OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો

મેદાન વિનાની રમત : આવું તો ગુજરાત જ કરી શકે!

ગ્રાન્ટ મળી 10 કરોડની પણ કામ થયાં માત્ર 4 કરોડના

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News


OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો 1 - image

ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના અંદરની વાત.... આવી તમામ મોટી ખબરો દર સોમવારે 'ઑફબિટ'માં વાંચો.

1. જ્યાં પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, 'બંધી' માત્ર કાગળ પર

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર છે. કાયદાના રક્ષકો હવે બુટલેગરોને રક્ષણ આપે છે. તાજેતરમાં અમરેલીના એક પોલીસ કર્મચારી અને બુટલેગર વચ્ચેની વાતચીતની ઓડિટો ક્લિપ વાયરલ થઇ છે, જેમાં પોલીસ કર્મચારી દારૂ વેચવા માટે બુટલેગર પાસે મહિને 20,000 રૂપિયાનો હપ્તો માગે છે. આ ક્લિપ સાંભળીને જિલ્લા એસપીએ તે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે. વાત એવી છે કે, અહીં તો વાડ જ ચિભડાં ગળી રહી છે. સૂત્રોમાં ગણગણાટ છે કે, આ તો નાના કર્મચારીના હપ્તાની વાત સામે આવી પરંતુ આંતરરાજ્ય સરહદ પર કરોડો રૂપિયા ખર્ચીને પોસ્ટીંગ લેનારા આઇપીએસ અધિકારીઓ કેટલી રકમનો તોડ કરતા હશે તે આંકડો જોઇને તો આંખો પહોળી થઇ જાય. આવા અધિકારીઓ મહિનામાં પાંચ થી સાત કરોડની રકમ એકત્ર કરી લેતા હોવાનું પણ ચર્ચામાં છે.

OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો 2 - image

2. નળમાંથી પાણી નહીં, કમિશનના રૂપિયા નીકળે છે

ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ કરપ્શન મોડલ બની રહ્યું છે. ભ્રષ્ટાચાર મુદ્દે તે હવે દક્ષિણના રાજ્યો જોડે સ્પર્ધા કરી રહ્યું છે. તાજેતરમાં જ તેનો એક કિસ્સો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારની મહત્વની નલ જે જલ યોજનાને ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અખાડો બનાવી દેવામાં આવી છે. પાઇપો, પેવર બ્લોક, પંપિંગ મશીન, નળ અને અન્ય મટીરિયલ્સની ખરીદીમાં મોટા ગોટાળા થયાં છે. રાજ્યના પંચમહાલ અને દાહોદ એમ બે આદિવાસી જિલ્લામાંથી આ કૌભાંડ પકડાયું છે. જો તપાસ કરવામાં આવે તો અન્ય જિલ્લાઓમાં પણ ગોટાળા સામે આવે તેમ છે. કેટલીક જગ્યાએ વીજપુરવઠાના અભાવે પાણી મળતું નથી. તકલાદી પાઇપલાઇન તૂટી જતાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બે જિલ્લામાં ૩૦ ફરિયાદો સામે વિભાગે માત્ર એક અધિકારીને ફરજમોકુફી પર ઉતાર્યા છે પરંતુ બીજી કોઇ કાર્યવાહી થઇ નથી. સરકાર શાખ બચાવવા આ દિશામાં તપાસ કરતી નથી એમ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે. નળમાંથી પાણી નહીં કમીશનના રૂપિયાનો ધોધ વહે છે. 

3. ગ્રાન્ટ મળી 10 કરોડની પણ કામ થયાં માત્ર 4 કરોડના

ગુજરાતમાં જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓથી ખદબદી રહી હોવાનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પૂર્વ કલેક્ટર નરેન્દ્ર મીણા સામે ગેરરીતિની ફરિયાદ કરી છે. તેમના કહેવા પ્રમાણે ખાણ અને ખનીજ વિભાગની સરકારી ગ્રાન્ટનો સદઉપયોગ થયો નથી. 10 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર ચાર કરોડના કામો થયાં છે. એ ઉપરાંત આરઓ પ્લાન્ટ, રમત-ગમતના સાધનો અને CCTV નાંખવામાં ગોટાળા થયાં છે. સ્માર્ટ ક્લાસના નામે કટકી થઇ છે. વિવિધ એજન્સીઓ પાસેથી કમિશન પડાવાયા છે. સરકાર અને તંત્ર આ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હવે અપક્ષ ધારાસભ્યએ કોર્ટના દરવાજા ખખડાવવાની ચિમકી ઉચ્ચારી છે.

  OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો 3 - image

4. ગુજરાતના મોટા જળાશયોની ક્ષમતા ઘટી રહી છે

ગુજરાતના 60 જેટલા મોટા જળાશયોની પાણી ક્ષમતામાં ચોંકાવનારો ઘટાડો થયો હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે છતાં રાજ્ય સરકારની આંખ ઉઘડતી નથી. આ જળાશયોની ક્ષમતા 16768 મિલિયન ક્યુબિક મીટર છે પરંતુ તેમાં એકઠા થયેલા કાંપને કારણે જળક્ષમતામાં 14.31 ટકાનો ઘટાડો નોંધાયો છે. કાંપના કારણે જળાશયોની ક્ષમતા 2400 મિલિયન ક્યુબિક મીટર ઘટી ગઇ છે. મહત્વનું છે કે નર્મદા જળાશયમાં એકત્ર થયેલા કાંપ અંગે કોઇ અધિકૃત ડેટા સામે આવ્યો નથી પરંતુ તજજ્ઞાોના મતે નર્મદા જળાશયમાં પસાર થયેલા ૬૨ વર્ષમાં 4.96 કરોડ ટન કાંપનો ભરાવો થયો છે. વાત એવી છે કે, 2001થી અત્યાર સુધી ચાર-પાંચ વખત કાંપના ભરવા અંગે સર્વે થયા છે પણ તેને કાઢવાના કોઈ પગલાં લેવાયા નથી. સરકારની આ ઉદાસિનતા પાણીની અછત તરફ દોરી જશે તે નક્કી છે.

OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો 4 - image

5. અધિકારીઓનાં કેનેડાનાં અરમાન પર પાણી ફરી વળશે

ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટના પ્રમોશન માટે કેનેડા ડેલીગેશન મોકલવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. કેનેડા ડેલીગેશન મોકલવા માટે વિદેશ મંત્રાલય પાસે મંજૂરી માગવામાં આવી છે પણ કેનેડા સાથે રાજદ્વારી તણાવના કારણે સરકાર મંજૂરી આપે એવી શક્યતા ઓછી છે. તેના કારણે ઘણા અધિકારીઓના સરકાર ખર્ચે કેનેડા ફરી આવવાનાં અરમાન પર પાણી ફરી વળશે એવું લાગી રહ્યું છે. કેનેડા અત્યાર સુધીનાં વાયબ્રન્ટ સમિટમાં મહત્વની ભૂમિકામાં રહ્યું છે.  ૨૦૧૧ના વાયબ્રન્ટ સમિટમાં તો કેનેડા પાર્ટનર કંટ્રી હતો. આ વખતે કેનેડાને બાકાત રાખવામાં આવે તેવી શક્યતા છે. આ સંજોગોમાં અધિકારીઓ બિચારા વિલાયેલા મોઢે વિવાદ ઉકેલાવાની રાહ જોઈ રહ્યા છે.

6. સાયન્સ સિટીના કાર્યક્રમમાં ઉધોગપતિઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી

વાઈબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂરા થતા હોવાથી સાયન્સ સિટીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અપેક્ષા રખાતી હતી કે દેશના ટોચના ઉધોગપતિઓ હાજર રહેશે. આશ્ચર્યની વાત એ છે કે, કેડીલાના પંકજ પટેલ અને આર્સેલર મિત્તલ સિવાય અન્ય કોઈ મોટા ઉધોગપતિઓ હાજર રહ્યા નહોતા. સચિવાલયમાં ચર્ચા છે કે, આ કાર્યક્રમ માટે ગુજરાત સરકાર દ્વારા દેશના ટોચના ૨૦થી વધુ ઉધોગપતિઓને હાજર રહેવાનુ નિમંત્રણ અપાયું હતું. આ વખતે મુકેશ અંબાણી, રતન તાતા, આનંદ મહિન્દ્રા જેવા મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા નહોતા. તેમણે પોતાની નવી પેઢીને આ કાર્યક્રમમાં મોકલી હતી. પીએમની હાજરી ધરાવતા આ કાર્યક્રમાં ઉદ્યોગપતિઓની નવી પેઢીની હાજરીથી અને મોટા ઉદ્યોગપતિઓની ગેરહાજરીથી લોકોને આશ્ચર્ય થયું હતું. 

7. વિઠ્ઠલભાઈ પટેલની પુણ્યતિથીએ વિધાનસભામાં કોઈ નેતા ફરક્યા જ નહીં  

ગુજરાત વિધાનસભા પર જેમનું નામ છે તેવા વિઠ્ઠલભાઈ પટેલની 27મી સપ્ટેમ્બરે પૂણ્યતિથિ હતી. દર વર્ષે મુખ્યમંત્રી સહિતના નેતાઓ ગાંધીનગર વિધાનસભાના ગ્રાઉન્ડ ફ્લોર પર મુકાયેલી વિઠ્ઠલભાઈની વિશાળ છબી પાસે જઈ પુષ્પાંજલી અર્પી તેમને પગે લાગે છે. આ વખતે પરંપરા તૂટી હતી. વડાપ્રધાન ૨૭મીના દિવસે ગુજરાતમાં હોવાથી મોટા ભાગના મંત્રીઓ અને અધિકારીઓ કામમા લાગી ગયા હતા. તેમજ દિવંગત નેતાની પુણ્યતિથિની વાત ભુલાઈ ગઈ હતી. વિધાનસભાના સ્ટાફના કર્મચારીઓએ વિઠ્ઠલભાઈ પટેલને પુષ્પાંજલી અર્પી તેમને પગે લાગ્યા હતા. સચિવાલયના સ્ટાફમાં ચર્ચા હતી કે, સરદાર અને તેમના પરિવારની માત્ર વાતો જ થાય છે પણ ખરેખર મહત્ત્વના પ્રસંગે તેમને યાદ કરવામાં આવતા નથી કે કોઈ જોવા પણ આવતું નથી.

8. સ્પા સેન્ટરોમાં પોલીસની ભાગબટાઇનો ખેલ

દારૂ, જુગાર અને ડ્રગ્સના ધંધા બાદ હવે સ્પા સેન્ટરોમાં પણ પોલીસની ભાગબટાઈના ખેલ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ચાર હજારથી વધુ સ્પા સેન્ટરો ચાલે છે, જ્યાં કોઇને કોઇ પોલીસ સ્ટેશનના કર્મચારી સંકળાયેલા હોય છે, કેમ કે મોટેભાગે પૈસાદાર લોકો સ્પા સેન્ટરમાં આવે છે અને તેમનો આસાનીથી તોડ થતો હોય છે. વાત એવ છે કે, તાજેતરમાં અમદાવાદના સિંધુ ભવન સ્થિત એક સ્પા સેન્ટરમાં મહિલાને જાહેરમાં વાળ પકડીને મારવાના કેસમાં પોલીસે સંચાલકની ધરપકડ કરી છે પરંતુ આ સ્પા સેન્ટરની મંજૂરી અને વ્યવસ્થાપનમાં એક કોન્સ્ટેબલની ભૂમિકા ચર્ચાસ્પદ બની છે. સચિવાલયમાં ચર્ચા છે કે, પોલીસ અધિકારીઓ આવા ઘણા ધંધામાં સાયલેન્ટ પાર્ટનર તરીકે કામ કરે છે અને એકાદ કોન્સ્ટેબલને સંચાલન સોંપી દે છે. આ વિશે તપાસ થાય તો કાયદો અને વ્યવસ્થાના સખત મહોરા નીચેથી ભાગબટાઈનો ચહેરો સામે આવે. 

9. મેદાન વિનાની રમત : આવું તો ગુજરાત જ કરી શકે!

ગુજરાતમાં વિકાસ અને વ્યવસ્થાના માત્ર સૂત્રો જાહેર કરવામાં આવે છે અને કાગળ ઉપરના વિકાસને હવે પોસ્ટરો અને હોર્ડિંગ્સોમાં સ્થાન મળ્યું છે. વિકાસ અને વ્યવસ્થાની જાહેરાતો અને સફળતાના પોસ્ટરો પાછળ કરોડો રૂપિયાનું આંધણ થાય છે પણ ખરેખર તે વ્યવસ્થા માટે નહીવત ભંડોળ પણ ખર્ચવામાં આવતું નથી. આવી પોકળ વ્યવસ્થાનું ઉદાહરણ હાલમાં સામે આવ્યું છે. સરકારે ખેલ મહાકુંભ ૨.૦ની જાહેરાત તો કરી દીધી છે પરંતુ જે સ્કૂલોમાં રમતના મેદાન નથી ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે આ મહોત્સવ મનાવશે તે એક સવાલ છે. ગુજરાતની 5500 સ્કૂલો એવી છે કે જ્યાં રમતના મેદાન નથી. એકલા અમદાવાદ શહેરમાં 700થી વધુ સ્કૂલોમાં રમતના મેદાન નથી. હવે તો સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની પણ બાદબાકી થઇ રહી છે. થોડાં સમય પહેલાં શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને પત્ર લખી રમતના મેદાન ઉપલબ્ધ કરાવવા માટે આદેશ કર્યો હતો પરંતુ તેનું કોઇ જગ્યાએ પાલન થયું નથી. હવે મેદાન વગર ક્યાં રમશે ગુજરાત અને કેવી રીતે જીતશે ગુજરાત. 

OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો 5 - image

10. સુરતના બાળકની હત્યા કેસમાં બદલી થયેલા કોન્સ્ટેબલોને ભાજપના મોટા માથાનું રક્ષણ ?  

સુરતના કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં શિવમ અમરેન્દ્ર નામના 12 વર્ષના બાળકનું બુટલેગર સોનું અને મોનુ દ્વારા અપહરણ કરી ૧૫ લાખની ખંડણી માંગી હતી. પોલીસની બેદરકારીને કારણે બૂટલેગરોએ બાળકનુ ખુન કરી બાળકની લાશ પોતાના દારૂના અડ્ડા પર દાટી દઈને નાસી ગયા હતા. જેમાં પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પેટલને સસ્પેન્ડ કરાયા હતા. આ કેસમાં બે કોન્સ્ટેબલ દીપક શંકરભાઈ (મરાઠી) તથા હેમંત ખેરનાર(મરાઠી)ને પણ બેદરકારી દાખવવા બદલ તાત્કાલીક બદલી કરી છૂટા કરી દેવાયા હતા. સચિવાલયમાં ચર્ચા છે કે, આ બે કોન્સ્ટેબલો ચોક્કસ જ્ઞાાતિના હોવાથી અમુક નેતાઓ તેમને મદદ કરે છે. આ કોન્સ્ટેબલોની કામગીરી સારી હોવાનું બહાનું આગળ ધરીને જિલ્લા એસપી પણ ત્રણેયના બચાવમા ઉતર્યા છે. આ ત્રણ પૈકીના હેમંતના પિતા ભાજપના નેતાના ખાસ વિશ્વાસુ ગણાય છે. તેઓ સુરત કોર્પોરેશનના કોઈ વોર્ડમાં સભ્ય છે. એવી ચર્ચા છે કે, સુરત, વ્યારા,નવસારી જિલ્લામાં પોલીસ તંત્ર ઉપર વારંવાર દખગીરી અને દબાણ થઈ રહ્યું હોવાથી અધિકારીઓ સારી રીતે કામ કરી શકતા નથી.

11. ઉડતા ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું પણ હેરફેર કરનારા નહીં 

ઉડતા ગુજરાતમાં ફરી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ કોકેઈન હોવાનું બહાર આવ્યું છે. લોકોને સવાલ એ થઈ રહ્યો છે કે, ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે ત્યારે ડ્રગ્સ પેડલર કેમ ઝડપાતા નથી? 800 કિલો ડ્રગ્સ કંઈ ગુટખાની પડીકી નથી કે કોઈ પણ ફેંકીને જતું રહે. આ ડ્રગ્સ આકાશમાંથી તો નહીં જ પડયું હોય. અગાઉના કિસ્સાની જેમ આ વખતે પણ ખાલી ડ્રગ્સ મળ્યું, ડ્રગ્સની હેરફેર કરનારા ક્યાં ગાયબ થઈ જાય છે? 

OFFBEAT : પોલીસ જ હપ્તા ઉઘરાવે ત્યાં દારૂ ક્યાંથી બંધ થાય, અધિકારીઓનું કેનેડાનું સપનું રોળાયું - 12 મોટી ખબરો 6 - image

12. ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં પોલીસે ભાજપના ધારાસભ્યનો હાથ પકડયો  

સરકાર દ્વારા વારંવાર દાવા કરાતા હોય છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ સારી હોવાથી નાગરીકોએ કોઈનાથી ડરવા જેવું નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આજની તારીખે પોલીસને પણ સલામતી લાગતી નથી. જેનું ઉદાહરણ સુરતની ઘટના છે. હજીરાના દરિયાકાંઠે ગણપતિ વિસર્જનમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે સુરતના ધારસભ્ય અરવિંદ રાણા પણ ગયા હતા. પોલીસ કાફલા સાથે બન્ને ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ હર્ષથી થોડા પાછળ ચાલી રહેલા આ ધારાસભ્યનો હાથ પોલીસે પકડી લીધો હતો. તેમજ સૂચના આપી કે, તમારે પાછળ ચાલવાનું છે. આવું વર્તન થતા ધારાસભ્ય પણ ગુસ્સે ભરાયા હતા. તેઓએ પોતાની ઓળખાણ આપી હતી. આ જ સમયે હર્ષ સંઘવીએ પણ ધારાસભ્ય અને પોલીસ સામે જોયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેને જોઈને લોકો ટીકા કરી રહ્યાં છે કે, મોટાભાગના મંત્રીઓને અભિમાન આવી ગયું છે.


Google NewsGoogle News