OFFBEAT : દિલ્હીના આશીર્વાદથી ગાયોની જમીન હજી શ્રીસરકાર થઈ નથી, પૂર્વ ક્રિકેટરના બંગલા પર ભાજપના નેતાઓનો ડોળો

સાંસદ ધડૂકને સોશિયલ મીડિયાનું વળગણ, લોકો ટ્રોલ કરી રહ્યા છે

'બિન ફેરે હમ તેરે' : લગ્નની નોંધણીનું રાજ્યવ્યાપી કૌભાંડ : મોટામાથાઓની સંડોવણી

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
OFFBEAT : દિલ્હીના આશીર્વાદથી ગાયોની જમીન હજી શ્રીસરકાર થઈ નથી, પૂર્વ ક્રિકેટરના બંગલા પર ભાજપના નેતાઓનો ડોળો 1 - image


OFFBEAT : ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત.... આવી તમામ મોટી ખબરો દર સોમવારે 'ઑફબિટ'માં વાંચો.

1. ગુજરાતમાં 'નકલી'ના ખેલ : પહેલાં 'બન્ટી' પકડાતા, હવે 'બબલી' પકડાઇ

પીએમઓ અને સીએમઓના નકલી ઓફિસરો બનીને ફરતા લે ભાગુઓ પછી હવે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર સામે આવ્યા છે. આ નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલે તો સરકારના અધિકારીઓને ચક્કર લાવી દીધાં છે. સુરતના માંડવીમાં નકલી અધિકારી હોવાની ઓળખ આપી નેહા પટેલે લાખો રૂપિયાની ઠગાઇ કરી છે. પહેલાં બન્ટી પકડાતા હતા અને બબલી સામે આવી છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં જમીન સંપાદનનું કામ કરતી હોવાનું કહીને સરકારી કામોના ટેન્ડરોમાં રોકાણ કરવાના નામે તેણે ખેડતો સાથે છેતરપીંડી કરી છે. રામુ ચૌધરી નામના ખેડૂતે તેણીની વાતમાં આવીને 22.88 લાખ રૂપિયા આપ્યાં હતા. આ નકલી લેડીએ થોડાં સમય પહેલાં સુરતના એક બિલ્ડર પાસેથી જમીન અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા છે. તેણીએ ડેડીયાપાડામાં ડીવાયએસપીનો સ્વાંગ રચી સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા ઉઘરાવ્યા છે.

2.દિલ્હીની મિલિભગત : ગાયોની જમીન હજી સુધી શ્રીસરકાર થઈ નથી

મુલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડમાં સરકારે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. સીટ દ્વારા તપાસ કરાઈ રહી છે પણ ગોકળગાય ગતીએ. લોકોમાં ચર્ચા છે કે, ગાયોના અધિકારની કરોડોની જમીન ખાઈ ગયેલા મોટામાથાઓને બચાવવા માટે તપાસ ધીમી કરવામાં આવી છે અથવા તો તપાસ ઉપર ઠંડુ પાણી રેડીને માત્ર સમય પસાર કરાઈ રહ્યો છે. લોકોમાં ગણગણાટ છે કે, સત્તાધારીઓ માત્ર હિંદુત્વની, રામની અને ગાયોની વાતો કરે છે. આ બધા પૂજ્ય નહીં પણ સત્તા સાધવા માટેના સાધનો બની ગયા છે. દિલ્હીની મિલિભગતને પરિણામે જ હજી તપાસ આગળ વધતી નથી. મહત્ત્વની વાત એ છે કે, આટલો સમય ગયો છતાં સરકાર આ જમીન શ્રીસરકાર કરતી નથી કે આરોપીઓને પણ પકડતી નથી. કથિત કૌભાંડીઓની નાણાકોથળી ખુલ્લી છે એટલે બધું જ ધીમે ધીમે ચાલી રહ્યું છે.

3. સાંસદ ધડૂકને સોશિયલ મીડિયાનું વળગણ, લોકો ટ્રોલ કરી રહ્યા છે

પ્રથમવાર જ સાંસદ બનેલા રમેશ ધડુકને સોશિયલ મીડિયાનું જબરજસ્ત વળગણ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં હવે પોતાની ટિકટ મળવાની શક્યાતાઓ ઓછી છે તેવું લાગ્યા બાદ તેઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી દીધો છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના ફેસબુક પેજ પર જાતજાતના ફોટા અને વીડિયો મુકી રહ્યા છે. પોતે સરકારમાં કોઈ રજૂઆત કરી હોય તો તેની કોપી પણ મુકી દે છે. નેતા, અભિનેતા અને સામાન્ય લોકો સાથે મુલાકાતના પણ ફોટો અને વીડિયો સતત મુક્યા કરે છે. તાજેતરમાં તેઓ શ્રાધ્ધપક્ષમા કોઈ સંબંધીની ઘરે જમવા ગયા હતા તો તેમના ફોટા પણ મુકી દીધા હતા. તેમનું સોશિયલ મીડિયાનું વળગણ જોઈને લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહે છે કે, સાંસદ દર કલાકે પોસ્ટ મુકવાથી કોઈ ફેર પડવાનો નથી. રાજાને તમારામાં રસ નથી અને પ્રજા તમને પારખી ગઈ છે.

OFFBEAT : દિલ્હીના આશીર્વાદથી ગાયોની જમીન હજી શ્રીસરકાર થઈ નથી, પૂર્વ ક્રિકેટરના બંગલા પર ભાજપના નેતાઓનો ડોળો 2 - image

4. 'બિન ફેરે હમ તેરે' : લગ્ન નોંધણીનું રાજ્યવ્યાપી રેકેટ...

ગુજરાતમાં ખોટી લગ્ન નોંધણીનું રેકેટ ચાલે છે પરંતુ સરકારને તેની ખબર સુદ્ધાં નથી. તાજેતરમાં સરદાર પટેલ ગુ્રપના વડા લાલજી પટેલે આણંદ, અમરેલી, બનાસકાંઠા, અમરેલી અને ખેડામાં 4130 લગ્ન ખોટાં નોંધાયા હોવાની વિગતો જાહેર કરી છે. કેટલાક કિસ્સામાં લગ્ન વિધિ પણ થઇ નહીં હોવા છતાં પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. ગયા વરસે આણંદ જિલ્લાના 1500ની વસતી ધરાવતા રેલા ગામના તલાટી અરવિંદ મકવાણાએ 1470 સર્ટિફિકેટ ઈશ્યૂ કર્યાં હોવાનો ભાંડો ફૂટયો ત્યારે જ આ કૌભાંડ તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. આ તો માત્ર પાંચ જિલ્લાના આંકડા આપ્યાં છે પરંતુ આખું કૌભાંડ રાજ્યવ્યાપી છે અને તેમાં કેટલાક તત્વોના મલિન ઇરાદા છે. તેમના આ દાવા બાદ રાજકીય ચર્ચાઓ પણ ચાલી છે કે, ખરેખર આ કૌભાંડ આટલું મોટું હોય તો સરકારે તાકીદે તેને કાબુ કરવું જોઈએ. આમ તો અધિકારીઓ અને મોટા માથાઓની સાંઠગાંઠ વગર કશું જ શક્ય બનતું નથી. આટલા મોટા સ્તરે લગ્નની ખોટી નોંધણી થઈ રહી છે તે પણ આયોજનબદ્ધ કૌભાંડ જ હશે. 

OFFBEAT : દિલ્હીના આશીર્વાદથી ગાયોની જમીન હજી શ્રીસરકાર થઈ નથી, પૂર્વ ક્રિકેટરના બંગલા પર ભાજપના નેતાઓનો ડોળો 3 - image

5. પૂર્વમંત્રી વસાવાના ખાસ રાકેશસિંહને ભીંસમાં લેવા પાછળ પણ રાજકીય ગણીત

થોડો સમય પહેલા ભાજપના નેતાઓને બદનામ કરવા માટે પત્રિકાયુધ્ધ થયું હતું. જેમાં પૂર્વમંત્રી ગણપત વસાવાની સંડોવણી બહાર આવી હતી. ત્યાર બાદ એવી ચર્ચા હતી કે વસાવાએ પક્ષની તેમજ પાટિલની માફી માગી લીધી હતી. હવે ગણપત વસાવાના ખાસ નજીકના ગણાતા રાકેશસિંહ સોલંકી તરસાડી દૂધ ઉત્પાદક મંડળીમાં 68 લાખની ઉચાપતમાં ઝડપાઈ ગયા છે. પોલીસે કેસ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા. પણ કહેવાય છે કે, વસાવાએ વગ વાપરીને તેમને માત્ર 2 દિવસના રિમાન્ડ મળે એવી વ્યવસ્થા ગોઠવી હતી. આ ઘટના બાદ ભાજપના જૂના જોગીઓ ભેગા થયા છે અને વસાવાનું નાક દબાવવા એક થયા છે. રાકેશસિંહના નામે વસાવાને ભીંસમાં લેવાના સોગઠા ગોઠવાઈ રહ્યા છે.

6. અંબાજીના પ્રસાદનો કોન્ટ્રાક્ટ, ચોરના ભાઇ ઘંટીચોર...

ગુજરાતના પવિત્ર યાત્રાધામોનો વહીવટ ધીમે ધીમે સરકાર તેના તાબામાં લેવા માગે છે, કેમ કે મનપસંદ અને પ્રિતિપાત્ર એજન્સીને પ્રસાદનો કોન્ટ્રાક્ટ આપી શકાય. હકીકતમાં આ તો ધાર્મિક જનતા સાથે છેતરપીંડી સમાન બાબત છે. ભક્તોની આસ્થા સાથે ચેડાં થઇ રહ્યાં છે. ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવાના કિસ્સામાં સરકારે મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટેડ કરી દીધી છે પરંતુ તેની અવેજીમાં પ્રસાદનો કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે તે અક્ષયપાત્રનો ભૂતકાળ પણ સારો રહ્યો નથી. આ મંદિરમાં 2012માં વિના ટેન્ડરે પ્રસાદનો કોન્ટ્રાક્ટ લઇને આ કંપનીએ દૂધની જગ્યાએ દૂધનો પાઉડર વાપરીને ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યાં છે. કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાન્તિભાઇ ખરાડીએ એવો આક્ષેપ કર્યો હતો કે સરકારે ચોરને દૂર કર્યો અને તેનાથી સવાયા ચોરને પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. ખરેખર પ્રસાદના કોન્ટ્રાક્ટમાં કોને મલાઈ ખાવી છે અને કોની ભાગબટાઈ છે તે સમજવું હવે મુશ્કેલ બની રહ્યું છે. 

OFFBEAT : દિલ્હીના આશીર્વાદથી ગાયોની જમીન હજી શ્રીસરકાર થઈ નથી, પૂર્વ ક્રિકેટરના બંગલા પર ભાજપના નેતાઓનો ડોળો 4 - image

7. હજારેના બંગલા પર ભાજપના ક્યા બિલ્ડરનો ડોળો ? 

ક્રિકેટર વિજય હજારે વડોદરામાં જે ચિત્રકૂટ બંગલામાં રહેતા હતા એ બંગલાને રાજ્ય સરકાર તોડી પાડવા માગે છે એવી વાતો વચ્ચે વિજય હજારેના પુત્ર રણજીત હજારેએ પીએમને પત્ર લખીને બંગલાનું ડીમોલિશન રોકીને તેને હેરિટેજ સાઈટ જાહેર કરીને ક્રિકેટ મ્યુઝીયમમાં ફેરવવા વિનંતી કરી છે. આ જ માગ સાથે વડોદરાના એક ટ્રસ્ટે હાઈકોર્ટમાં સ્ટે પણ માંગ્યો હતો પણ સ્ટે મળ્યો નથી. ચિત્રકૂટ બંગલો 1978માં રાજ્ય સરકારને વેચી દેવાયો હતો. આ બંગલાનો ચેરિટી કમિશ્નરની ઓફિસ તરીકે થતો હતો પણ પછી સરકારે બંગલાનો ઉપયોગ બંધ કર્યો. ગયા વરસે બંગલો તોડી પાડવા કાયદા વિભાગે મંજૂરી આપી પછી બંગલાને બચાવવા સ્થાનિક સંગઠનો સક્રિય થયાં છે. તેમનું કહેવું છે કે, ભાજપના માનીતા એક બિલ્ડરનો ડોળો વરસોથી બંગલા પર છે. તેમને ફાયદો કરાવવા ડીમોલિશન કરાવાઈ રહ્યું છે. 

8. શિક્ષણમંત્રી-ગૃહરાજ્ય મંત્રીની ઓફિસમાં ફાઈલોનો ઢગલો, નિકાલ થતો નથી

રાજ્ય સરકારમાં રહેલા અમુક મંત્રીઓ હજુ પણ નવા નિશાળીયા જેવુ વર્તન કરી રહ્યા છે. આવા મંત્રીઓને પોતાના વિભાગના સચિવો સાથે કે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન થઈ શકતુ નથી. જેને કારણે તેમને ત્યાં વિવિધ પ્રકારની ફાઈલોનો ભરાવો થઈ રહ્યો છે. હાલમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ  સંઘવીની ઓફિસમાં આવી ફાઈલોનો ભરાવો થઈ ગયો છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ આ મંત્રીઓ દરેક ફાઈલને ખુબ જ ઝીણવટથી જોઈ રહ્યા હોવાથી વધુ સમય નિકળી જાય છે. વાસ્તવિકતા એ છે કે, આ મંત્રીઓ પાસે આવડત અને અનુભવનો સદંતર અભાવ છે. તેમની અણઆવડતને તેઓ વિચારવિમર્શા વાઘા પહેરાવાની પ્રજાનું કામ ખોરંભે ચડાવી રહ્યા છે. આ નેતાઓ અને મંત્રીઓ માત્ર ઉદઘાટનો અને ઉત્સવોમાં જ વ્યસ્ત છે. વિકાસ તો તેમના માટે માત્ર પોસ્ટર પૂરતો જ મર્યાદિત છે.

OFFBEAT : દિલ્હીના આશીર્વાદથી ગાયોની જમીન હજી શ્રીસરકાર થઈ નથી, પૂર્વ ક્રિકેટરના બંગલા પર ભાજપના નેતાઓનો ડોળો 5 - image


Google NewsGoogle News