સરકાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ગિફ્ટ સિટીની આસપાસની જમીનના ભાવ જાણવા માટેની પૂછપરછ રોકાણકારો દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.
નિર્ણયને લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે
આ નિર્ણયને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. જે પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતીઓને અત્યારસુધી વિકેન્ડ્સ-રજાઓમાં દારૂ પીવા માટે રાજસ્થાન-ગોવા સુધી લાંબા થવું પડતું હતું. પરંતુ હવે ગિફ્ટ સિટીમાં જ પરમિટધારકોને દારૂ મળી રહેશે. જેના કારણે તેમને 'પાર્ટી' માટે ગુજરાતની સરહદ ઓળંગવી નહીં પડે. સોશિયલ મીડિયામાં એવી પણ કોમેન્ટ વાયરલ થઇ હતી કે, 'ગિફ્ટ સિટી તો સિર્ફ ઝાંકી હૈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી-ડાયમન્ડ બુરોસ-વ્હાઇટ રણ અભી બાકી હૈ.'